દાહોદના ઉસરવાણ ગામે નકલી ફૂડ ઓફિસરની રેડ દાહોદ :દાહોદ જિલ્લાના ઉસરવાણ ગામે ઓઇલ ડેપો ફેક્ટરીમાં છુટા કરેલા કર્મચારીઓ નકલી ફૂડ ઓફિસરની ઓળખ આપી ઉઘરાણી કરવા પહોંચ્યા હતા. જોકે દાહોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી એક માઉજર, ચાર કારતૂસ અને એક કેમેરા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં ફૂડ વિભાગની રેડ : દાહોદ પંથકમાં આવેલા ઉસરવાણ ગામે મહાલક્ષ્મી ઓઇલ ડેપો ફેક્ટરીના માલિક નીરજ મામનાણી ફેક્ટરી પર હાજર હતા. તે સમય દરમિયાન ચાર અજાણ્યા વ્યક્તિ ત્યાં પહોંચ્યા અને ફુડ સેફટી ઓફિસરની ઓળખ આપી કહ્યું કે, તમે ડુપ્લીકેટ ઘી બનાવો છો તમારી ફેક્ટરી પર રેડ પાડી છે. જોકે ફેક્ટરી માલિકને આ લોકો શંકાસ્પદ લાગતા તેને દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
આરોપીઓની નકલી ઓળખ : દાહોદ બી ડિવિઝન PI ડીડી પઢિયાર પોલીસ સ્ટાફ સાથે મહાલક્ષ્મી ઓઇલ ડેપો ફેક્ટરી પર પહોંચ્યા હતા. જ્યાં ફેક્ટરી બહાર હાજર ચાર શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવતા તેમની પાસે ઓળખકાર્ડ માંગ્યું હતું. જોકે આ લોકો સંતોષકારક જવાબ નહીં આપી શકતા વધુ પૂછપરછ માટે તેમની તપાસ કરતાં તેમની પાસેથી લોડેડ એક માઉઝર અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
ચાર શખ્સ ઝડપાયા :પોલીસ તપાસમાં સામે આરોપીઓની ઓળખ થઈ છે. જેમાં વૈભવ રમેશભાઈ ચૌહાણ, સુનિલ મોહનલાલ નાગર, રોહિત રાજેન્દ્ર પરમાર અને પ્રવેશ ઉમેશ ચૌહાણ સામે ફેક્ટરી માલિકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક માઉઝર, ચાર કારતુસ, પાંચ મોબાઈલ અને એક કેમેરા સહિત કુલ રુ. 56,700 નો મુદ્દામાલ જપ્ત કરી તથા તમંચો આપનાર સહિત પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમને માઉઝર ઇન્દોરના પપ્પુ રામ નરેશ ચૌહાણ પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું.
આરોપી કંપનીનો પૂર્વ કર્મચારી : નકલી ફૂડ ઓફિસર બની આવેલા 4 પૈકી શખ્સ એક કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતો હતો. મનસ્વી વર્તનના કારણે તેને ફેક્ટરીમાંથી છૂટો કર્યો હોવાની અદાવત રાખીને કંપની માલિક સાથે બદલો લેવા અને નાણાં પડાવવા તેણે આ પ્લાન કર્યો હતો. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી નકલી રેડ પાડી હતી. પરંતુ કંપની માલિક નીરજ મામનાણીની સર્તકતાના કારણે ચારેય આરોપીને જેલમાં હવા ખાવાનો વારો આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી : દાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટાફે ટેલીફોનિક વર્દીના આધારે સ્થળ ચકાસણી કરતા માણસો શંકાસ્પદ લાગ્યા હતા. ચાર શખ્સોની અંગજડતી લેતા એક માંઉઝર અને ચાર કારતુસ મળી આવ્યા હતા. તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોતાની ખોટી ઓળખ ઉભી કરી ગુનાહિત કાવતરું રચી પૈસાની માંગણી કરવા મામલે ગુનો દાખલ કરી બંને ગુનાની તપાસ હાલ ચાલુ છે. પંથકમાં આ પ્રકારના કેટલા ગુના બન્યા છે કે કેમ, તેમનો શું હેતુ હતો, શું પ્લાનિંગ હતું એ વિશે વધુ તપાસ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Mehsana Crime : નકલી ડોકટર બનેલો નિવૃત્ત એસટી કર્મચારી ઝડપાયો, મહેસાણા એસઓજી પોલીસે રેઇડ કરી કાર્યવાહી કરી
- Fake Income Tax Officer: નકલી ઈન્કમટેક્સ ઓફિસર લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, શેરબજારનો લોસ કવર કરવા રચ્યું હતું ષડયંત્ર