કચ્છ: ભૂખ્યાને ભોજન આપવું એ જ સાચા આનંદની અનુભૂતિ છે ત્યારે આવી અનુભૂતિ મેળવતું અને ભુજમાં રહેનાર તથા ભુજમાં આવનાર કોઈ ભૂખ્યું ન રહે એવા ઉમદા વિચારથી ‘રામ રોટી છાશ કેન્દ્ર’ ના સેવાભાવીઓ છેલ્લાં 39 વર્ષથી દરિદ્રનારાયણોને નિઃશુલ્ક અને સામાન્ય વ્યક્તિ કે જે મફતનું ખાવામાં સંકોચ અનુભવે છે તેમને માત્ર 20 રૂપિયાના ટોકન ચાર્જમાં પેટભરીને જમવાનું પીરસે છે. દરરોજના 1200થી પણ વધુ લોકો અહીં પેટભરીને ભોજન કરે છે.
1200થી 1500 લોકોને દરરોજ ભોજન: 8 માર્ચ 1986 મહાશિવરાત્રીના બીજા દિવસથી ભુજના હમીરસર તળાવ પાસે 'રામ રોટી છાશ કેન્દ્ર' કરીને અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત 25 થી 50 લોકોને નિઃશુલ્ક ભોજન આપીને કરવામાં આવી હતી અને આજે 1200 થી 1500 લોકો દરરોજ અહીં ભોજન ગ્રહણ કરે છે. વર્ષ 1986 થી વર્ષ 2011 સુધી આ કેન્દ્ર ખાતે તદ્દન મફતમાં ભોજન આપવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ ભુજની કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કે જેઓ અન્ય ગામ કે શહેરના વતની છે તેઓ દરરોજ નિઃશુલ્ક ભોજન કરવા માટે સંકોચ અનુભવતા હતા માટે ત્યારબાદથી લોકોના આગ્રહથી ફક્ત 20 રૂપિયા ટોકન ચાર્જમાં લોકોને અહીં ભરપેટ જમવાનું આપવામાં આવે છે. દરરોજ અહીં 1200 લોકો ભોજન કરે છે.
વર્ષ 1986થી આ અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજમાં શહેરમાં નોંધનીય બાબત એ છે કે, અહી રામના નામે “રામ રોટી છાશ કેન્દ્ર” ચલાવવામાં આવે છે. છેલ્લા 35 વર્ષથી આ અન્નક્ષેત્ર અવિરત પણે ચાલી રહ્યું છે. ભુજમાં રહેનાર અને ભુજમાં આવનાર કોઈ ભૂખ્યું ન રહે આવા ઉમદા વિચારથી અહીંના સેવાભાવીઓ દ્વારા વર્ષ 1986થી આ અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલમાં 100 જેટલા ટિફિન નિઃશુલ્ક મોકલવામાં આવે: ભુજના 'રામ રોટી છાશ કેન્દ્ર' ખાતે કોઈ પણ વ્યક્તિ ગરીબ, અમીર, તેમજ કચ્છના પ્રવાસે આવેલા પ્રવાસીઓ, નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ દરેક વર્ગના લોકો અહીં સાથે ભોજન કરે છે. એટલે સામાજિક સમરસતા પણ અહીં જળવાઈ રહે છે. સેવાભાવીઓના સેવા અને ઉચ્ચ વિચારથી દરરોજ અહીં 1200 લોકો ભોજન કરે છે. જ્યારે રણોત્સવ અને પ્રવાસીઓની સીઝન દરમિયાન દરરોજના 1500 જેટલા લોકો અહીં ભોજન કરે છે. તો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ દરરોજના 100 જેટલા ટિફિન નિઃશુલ્ક મોકલવામાં આવે છે અન્ય 60 જેટલા ટિફિન પણ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામા આવે છે.
20 રૂપિયાના ટોકન ચાર્જમાં પેટભરીને મિષ્ઠાન, ફરસાણ, શાક, રોટલી, દાળ, ભાત, કચુંબર, છાશ:
'રામ રોટી અને છાશ કેન્દ્ર' દ્વારા જમીન ઉપર પંગતમાં નિઃશુલ્ક તેમજ ટેબલ ખુરશી ઉપર માત્ર 20 રૂપિયાના ટોકન ચાર્જમાં પેટભરીને મિષ્ઠાન, ફરસાણ, શાક, રોટલી, દાળ, ભાત, કચુંબર, છાશ અને અથાણા સાથે પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે. અગાઉ 1986માં જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર રોટલી અને શાક પીરસીને ભૂખ્યાની ભૂખ સંતોષવામાં આવતી હતી. હવે તો ક્યારેક દાતાઓ દ્વારા આપવામાં આવતા ભોજન પણ પીરસવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, નિઃશુલ્ક અને 20 રૂપિયાના ટોકન આપી જમતા બન્ને લોકો માટે એક જ મેનુ હોય છે.
દરરોજ કેટલી સામગ્રી ખપી જાય છે? દરરોજ આટલા લોકોની રસોઈમાં વપરાતી સામગ્રીની વાત કરવામાં આવે તો દરરોજ રોટલી માટે 120 કિલો ઘઉંનો લોટ, 80 થી 90 કિલો શાકભાજી, ચોખાના 2 બાચકા એટલે કે 60 કિલો, 10 કિલો મગ, 200 લીટર છાશ, 45 કિલો તેલ, 2.5 બાટલા ગેસ, 40 કિલો ખાંડ, 5 કિલો ગોળ તેમજ વિવિધ પ્રકારની દાળ જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. ઉપરાંત સંસ્થા દ્વારા દર ગુરુવાર બુંદી ગાંઠિયાનો ભોજન પણ આપવામાં આવે છે.
