ગુજરાત

gujarat

ETV Bharat / state

ETv ભારતની ટીમે પાલનપુરમાં ગામડાઓના ખેડૂતોને મળી બાયપાસ રોડનું કર્યું રિયાલિટી ચેક - REALITY CHECK OF THE BYPASS ROAD

છેલ્લા ઘણા સમયથી પાલનપરના 15 ગામો બાયપાસ રોડનો વિરોધ કરી રહ્યા છે. જેના લીધે તેમની જમીન જાય છે જેનો ઇટીવી ભારતે રિયાલીટી ચેક કર્યું હતું

ઈટીવી ભારતની ટીમે પાલનપુરમાં ગામડાઓના ખેડૂતોને મળી બાયપાસ રોડનું કર્યુ રિયાલિટી ચેક
ઈટીવી ભારતની ટીમે પાલનપુરમાં ગામડાઓના ખેડૂતોને મળી બાયપાસ રોડનું કર્યુ રિયાલિટી ચેક (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 8:23 PM IST

બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી બાયપાસ રોડનો પાલનપુરના 15 જેટલા ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ગામેગામ ખેડૂતો ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો તંત્ર ના જાગ્યું તો ખેડૂતો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને તેમ છતાં તંત્રએ હજી ના સાંભળ્યું તો ખેડૂતો છેક મુખ્યમંત્રીને ઓફિસ સુધી પહોંચ્યા પરંતુ ત્યાં પણ કોઈએ ના સમજ્યાની રાવ સાથે આજદિન સુધી ખેડૂતોની રજૂઆતોનો કોઈ જ જવાબ તેમને મળ્યો નથી. કેમ ખેડૂતો આટલા નારાજ છે અને કેમ ખેડૂતો બાયપાસ રોડનો આટલો વિરોધ કરી રહ્યા છે. આ તમામ સાચી હકીકત જાણવા ઈટીવી ભારતની ટીમ 20 કિલોમીટર ફરી ખેતરો ખૂંદયા અને ખેડૂતોને મળી તેમની વેદના જાણી તો ખેડૂતોએ આક્ષેપો સાથે એવા ચોંકવનારા ખુલાસા કર્યા જેમાં મોટા ખેડૂતો અને રાજકીય વગ ધરાવતા ખેડૂતોની જમીન બચાવવા નાના ખેડૂતોને સંપૂર્ણ જમીન ખોવાનો વારો આવ્યો છે.

ઈટીવી ભારતની ટીમે પાલનપુરમાં ગામડાઓના ખેડૂતોને મળી બાયપાસ રોડનું કર્યુ રિયાલિટી ચેક (Etv Bharat Gujarat)

બાયપાસ નીકળતા ખેડૂતોની દુર્દશા: સૌથી પહેલા ઇટીવી ભારતની ટીમ સોનગઢ ગામે પહોંચી જ્યાં અસરગ્રસ્ત ખેડૂત હરચંદભાઈ ઠાકોરના ખેતરે પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા. તેમની એકાદ વીઘો જમીન પણ બાયપાસમાં જતી રહે છે અને પશુપાલનનો વ્યવસાય સંપૂર્ણ ભાંગી પડતા 7 વ્યક્તિનો પરિવાર રોડ પર આવે તેવી સ્થિતિ છે. ત્યાંથી આગળ વધ્યા તો અન્ય એક ખેડૂતની જમીન વચ્ચે જ બાયપાસ નીકળી રહ્યો છે. ઈટીવી ભારતની ટીમ સોનગઢથી આગળ વધીને લુણવા ગામે પહોંચી જ્યાં લુણવા અને મલાણા ગામના ખેડૂતોએ પૂર્વ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા તેમને કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય જ્યારે ચાલુ ધારાસભ્ય હતા તે સમયે ખેલ પાડી દીધાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે પહેલા બાયપાસ અન્ય જગ્યાએ નીકળવાનો હતો, જોકે રાજકીય વર્ગ ધરાવતા આ રાજકારણીઓના લીધે નાના ખેડૂતોનો ભોગ લેવાયો છે. હવે હમારી સંપૂર્ણ જમીન આ બાયપાસમાં ગુમાવવાનો વારો આવ્યો છે.

મહિલા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો: ખેતરો ખૂંદતા ખૂંદતા હવે ઈટીવી ભારતની આગળ વધી મોરિયા ગામ તરફ જ્યાં મહિલા ખેડૂતે તો સાફ સાફ બાયપાસ રોડનો વિરોધ જ કર્યો કહ્યું, હું વિધવા છું મારો જીવવાનો માત્ર પશુપાલન જ આધાર છે, જમીન જ નહીં રહે તો હું ક્યાં જઈશ મરી જઈશ પણ જમીન નહીં આપું. આ અભણ મહિલાની વાતો સાંભળતા લાગ્યું કે, આ હૃદયથી નીકળતી એક એવી આગ છે જે આગામી દિવસોમાં આક્રમક બની શકે છે. અહીંયાથી અમારી ટીમ આગળ વધી અને દેલવાડા ગામ બાદ એગોલા ગામે પહોંચી અહીંયા પહોંચીને જ્યારે ખેડૂતોને બાયપાસ વિશે પૂછ્યું તો મહિલા ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ અને તેઓએ તો રીતસર અધિકારીઓ અને સરકારને શ્રાપ આપ્યો તેમણે કહ્યું કે, અહીંયા રોડ તો અમે નહીં જ વાળવા દઈએ અને અમારા ખેતરમાં રોડ વાળવા વાળાનું નખોદ જશે તેનું પાછળ કોઈ જ નહીં રહે તેનું ખરાબ થઇ જશે. તેવા શ્રાપ મહિલા ખેડૂતોએ આપ્યા એટલે પૂછવાનું જ ના રહ્યું છે કે બાયપાસ રોડનો વિરોધ કેમ છે. કારણકે મહિલા ખેડૂતે કહ્યું કે અમારે કશું જ બચતું નથી અમે ખેતર પર ચાર લાખ જેટલી લોન લીધી છે તે કોણ ભરશે અમે અમારો પરિવાર લઈને ક્યાં જઈએ અમને સરકાર જમીને લે છે તો સામે બીજી જમીન આપે નહીંતર અમે જમીન નહીં આપીએ.

