કચ્છઃ ગાંધીધામમાં પ્રખ્યાત રાધિકા જ્વેલર્સને ત્યાં નકલી ED ની રેડ પાડીને સોનાનો મુદ્દા માલ અને રોકડ રકમની ચોરી કરવાના આરોપમાં 12 લોકોની ટોળકી ઝડપાઈ હતી. જે પૈકીના એક આરોપી અબ્દુલ સતાર માંજોઠી કે જે કચ્છ મશાલ વીકલી ન્યૂઝના પત્રકાર તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાતના ડાયરેક્ટર છે. તે સંદર્ભે આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે આ નકલી ઇડીની રેડનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા છે. પણ હકીકત શું છે જાણો Etv ભારતના ફેકટ ચેકમાં...
નકલી EDની ટીમનો આરોપી આમ આદમી પાર્ટીનો મહામંત્રી રહી ચૂક્યો છે
પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલા રાધીકા જવેલર્સ તથા તેના મકાને નકલી EDના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો કરવાના આરોપમાં 12 લોકોની ટોળકી ઝડપાઈ હતી. જેમાં 2 ડિસેમ્બરના રોજ EDના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી અને સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી 25.25 લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યાની ઘટના હતી.
નકલી ઇડીની રેડ પાડવા માટે પ્લાનિંગ કર્યું હતું
આ નકલી ઇડીની રેડમાં સમાવિષ્ટ 12 આરોપીઓ પૈકીના એક આરોપી અબ્દુલ સતાર માંજોઠી કે જે અન્ય આરોપીઓ આરોપી દેવાયત ખાચર, હિતેષ ઠકકર, વિનોદ ચુડાસમા સાથે બનાવના 15 દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલી રજવાડી ચાની હોટલ ખાતે મુલાકાત કરી નકલી રેઈડ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. તો આ અબ્દુલ સતાર માંજોઠી આમ આદમી પાર્ટીના પશ્ચીમ કચ્છ ઝોનના મહામંત્રી પણ રહી ચૂક્યો છે.
ઈશુદાન ગઢવી સાથે આરોપીની તસવીર (Etv Bharat Gujarat) ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ટ્વીટનું ફેકટ ચેક
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ બાબતે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો વધુ એક કારનામો સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાએ ઇડીની નકલી ટીમ બનાવી અને આ ટીમનો કેપ્ટન બનીને લોકોને લૂંટ્યો છે. કચ્છમાં ઝડપાયેલી નકલી ઇડીની ટીમનો કમાંડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. તેની સાથે જ તેમણે આરોપી અબ્દુલ સતાર માંજોઠીની અરવિંદ કેજરીવાલ ઈશુદાન ગઢવી, મનોજ સોરઠીયા સાથેની તસવીરો અને પોલીસે જ્યારે આ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેનો વીડિયો પણ શેર કર્યો છે.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Etv Bharat Gujarat) પશ્ચિમ કચ્છ ઝોનના આમ આદમી પાર્ટીનો મહામંત્રી હતો આરોપી
જ્યારે Etv ભારતે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની હકીકત માટે ફેકટ ચેક કર્યું ત્યારે હકીકત એ સામે આવી હતી કે, અબ્દુલ સતાર માંજોઠી પશ્ચિમ કચ્છ ઝોનના આમ આદમી પાર્ટીનો મહામંત્રી રહી ચૂક્યો છે. પરંતુ 1 ઓકટોબર 2023ના તેણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને કચ્છ જિલ્લાના પશ્ચિમ ઝોનના અધ્યક્ષને એક પત્ર લખીને તેણે રાજીનામું આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, તેની તબિયત સારી ન રહેતા ડોક્ટર દ્વારા છ મહિના જેટલા સમય માટે આરામની ભલામણ કરવામાં આવી છે. જેના કારણે પાર્ટીના આદેશો અને કાર્યક્રમોમાં તે જવાબદારી નિભાવી શક્તો નથી. જેથી તેને જિલ્લા મહામંત્રી પદ પરથી સેવામુક્ત કરવામાં આવે અને તેમનું સ્વેચ્છાએ રાજીનામું સ્વીકારવામાં આવે તેવું જણાવ્યું હતું અને પાર્ટીના સામાન્ય કાર્યકર તરીકે જ્યારે પણ તેની તબિયત સારી રહેશે ત્યારે તે પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેશે. તબિયત સારી થઈ જશે તો પાર્ટી દ્વારા તેને જે કોઈ પણ જવાબદારી કે કામગીરી સોંપવામાં આવશે તે નિભાવશે તેવું જણાવ્યું હતું.
રાજીનામુ (Etv Bharat Gujarat) પાર્ટી સસ્પેન્ડ કરી રહી હતી, પરંતુ રાજકીય કારકિર્દીના અંતના ડરે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું
કચ્છ, મોરબીના આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવીએ Etv ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અબ્દુલ સતાર માંંજોઠીની સામાજિક કામગીરી અને કોરોનાકાળ સમયની સેવાકીય કાર્ય જોઈને તેને આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લા પશ્ચિમ ઝોનના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ સંગઠનની કોઈપણ પ્રવૃત્તિ કે પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં સમયસર હાજરી તેમજ જવાબદારી પૂરી રીતે ના નિભાવતા તેમજ પાર્ટી વિરૂદ્ધની કામગરી કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવનાર હતો પરંતુ અબ્દુલ સતાર માંજોઠીએ જણાવ્યું હતું કે, સસ્પેન્શનથી તેની રાજકીય કારકિર્દીનો અંત આવી જશે જેથી તેણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ આપી પ્રતિક્રિયા
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાના બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલ્યા આવો. કચ્છની નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટીને Expose કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે.
- ફરી યાદ આવી આયેશા, 4 વર્ષથી ન્યાયની રાહમાં... અતુલ સુભાષ જેવા આ કેસની જાણો શું છે આજની સ્થિતિ
- વલસાડમાં લગ્ન પહેલા 628 સગીરાઓ બની માતા, આદિવાસી સમાજની વર્ષો જૂની લિવ-ઇન રિલેશનશિપની પરંપરા