મોરબી: દિવાળી આવતા જ દરેક ઘરમાં રોશની ફેલાતી હોય છે. પરંતુ વરસાદના મારના કારણે ખેડૂતોના ઘરની દિવાળીની ચમક ફીકી પડી જશે. તેવી સ્થિતિ જોવા મળી છે. ચોમાસાની સિઝન દરમિયાન અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો ચિંતત જોવા મળી રહ્યા છે. જો કે દિવાળી આવી છતાં પણ ભારે વરસાદના લીધે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે મોરબીના રાજપર ગામે કપાસ અને મગફળીનો પાક લેવામાં આવે છે. પરંતુ હાલમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે અને દિવાળી ઉજવણી શકે તેવી સ્થિતિ ખેડૂતોની રહી નથી.
10,000 વિઘામાં વાવેતર: મોરબીના રાજપર ગામમાં 10,000 વિઘામાં કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો પર મુશ્કેલીનો માર પાડ્યો છે. જેના કારણે ખેતરમાં 1 વિઘાની પણ ઉપજની આશા હવેં રહી નથી. રાજપર ગામના ખેડૂતો જણાવે છે કે, કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી ઘણી નુકસાની થઇ છે. છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદના લીધે ખેતરમાં ઉભેલા પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. વિઘા દિઠ રુ. 10,000 જેટલો ખર્ચ કરીને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દિવાળી પર ઉપજ થવાની આશા હતી. પણ વરસાદી પ્રકોપના કારણે નુકસાન થયું છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય કરે તેવી આશા વ્યક્ત કરી હતી.