ક્યારેય પણ ફંડ ફાળાની ઉઘરાણી કરવામાં નથી આવતી: 'રામ રોટી છાશ કેન્દ્ર' ખાતે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેમજ સાંજે 6:30 થી 8:30 સુધી મોટી માત્રામાં લોકો ભોજન માટે ઉમટતા હોય છે. આ સંસ્થા દ્વારા ક્યારેય પણ ફંડ ફાળાની ઉઘરાણી કરવામાં આવતી નથી. વિવિધ દાતાઓ દ્વારા અવારનવાર દાન આપવામાં આવતું હોય છે. જેમાં મુખ્ય દાતા કોણ છે એ પણ ગુપ્ત રાખવામાં આવતું હોય છે. આ ઉપરાંત અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરવા આવતા લોકો પૈકી કોઈને પણ છૂટક રોકડ દાન કરવું હોય તો અહીં પહોંચ અને પ્રસાદ આપીને સ્વીકારવામાં આવે છે.
દરમહિને 100 જેટલા લોકોને 500 રૂપિયાની રાશન કીટ: લોકોને ભોજન આપવાની સાથે સાથે આ સંસ્થા દ્વારા નબળા વર્ગના લોકો કે જરૂરિયાતમંદ વિધવા બહેનોને રાશન પણ પહોંચાડવામાં આવે છે. જેમાં દરમહિને 100 જેટલા લોકોને 500 રૂપિયાની રાશન કીટ આપવામાં આવે છે. દર વર્ષે ઉનાળા દરમિયાન મૂંગા પ્રાણીઓ માટે એકાંતરે 18 થી 20 ટન ઘાસચારો નીરવામાં આવે છે, પક્ષીઓને ચણ, કૂતરાને રોટલા પણ આપવામાં આવે છે.
સામાન્ય વ્યક્તિ પણ અહીં ભોજન લઈ શકે છે: 'રામ રોટી છાશ કેન્દ્ર'માં ભોજન લેવા આવેલ પ્રવાસી કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, તેઓ ભુજના 'રામ રોટી છાશ કેન્દ્ર' માં ભોજન લેવા માટે આવ્યા હતા. જ્યાં માત્ર 20 રૂપિયામાં ભોજન પ્રસાદ મળે છે અને તેની ગુણવતા પણ ખૂબ સારી છે. પેટભરીને લોકો અહીં ભોજન લઈ શકે છે બાળકો માટે પણ આ ભોજન સારું હોય છે. 20 રૂપિયામાં શાક, રોટલી, દાળ-ભાત, છાશ, મિષ્ટાન અને ફરસાણ આપવામાં આવે છે જે સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય વ્યક્તિ પણ અહીં ભોજન લઈ શકે છે અહીં સફાઈ અને ચોખ્ખાઈ પણ જોવા મળે છે.
25થી 50 લોકોને ભોજન પીરસીને શરૂઆત થઈ હતી: 'રામ રોટી છાશ કેન્દ્ર'ના ઇતિહાસ અંગે વાત કરતા લીલાધરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ સંસ્થા શરૂ થયાને 39 વર્ષ થયા છે. શરૂઆતમાં 25 થી 50 લોકોને દરરોજ રેતીમાં બેસાડીને માત્ર રોટલી શાક પીરસવામાં આવતું હતું. શરુઆતના સમયમાં લીલાધરભાઈ પોતે અને ભોગીલાલભાઈ મહેશ્વરીએ ભુજમાં જે વટેમાર્ગુ પસાર થતા તેમને ભોજન આપતા હતા.
રસોઈ બનાવવા માટે આધુનિક સાધનો: 'રામ રોટી છાશ કેન્દ્ર'માં આવતા દરેક લોકોને અહીં ઘર જેવું શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન જમવાનું મળી રહે તે માટે અહીં આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે જેમાં દરરોજ રસોઈ તૈયાર કરવામાં આવે છે. જેમાં રોટલીનો લોટ દડવા માટેની મશીન, લોટ બાંધવા માટે મશીન, રોટલી શેકવા માટેનો મશીન, મિષ્ટાન બનાવવા માટેનો મશીન, શાકભાજી સુધારવા તેમજ ગ્રેવી બનાવવા માટેના મશીનમાં અહીં દરરોજ રસોઈ તૈયાર કરવામાં આવે છે.
આફતો સમયે પણ સેવા કરવા તૈયાર હોય છે કેન્દ્ર: આ ઉપરાંત અહીં કોરોના સમયે પણ ભોજન બનાવવાનું શરૂ રખાયું હતું અને લોકોને કોરોના કાળમાં પણ ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત કુદરતી આફતો સમયે કલેકટર, નગરપાલિકા સહિતની સરકારી સંસ્થાઓ પણ 'રામ રોટી છાશ કેન્દ્ર'નો સાથ સહકાર લે છે અને ફૂડ પેકેટ્સ પણ તૈયાર કરવામાં આવતું હોય છે.
કેન્દ્ર પર આવીને કોઈ પણ વ્યક્તિ દાન કરે તે સ્વીકારાય છે: સંસ્થાના સંસ્થાપક બન્ને લોકોએ નક્કી કર્યું હતું કે, આપણે કોઈ પાસે ક્યારેય પણ દાન માંગવું નહીં, અને વિચાર્યું હતું કે, આપણે લોકોને જમાડીએ છીએ તે ઉપરવાળો ભગવાન જોવે છે અને એ જ તમામ વ્યવસ્થાઓ ઊભી કરશે. અહીં કેન્દ્ર પર આવીને કોઈ પણ વ્યક્તિ નાની અથવા મોટી કોઈ પણ વસ્તુ આપી જાય કે દાન આપી જાય તો તે સ્વીકારવામાં આવે છે.
આ પણ વાંચો: