કચ્છઃ વર્ષ 2025ના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર એમ કુલ-8 મહાનગરપાલિકા કાર્યરત હતી. જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) નવા વર્ષે કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ હવે મહાનગરપાલિકા
કચ્છના આર્થિક પાટનગર તરીકે લેખાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થશે. ગત વર્ષના પ્રારંભે ગુજરાતના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય થયો એ પછી તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી છે. તો સાથે જ કચ્છના પાટનગર ભુજ શહેર અને આસપાસના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની રચનાનો પણ ત્વરિત નિર્ણય લેવાય એવી આશા પણ કચ્છના લોકોને છે. ૉ
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) ગાંધીધામના વિકાસ અને સ્થાપનાનો ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ ઉપરાંત ભુજને પણ મહાનગરપાલિકા આપવાની માંગ સમયાંતરે ઊઠતી રહેતી હોય છે. કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ એક પોર્ટ સિટી છે. તેમજ કંડલાના મહાબંદર દીનદયાળ પોર્ટને લાગીને આવેલું ગાંધીધામ વેપાર-ઉદ્યોગ, શિપિંગ-ટિમ્બર, નમક, પરિવહન ઉદ્યોગનું હબ ગણાય છે. ગાંધીધામના વિકાસ અને સ્થાપનાનો ઇતિહાસ પણ અનોખો છે. વર્ષ 1947માં વિભાજન થયું એ વખતે પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા સિંધીઓનું પુનર્વસન કરવા માટે ગાંધીધામ-આદિપુર એમ ટ્વિન ટાઉનશિપની સ્થાપના કરવામાં આવી હતી.
જમીન-મિલકતોને લઈને અટવાયેલા પ્રશ્નો ઉકેલાશે
ગાંધીધામના રહેવાસીઓ હંમેશા એસ.આર.સી., ડીપીટી અને નગરપાલિકા વચ્ચે જમીન-મિલકતોને લઈને અટવાયા રહેતા હતા. લીઝના ફાયદા અને સિટીસર્વેમાં જમીનો ચઢીના હોવાથી લોકો સમસ્યાનો સામનો કરતા હતા, ત્યારે હવે બાબતો મહાનગરપાલિકાના નિર્માણ બાદ આ સમ્યસાઓ સરળતાથી ઉકેલાઈ જશે તેવી આશા ગાંધીધામવાસીઓને છે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) લોકોએ પોતાની કુશળતાથી ઔધોગિક ક્ષેત્રે આર્થિક વિકાસ કર્યો
ગાંધીધામની સ્થાપના ભાઇપ્રતાપે કરી હતી અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમ્યાન હિજરત કરી આવેલા સિંધી ભાઇઓને વસાવવા ગાંધીધામ-આદિપુર એમ બન્ને શહેરોની સ્થાપના થઇ હતી. ગાંધીધામના ઉદ્યમશીલ લોકોએ પોતાની કુશળતાથી ઔધોગિક ક્ષેત્રે આર્થિક વિકાસ કર્યો હતો.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) મહાનગર બનાવવાનું ગાંધીધામ વાસીઓનું સ્વપન પૂર્ણ
ગાંધીધામને મહાનગર બનાવવાનું ગાંધીધામ વાસીઓનું સ્વપન વર્ષ 2025ના પ્રથમ દિવસે જ પૂર્ણ થયું છે ત્યારે ગાંધીધામવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઇ છે. ગત મોડી સાંજે ગાંધીધામ મહાનગરપાલિકા માટે કમિશનરની પણ નિમણૂક કરીને જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાની જાહેરાત થતાની સાથે જ જમીન હસ્તાંતરણ, વહીવટી પ્રક્રિયા, તાલુકાની સ્થિતિ, ગાંધીધામ શહેરની સ્મયસાઓ સહિતના પ્રશ્નો તેમના તેમ રહ્યા છે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) કલેક્ટરને વહીવટદાર તરીકેની જવાબદારી
ગાંધીધામ મહાનગરપાલિકામાં ગાંધીધામ-આદિપુર શહેર ઉપરાંત ગાંધીધામ તાલુકાના ગામો ગળપાદર, કિડાણા, અંતરજાળ, શિણાય અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી સહિતનાં ગામો સહિતના વિસ્તારોને સમાવિષ્ટ કરવામાં આવશે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે હે શહેરોમાં મહાનગરપાલિકા જાહેર થઈ છે તે જિલ્લાના કલેકટર અને મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તમામ કલેક્ટરોને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) ત્રણ દરખાસ્ત ઉચ્ચ સ્તરે ગઈ હતી
ઉલ્લેખનીય છે કે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવા માટેની મુખ્ય ત્રણ દરખાસ્ત ઉચ્ચ સ્તરે ગઈ હતી, જેમાં એક દરખાસ્તમાં તાલુકાનાં તમામ ગામો, એક દરખાસ્તમાં ગાંધીધામ તાલુકાના ચાર ગામો અને શહેર, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી સહિતનો વિસ્તાર, જ્યારે એક દરખાસ્ત માત્ર ગાંધીધામ -આદિપુરને સમાવવાની મોકલવામાં આવી હતી, જે પૈકી ગાંધીધામ તાલુકાના ચાર ગામ અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી સહિતના વિસ્તારને સમાવતી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) પ્રથમ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા તમામ નવી મહાનગરપાલિકાઓમાં કમિશનરની નિમણૂકના આદેશ જારી કરાયા છે. જેમાં કચ્છના હાલમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા મિતેશ પંડયાને ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે, તો ડેપ્યુટી કમિશનર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત હાલના ગાંધીધામ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય રામાનુજને પણ ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) શહેરના સુખ સુવિધામાં વધારા સાથે વધુ વિકાસ થશે
મહાનગરપાલિકા ધરવતા શહેરોમાં સેવા સુવિધાનો વ્યાપ વિશેષ રહે છે, તેથી હવે ગાંધીધામને પણ ચોક્કસપણે મૂળભૂત સુવિધાઓ મળતી થશે તેમજ હાલમાં શહેરમાં જે રોડ રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સવલતોની સમસ્યાઓ દૂર થાય તે જરૂરી છે. ખાસ કરીને શહેરના સુંદરપુરી, ભારત નગર અને સ્લમ એરિયામાં ગટર ઓવરફ્લો થવાની સમસ્યા લાંબા સમયથી છે. તો હવે મહાનગરપાલિકાની મંજૂરી મળતા શહેરના સુખ સુવિધામાં વધારા સાથે વધુ વિકાસ થશે તેવી આશા નગરજનો સેવી રહ્યા છે.
રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળશે
ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લોક લાગણી ઉઠી હતી. જેને માન આપી સરકારે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. એવું મનાય છે કે, ચોક્કસથી શહેરનો જે વિકાસ થયો છે તેનાથી બમણી ગતિએ હવે આ શહેરનો તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ થશે. મૂળભૂત સુવિધાના અભાવ માટે હવે જ્યારે પાલિકામાંથી મહાનગરપાલિકા બનતા રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળશે. જેથી ગાંધીધામમાં જે ખૂટતી કડીઓ છે તેના વિકાસ કાર્યોમાં વેગ આવશે.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) મહાનગર તરીકે ફેરબદલની પ્રક્રિયા અંગે માર્ગદર્શન
ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા ફેરબદલ કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.તો વહીવટદાર તરીકે નિયુક્ત કરાયેલા કચ્છ કલેક્ટરએ આજે ગાંધીધામ નગરપાલિકા ખાતે બેઠક યોજી હતી અને મહાનગર તરીકે ફેરબદલની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તો નવી મહાનગરપાલિકાના કમિશનર મિતેશ પંડ્યા અને ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ સહિતના અધિકારીઓએ બેઠકમાં હાજર રહ્યા હતા.ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) એક્ટના દાયરામાં સરળ રીતે તમામ કામગીરીઓ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.તો ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ હેઠળ કામગીરી કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેવું કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું.
કચ્છનું ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું (ETV BHARAT GUJARAT) ગ્રાન્ટો વધશે, મહેકમ વધશે અને ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી થશે
હાલના ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠે જણાવ્યું હતું કે, ગાંધીધામના લોકોની જે વર્ષો જૂની માંગણી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે ત્યારે સાંસદ સભ્ય, ધારાસભ્ય તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ગાંધીધામની અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે, ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે જે માંગણી હવે સંતોષાઈ છે અને આવનાર દિવસોમાં મહાનગરપાલિકા બનવાથી અહીં ગ્રાન્ટો વધશે, મહેકમ વધશે અને ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી થશે, એટલે ગાંધીધામના વિકાસને વેગ મળશે. ગાંધીધામ ઔદ્યોગિક સીટી હોવાથી અહીંની સંખ્યા વધતી જાય છે અને નવા નવા એરિયાઓ ડેવલપ થતા જાય છે. જેને ડેવલપ કરવા માટે રોડ રસ્તા, પાણી લાઈટો વગેરે સગવડો આપવામાં ગાંધીધામ નગરપાલિકા પહોંચી નતી વળતી. હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી અહીંના લોકોને જે પ્રાથમિક જરૂરિયાતો છે એને ગાંધીધામ મહાનગરપાલિકા પહોંચી વળશે અને આવનાર દિવસોમાં ગાંધીધામની પ્રજા પ્રાથમિક રીતે સુખી થાશે.
- તમે પણ ખરીદી શકો છો CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટો- ONLINE ઓક્શન શરૂ, જાણો કેટલી કરી આવક
- અમદાવાદ: ફ્લાવર શોમાં આ વખતે શું છે નવું? કયા સમયે જશો તો ટિકિટ મોંઘી પડશે, જાણો બધું