સુરતના AAP કોર્પોરેટરના ઘરે આગ દુર્ઘટના સુરત:આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઘરે મોડી રાત્રે લાગેલી આગ એક કિશોરનું મોત નીપજ્યું છે. આગમાં પરિવારના સાત જેટલા સભ્ય ફસાઈ ગયા હતા. આ ઘટનામાં છ જેટલા લોકો સહી સલામત બહાર નીકળી ગયા હતા. પરંતુ કોર્પોરેટરના 17 વર્ષીય પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. ધોરણ 12 ની પરીક્ષા માટે છેલ્લી તૈયારી કરી રહેલા પુત્રનું મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
AAP કોર્પોરેટરના ઘરે આગનો બનાવ :સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધરા સોસાયટીમાં રહેતા AAP કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાના ઘરે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પરિવારના સાત જેટલા સભ્ય આગથી ભભૂકતા ઘરમાં ફસાઈ ગયા હતા. જોકે આ ઘટનામાં છ જેટલા સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા. પરંતુ ઘરની અંદર 17 વર્ષીય પ્રિન્સ ફસાઈ ગયો હતો. આ ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા કિશોરનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
17 વર્ષીય કિશોરનું કરુણ મોત :મૃતકના કાકા નટવરભાઈએ જણાવ્યું હતું કે, અમે લોકો સૂઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ લોકો નીકળી ગયા પરંતુ એક છોકરો અંદર ફસાઈ ગયો હતો. તમામ લોકો ઘરની બહાર કૂદીને નીકળી ગયા હતા. ત્યાર પછી ખ્યાલ આવ્યો કે હજુ બે છોકરા ઘરની અંદર છે. આગ લાગી ત્યારે અમે ઘરની ઉપર પહોંચી અને બાજુના મકાનમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ મારા ભાઈ જીતેન્દ્ર કાછડીયાનો પુત્ર અંદર ફસાયો હતો. ઘરની અંદર ધુમાડો હતો એટલે કદાચ કંઈક સમજ પડી નહીં અને તેનું કરુણ મોત નીપજ્યું છે. પ્રિન્સ ધોરણમાં 12 સાયન્સમાં ભણતો હતો. આગનું કારણ કદાચ શોર્ટ સર્કિટ હશે.
ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો :ઉલ્લેખનીય છે કે, ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું આ મકાન હતું. જેમાં પહેલા માળે આગ લાગી અને આગ ધીમે ધીમે આખા ઘરમાં પ્રસરી હતી. આગના કારણે ઘરવખરી, ફર્નિચર, એલીવેશન અને બારી-બારણાં સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.
- Surat Fire Accident : ફોરેસ્ટ વિભાગની સરકારી વસાહતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, બે લોકો દાઝ્યા
- Surat Fire Accident : શહેરના પુણા વિસ્તારની ઈન્ડસ્ટ્રીમાં લાગી આગ, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન