ગાંધીનગર : સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી નવમી મેએ યોજવામાં આવનારી ચૂંટણીમાં ભાજપના ત્રણ પ્રતિનિધિઓએ ફોર્મ ભરતા વિવાદ થયો છે. ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના પ્રદેશ વડા બિપીન (ગોતા) પટેલના નામને મેન્ડેટ આપવામાં આવ્યુ હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે. તે ઇફકો વિવાદ અંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે વાતચીત કરી હતી.
દિલીપ સંઘાણીએ શું જણાવ્યું: ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને જયેશ રાદડિયા સહિતના ભાજપના નેતાઓ સાથે ઇફકોમાં ફોર્મ ભરવા બાબતે કોઈ ચર્ચા થઈ નથી. પોરબંદરમાં વિજય સંકલ્પ રેલીમાં ભાગ લેવા અમિત શાહ આવ્યા હતા. ઇફકોના ફોમ બાબતે મને પણ હજી સુધી પક્ષ તરફથી કોઈ મેન્ડે' મળ્યો નથી. સહકારી ક્ષેત્ર કેન્દ્ર, રાજ્ય અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતું હોય છે. આ પ્રકારના મેન્ડે' મળતા નથી અને તેની માહિતી પણ નથી. ગત 24 તારીખે ઇફકોનું બોર્ડ હતું. જયેશભાઈ અને હું બંને બોર્ડમાં છીએ. બોર્ડ પૂર્ણ થાય તે જ દિવસે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું કે 24 તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થતી અને 30 તારીખે છેલ્લી હતી. ફોર્મ ભરવા પરત આવું ન પડે તે માટે દરેક રાજ્યના પ્રતિનિધિઓએ ફોર્મ ભરી દેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. તેથી મેં અને જયેશભાઈએ 24 તારીખે પહેલી કલાકમાં ફોર્મ ભરી દીધા હતા. ત્યારે આવી કોઈ વાત ન હતી. ત્યારબાદ અમે દિલ્હીથી અહીં પરત આવ્યા હતા.
જયેશભાઈએ બળવો નથી કર્યો : દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે જયેશભાઈએ ભાજપ સામે બળવો કર્યો તેવી માહિતી જાણી જોઈને ઈરાદાપૂર્વક પાર્ટીને બદનામ કરવા માટે ફેલાવવામાં આવી છે. આવું હકીકતમાં છે જ નહીં. અમે બંને પાર્ટીના સભ્ય છીએ. પાર્ટી તેમને સાથે બેસાડીને નિર્ણય કરશે. કોઈ હરીફાઈ નથી. જયેશભાઈએ બળવો નથી કર્યો. બિપીન (ગોતા) પટેલે પાછળથી ફોર્મ ભર્યું છે. બિપીનભાઈ સાથે મારે કોઈ વાત થઈ નથી. પરંતુ મને વિશ્વાસ છે કે બંને જણાં સાથે બેસીને રસ્તો થશે. કયા ઉમેદવારને લડાવવા તે પાર્ટી નક્કી કરશે. આટલા વર્ષોથી જાહેર જીવનમાં છું. પાર્ટી મેન્ડેટની વાત પ્રથમવાર આવે છે. ઉમેદવારને મેન્ડેટ આપવાનો પાર્ટીનો અધિકાર છે. પાર્ટી જે કરશે તે નિર્ણય અમને મંજૂર છે.
શું છે મામલો : ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પર દિગ્ગજ સહકારી આગેવાન વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે. વાસ્તવમાં વરસો સુધી વિઠ્ઠલ રાદડિયા ઈફકોના ગુજરાતના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં જતાં હતાં. જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભરી દીધું હતું. બીજીતરફ ભાજપે બિપીન પટેલના પક્ષના માન્યતા પ્રાપ્ત ઉમેદવાર તરીકે જાહેર કરી મેન્ડેટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. સી.આર. પાટીલ ગુજરાતના પ્રાદેશિક વડા બન્યા પછી ગુજરાતની અંદાજે 95 ટકાથી વધુ સહકારી સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ થયા છે. આ સ્થિતિમાં મેન્ડેટ જ સુપ્રીમ ગણાય છે. ભૂતકાળમાં કેટલાક ભાજપ આગેવાનો કોંગ્રેસ સાથે ઇલુ ઇલુ કરીને સહકારી સંસ્થાઓમાં પદ મેળવતા હતા. સહકાર સેલના વડા તરીકે બિપીન પટેલનો મેન્ડેટને ધ્યાનમાં રાખીને પક્ષે માન્ય કરેલા ઉમેદવારને જીતાડવામાં ખાસ્સી સફળતા મેળવી હોવાથી પણ પક્ષના મોભીઓએ તેમના નામના મેન્ડેટ ઈશ્યૂ કરવાની વાતને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ 181 મત બિપીન પટેલની તરફેણમાં પડે તેની તકેદારી લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મેન્ડેટની પોતાને જાણ જ ન હોવાનું બહાનું જયેશ રાદડિયાએ આગળ કર્યું છે.જ્યારે રાજકોટના જિલ્લા અને શહેર પ્રમુખે જયેશ રાદડિયાને મેન્ડેટની જાણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં તેમણે મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું હોવાથી તેમની સામે પક્ષની નારાજગી વધી ગઈ છે.
- આઝાદીના અસહકાર આંદોલનમાં ગાંધી સરદારની જોડી હતી, સહકાર આંદોલનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે - CM Bhupendra Patel
- જિલ્લા બેંક ચેરમેન પદે જયેશ રાદડિયા રિપીટ, સહકારી ક્ષેત્રે દબદબો યથાવત