સરકાર જમીનના નીચા ભાવ આપી રહી છે: ચડોતર ગામ પહોંચ્યા અસરગ્રસ્ત ખેડૂતને મળ્યા ખેડૂતે કહ્યું કે, અમારી મહામૂલી જમીન છે અને આ મહામૂલી જમીન સરકાર ખુબજ નીચા ભાવે લઈ રહી છે. એટલે કે, વીંઘાના 12 થી 15 લાખ રૂપિયા સરકાર જંત્રીનો ભાવ આપે છે. જોકે અમારા જમીનનો ભાવ કરોડો રૂપિયા છે. ગામ નજીક ભાજપ કાર્યાલય બનાવ્યું છે. તે પણ જમીન પણ ઊંચા ભાવે લઈને બનાવ્યું છે. ત્યારે અમારી જમીનના ભાવ કેમ નથી આપતા આવા વેધક સવાલો ઉઠાવતા કહ્યું કે, માથા આપીશું પણ જમીન નહીં આપીએ. બાયપાસ રોડમાં જેમની જમીન જાય છે તેવા ખોડલા ગામના ખેડૂતોને મળતા તેમણે અધિકારીઓ ઉપર આક્ષેપો કર્યા છે અધિકારીઓ ટકાવારી ના ચક્કરમાં ખેડૂતોને વેરવિખેર કરી રહ્યા છે તેમને ટકાવારીના ચક્કરમાં ના પડવું જોઈએ એરોમા સર્કલ ખાતે બ્રિજ બનાવવામાં આવે તો આનાથી ખૂબ જ ઓછા ખર્ચમાં તે બની શકે તેમ છે ઊંઝા મહેસાણા જેવી અન્ય સીટીઓમાં જોગ બ્રિજ બની શકતા હોય તો પાલનપુરમાં કેમ નહીં તેવા સવાલ ઉઠાવ્યા હતા.

જંત્રી પ્રમાણે જમીનના ઓછા ભાવ: અહીંયાથી આગળ વધીને સાગ્રોસણા ગામે પહોંચ્યા જ્યાં બનાસ ડેરીમાં લાખો રૂપિયાનું મહિને દૂધ ભરાવનાર પશુપાલકે કહ્યું કે અમારી મહામૂલી જમીન બાયપાસ રોડમાં કપાઈ રહી છે જંત્રી પ્રમાણે 18 થી 20 લાખ આવે છે જોકે અમારી જમીન સવા કરોડ, દોઢ કરોડ આસપાસની કિંમતની છે ત્યારે જો બાયપાસ રોડ નિકાળાવો જ હોય તો માત્ર 30 મીટર જ નિકાળે અને શહેરની જંત્રી પ્રમાણે ભાવ આપે તો હિત જળવાઈ રહે જોકે ગામના સરપંચે કહ્યું કે 19 હેકટરથી વધુ જમીન બાયપાસ જાય છે સરકારે ભેદભાવની નીતિ અપનાવી છે અમુકને સાચવી લીધા છે અમુકને ખૂબ પીડિત કરી દીધા છે એવુ ના કરવું જોઈએ.

સરકાર ઓછા ખર્ચે બ્રિજ બનાવી શકે તેમ છે: આમ ઈટીવી ભારતની ટીમ દ્વારા બાયપાસ રોડ અંગે જે રિયાલિટી ચેક કરવામાં આવી અને ખેડૂતોને મળીને તેમની વાત જાણી તો પાંચ વિઘા જેટલી જમીન ધરાવતા નાના ખેડૂતો તો રોડ પર આવે તેવી પરિસ્થિતિ થશે અને જે પ્રોજેક્ટ મૂકી સરકારને બાયપાસ રોડ બનાવવામાં ખર્ચો બતાવવામાં આવી રહ્યો છે. તે ખર્ચો તેનાથી કંઈ જ ઘણો વધારે થાય તેવો ચિતાર ખેડૂતોએ રજૂ કર્યો છે અને જો ખેડૂતોની વાત માનીએ તો એરોમાં બ્રિજ આ બાયપાસ રોડના ખર્ચ કરતા ખૂબ જ ઓછા ખર્ચે બની શકે તેમ છે. સરકારને કે અધિકારીઓને પણ ખેડૂતોના આ શ્રાપ અને હાય ના લેવી પડે અને ખેડૂતોના આશીર્વાદ મળે તેવુ સરસ પરિણામ મળી શકે તેમ છે માટે ઈટીવી ભારતે તો ખેતરે ખેતરે ફરી રિયાલીટી ચેક કરી પરંતુ જો સરકાર પણ બાયપાસ રોડની ગ્રાઉન્ડ પર આવી રિયાલીટી ચેક કરે તો બાયપાસ ફેલ કે પાસ તે અંગે ચોક્કસ નિર્ણય લઈ શકશે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: હત્યા કેસમાં પૈસા લઈ ખોટી જુબાની આપનાર બે ભાઈઓને કોર્ટે જેલની સજા અને દંડ ફટકાર્યો
  2. ગિરનાર પર્વત પર નાના વેપારીઓનો વિરોધ: વીજ મીટર આપવાની માંગ સાથે ધંધા રોજગાર રાખ્યા બંધ

ABOUT THE AUTHOR

...view details