મોરબીઃ મોરબીના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના નામે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલા જોવા મળે છે. જેમાં મારે 20 લોકોની જરૂર છે અને ઘરેથી કામ કરો તેવા મેસેજ વાયરલ થતા પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી ધારસભ્ય કાંતિ અમૃતિયાએ આપી છે.
દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર હોવાની પોસ્ટ વાયરલ
મોરબીના ઘણા ફેસબુક ગ્રુપમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથેની એક પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. ઘરેથી કામ કરો ફકત જિલ્લાનું નામ વોટ્સએપ કરો આ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આ મામલે પોસ્ટમાં દર્શાવેલા નંબર પર કોલ કરતા જાણકારી સામે આવી કે, આ પોસ્ટમાં આપેલા નંબર પર કોઈ હિન્દી ભાષામાં વાત કરે છે. તે ફોન ઉપર વધુ કોઈ વિગતો આપતા નથી, પણ તમામ લોકોને વોટ્સએપમાં મેસેજ મોકલવાનું કહે છે, જેથી વધુ ડિટેઇલ મોકલવામાં આવશે. આમ હાલની બેરોજગારીનો ફાયદો ઉઠાવી નોકરી આપવાના નામે આ છેતરપીંડીનો કીમિયો હોવાનું પ્રારંભીક રીતે સામે આવે છે. જોકે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે નકલી નોકરીઓ ના જાળમાં નોકરીવાંચ્છુઓને ફસાવવા માટે આ શખ્સે માર્કેટિંગ પણ કર્યું અને તેમાં પણ ખુદ ધારાસભ્યનો જ ફોટો ઉપયોગમાં લીધો.
પોસ્ટ મુકનાર સામે પગલા લેવા એસપીને સૂચના
આ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વાત કરી કે, મને થોડા સમય જ પહેલા આ વાતની જાણકારી મળી છે. મેં જિલ્લા પોલીસ અધિક્ષકને કહીને સાયબર ક્રાઇમમાં જાણ પણ કરી છે. પોલીસ તુરંત પગલા લેશે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર શખ્સને પકડે તે અંગે સૂચનાઓ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યના નામે કોઈ ગઠીયો નકલી નોકરીના મેસેજ વહેતા કરી લોકોને બાટલીમાં ઉતારી રહ્યો છે કે, પછી કોઈ રાજકીય વેર વાળવા માટે આવા કામ કર્યા છે તે પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે.
- બ્રિટનમાં ફિઆન્સેની હત્યાનો દોષિત સુરતની જેલમાં સજા કાપશે, કેમ લેવાયો આવો નિર્ણય?
- ગુજરાતના આ ગામના લોકોને નથી આવતું લાઈટ બિલ, જાણો દેશના પ્રથમ સરહદી સોલાર વીલેજ વિશે