જુનાગઢ: શિવ અને શક્તિના મિલન માટે કલકત્તાના કાલીઘાટ વિસ્તારથી કાવડીયાના 11 સભ્યોના એક જૂથ સોમનાથ મહાદેવ પર દામોદર કુંડના પવિત્ર જળથી જલાભિષેક કરવા માટે આજથી કાવડયાત્રા શરૂ કરી છે. પાંચ દિવસની અંદર પદયાત્રા સોમનાથ મહાદેવ પહોંચશે. જ્યાં તેઓ દામોદર કુંડના પવિત્ર જળના જલાભિષેકથી માતા શક્તિ અને મહાદેવના મિલનની પ્રાર્થના કરશે.
શિવ અને શક્તિના મિલન માટે કાવડ યાત્રા
શિવ અને શક્તિનું મિલન થાય તે માટે કલકત્તાના કાલીઘાટ વિસ્તારના 11 કાવડિયાઓ દ્વારા આજથી સોમનાથ મહાદેવની દામોદર કુંડના પવિત્ર જળ સાથે કાવડયાત્રા શરૂ કરી છે. કલકત્તાના કાલીઘાટ વિસ્તારમાં રહેતા 11 યુવાન મિત્રો કલકત્તાથી જુનાગઢ પહોંચ્યા છે. અહીંથી તેઓએ પવિત્ર દામોદર કુંડમાંથી જળ ભરીને વિધિ વિધાન સાથે પૂજા કરીને કાવડ યાત્રાની શરૂઆત કરી છે. પાંચ દિવસમાં આ તમામ કાવડ યાત્રીઓ સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ પહોંચશે અને ત્યાં દામોદર કુંડના પવિત્ર જળથી જલાભિષેક કરીને શક્તિ સ્વરૂપા માં કાલિકા અને મહાદેવના મિલન માટે અભિષેક રુપી પ્રાર્થના કરશે.
11 મિત્રો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે તેવો ઉદ્દેશ
કલકત્તા થી 11 યુવાન મિત્રોનું એક ગ્રુપ કાવડ યાત્રીના રૂપમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના જલાભિષેક માટે પગપાળાએ નીકળ્યુ છે આ તમામ 11 મિત્રો કાલિકાઘાટ કલકત્તા થી સોમનાથ પહોંચીને તેઓ તમામ 12 જ્યોતિર્લિંગ ની આ જ પ્રકારે પદયાત્રા થકી કાવડયાત્રા પૂર્ણ કરે તેવી અભિલાષા સાથે તેમણે જીવનની પ્રથમ કાવડ યાત્રા શરૂ કરી છે દામોદર કુંડનું જળ સોમનાથ મહાદેવને અર્પણ કરીને ત્યાંથી તેઓ બીજા જ્યોતિર્લિંગ નાગેશ્વર માટે પણ નીકળવાના છે અહીં તેઓ દ્વારકાના ત્રિવેણી સંગમથી જળ ભરીને કાવડ યાત્રા મારફતે નાગેશ્વર પહોંચીને નાગેશ્વર મહાદેવ પર પણ જલાભિષેક કરીને તેમની પ્રથમ કાવડ યાત્રાની ગુજરાતમાં પૂર્ણાહુતિ કરશે.