જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ચાઇનીઝ લસણની હોવાનો દાવો કરી અને તેનો વિરોધ નોંધાવતા મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારતીય લસણની સામે ચાઇનામાં ઉત્પાદિત થતું લસણ કેટલું નુકસાનકારક છે. તએ મુદ્દે ઈટીવી ભારત દ્વારા કેમિસ્ટ્રીના પ્રોફેસર વિભાકર જાની સાથે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જે કેમિકલનો તેમાં ઉપયોગ થાય છે એ કેમિકલ્સ કેન્સર થવા માટે જવાબદાર કેમિકલ્સ છે. જો કે ભારતમાં ક્યાંય હજુ સુધી ચાઇનીઝ લસણની કેમિકલ એજન્ટ્સ વિષે કોઈ રિસર્ચ રિપોર્ટ્સ જાહેર થયા નથી.
ચાઈનીઝ લસણ ચર્ચાના એરણે: 2 દિવસ પહેલા ઉપલેટાના એક ખેડૂતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી વખતે ચાઈનીઝ લસણ મુકાયા હોવાના દાવાઓને પગલે APMCમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જો કે, ભારત સરકારે ચાઇનાથી ઉત્પાદિત થતાં લસણની ભારતમાં આયાત કરવા ઉપર 2024 માં પ્રતિબંધ મૂક્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલા લસણનો રંગ અને દેશી લસણથી જુદો દેખાવને મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં આ લસણની હાજરી વિષે શંકા પેદા થઈ છે. આ ઘટના બાદ ભારતના મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લસણની હરાજી તત્કાળ ધોરણે અટકાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વિરોધ નોંધાવી અને આ લસણ ચાઇનીઝ લસણ હોવાનો દાવો કર્યો હતો.
લસણની હરાજી બંધ:સૌરાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધને પગલે રાજકોટ, ગોંડલ અને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ કરવામાં આવી છે. ભારત સરકારે ચાઈનાથી ઉત્પાદિત થતું લસણ ભારતમાં તમામ સ્તર પર પ્રતિબંધિત જાહેર કર્યું છે. તેમ છતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવેલું લસણ ચાઇનીઝ છે તો એ કેવી રીતે આવ્યું એ અત્યારે તપાસનો વિષય બન્યો છે.
ચાઈનીઝ લસણમાં જોવા મળતા હાનિકારક તત્વો:ચાઈનીઝ લસણની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે? એકદમ સફેદ રંગ આપવા માટે ચાઈનીઝ લસણને ક્લોરીન યુક્ત બનાવવામાં આવે છે. જેથી તે એકદમ સફેદ અને પ્રથમ દૃષ્ટિએ જોતા જ સૌ કોઈને ગમી જાય. વધુમાં ચાઈનીઝ લસણમાં હાનિકારક ધાતુ એટલે કે શિશુ અને આર્સેનિકની હાજરી હોય છે. વિજ્ઞાનની ભાષામાં તેને કાર્સીનોજન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્સીનોજન કેન્સર થવા માટે જવાબદાર તત્વ છે તેવું અનેક સંશોધનમાં સામે આવ્યું છે. ક્લોરીનની સાથે શિશુ અને આર્સેનિક ધરાવtતા ચાઈનીઝ લસણ ખાવાથી આરોગ્ય પર વિપરીત અસરો ઊભી થાય છે એવા અહેવાલોને પગલે આ લસણમાં રહેલા તત્વો કેન્સર થવા માટે જવાબદાર બને તેની શકયાતાઓ રહેલી છે.