કચ્છ: પ્રવાસન સ્થળ અને ઐતિહાસિક ધરોહરની ખજાનો ધરાવતા કચ્છમાં પ્રાચીન શૈલ ગુફાઓ પણ આવેલી છે. જેમાં જિલ્લાના સરહદી તાલુકા લખપતમાં નાનકડા એવા સિયોત ગામ પાસે આવેલી પ્રાચીન શૈલ ગુફાઓ કે જે કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જગ્યાએ ફરવા જતા પ્રવાસીઓએ ખાસ મુલાકાત લેવી જોઇએ.
ભુજથી 130 કિલોમીટર દૂર આવેલી ગુફા: હાલમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કચ્છના સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવ નિમિત્તે મોટી માત્રામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. ત્યારે જિલ્લામાં આવેલા જુદા જુદા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે. અનેક પ્રવાસન સ્થળો પૈકીનું એક સ્થળ કે, જે ભુજથી 130 કિલોમીટર દૂર લખપત તાલુકાના નાનકડા એવા સિયોત ગામ પાસે આવેલી પ્રાચીન શૈલ ગુફાઓ છે. આ ગુફાઓ અદ્ભુત રહસ્યની સાથે અનોખી ખાસિયત માટે પણ જાણીતી છે.
બૌદ્ધ કાળમાં બનાવવામાં આવી ગુફાઓ: લખપત તાલુકાના સિયોત ગામમાં આવેલી સિયોત ગુફાઓ જે બૌદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી. તે પૈકી કુલ 5 શૈલ ગુફાઓ છે. આ 5 ગુફામાંથી મુખ્ય ગુફાનું મુખ પૂર્વ દિશા તરફ છે અને તે મોટી ગુફા છે. જ્યારે બાકીની 4 નાની ગુફાઓ છે. તેમાં પ્રદક્ષિણાપથ અને પરસાળ હોવાથી તે પહેલી કે બીજી સદીનું શિવમંદિર હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. જેમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મુદ્રાઓ, ઘંટ, તાંબાની વીંટીઓ, માટીના વાસણો મળી આવ્યા હતા.આ ગુફાની જાળવણી અને દેખરેખનું કામ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.
ગુફાઓમાં અસંખ્ય ચામાચીડિયાંનો નિવાસ: ઉલ્લેખનીય છે કે, આ ગુફાઓનો બૌદ્ધ સાધુઓ ઉપયોગ કરતા હતા. તેથી અહી બ્રાંહ્મી અને દેવનાગરી લિપિના લખાણો પણ મળી આવ્યા છે. આ ગુફાઓમાં પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત પણ અહીંથી અમૂલ્ય વસ્તુઓ મળી આવી છે. જાળવણીના અભાવે હવે જ્યારે પ્રવાસીઓ આ ગુફાની મુલાકાત લે છે. તે સમયે ગુફાઓમાં અસંખ્ય ચામાચીડિયાં જોવા મળે છે.
કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખાય છે: વર્ષ 2001માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ વખતે ગુફાને ઘણું નુકસાન થયું હતું. ઇતિહાસકારના જણાવ્યા મુજબ આ ગુફાની નજીક એક સેલોર વાવ આવેલી છે. કચ્છમાં અનેકવાર ફરવા આવેલા લોકોને પણ આ જગ્યા અંગે વધુ માહિતી નહી હોય. આ સિયોત ગુફાઓ કે જેને કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પુરાતત્વ વિભાગે જુલાઈ 1972માં રક્ષિત જાહેર કરી: ઇતિહાસકાર સંજય ઠાકરે જણાવ્યું હતું કે, કચ્છ એ સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન સભ્યતાનો ઘર છે. કચ્છમાં અનેક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થાનકો આવેલા છે. લખપત તાલુકા સિયોત ગામે બૌદ્ધકાલીન ગુફાઓ આવેલી છે. આ કચ્છની એક માત્ર બૌદ્ધ ગુફા છે. આ ગુફા 12 મીટર ઊંચા ટેકરા પર છે અને 5 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ ગુફાઓને ગુજરાતના પુરાતત્વ વિભાગે જુલાઈ 1972માં રક્ષિત જાહેર કરી છે.
ખોદકામ દરમિયાન અમૂલ્ય વસ્તુઓ મળી: વર્ષ 1988-89માં પુરાતત્વ વિભાગે આ ગુફાઓમાં ખોદકામ હાથ ધર્યું હતું. ત્યારે અહીંથી બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણ, તાંબાની વીંટી, સિક્કા, ટેરાકોટાનો નંદી, માટીના વાસણો, ઘંટ તથા સાંકળ વગેરે જેવી અમૂલ્ય ચીજો મળી આવી હતી. આ ઉપરાંત 12મી કે 13મી સદીમાં આ ગુફાઓ શિવ મંદિર તરીકે ઉપયોગ થયો હશે, તેવું માનવામાં આવે છે. ત્યારે 7મી સદીના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુંએનત્સાંગ કચ્છ આવેલા જેમને પોતાની પ્રવાસપોથી એવું લખ્યું હતું કે, કચ્છમાં 10 બૌદ્ધ વિહારો છે. જેમાં 1000 બૌદ્ધ સાધુઓ વિહાર કરી રહ્યા છે. સિંધુ નદીના મુખ પાસેના પાંચેક માઈલના ક્ષેત્રમાં 80 ગુફામાંની આ સિયોત ગુફાઓ હોવાનો સંભવ છે.
પ્રવાસીઓએ જરૂરથી મુલાકાત લેવી જોઈએ: જે લોકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમતી હોય તેમજ ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય તો ભારતની સૌથી પ્રાચીન ગુફાઓમાંની એક સિયોત ગુફાની મુલાકાત પણ પ્રવાસીઓએ જરૂર લેવી જોઈએ. જો પ્રવાસીઓ આ ગુફામાં સ્થાનિક ટૂરિસ્ટ ગાઈડને સાથે લઈને આ ગુફા જોવા જશે. ત્યારે વધુ મજા આવશે.
આ પણ વાંચો: