રાજકોટ :ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો દ્વારા સંચાલિત છે. આ બંને સંતો અને અહીંયાના મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ ગત 14 જૂનના રોજ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ મુખ્ય સંચાલકને પોલીસે દબોચી લીધો, જ્યારે અન્ય બે સ્વામી પોલીસ પકડથી દૂર હતા. મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ હતી.
મુખ્ય આરોપીના જામીન રદ્દ :આ ફરિયાદ બાદ નારાયણ સ્વરૂપદાસના આગોતરા જામીન ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા. સાથે તે જ સમયે મૂકવામાં આવેલ મુખ્ય સંચાલક મયુર કાંસોદરીયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી હતી. આ બાબતમાં હાલ મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીનની અરજી ધોરાજી સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી. જેમાં ધોરાજી સેસન્સ કોર્ટે ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવ્યો છે.
દુષ્કર્મ કેસના આરોપી સ્વામીના આગોતરા જામીન રદ્દ (ETV Bharat Reporter) શું હતો મામલો ?ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલ ગુરુકુળના સ્વામી તથા અન્ય મદદગારી કરનાર સામે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસ તરફથી નોટિસ આપવા છતાં ધર્મ સ્વરૂપદાસ હાજર રહેતા ન હતા. આથી પોલીસે અલગ-અલગ જગ્યાએ જઈને તપાસ કરી, છતાં તે મળી આવેલ નહીં. બાદમાં ધોરાજી એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ આરોપીએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
આરોપીના વકીલની દલીલ :આ અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિધ્ધરામ સત્લંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ ગુજરાત સરકાર અને અંસાર મોહમ્મદ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદાઓ મૂકીને દલીલ કરી હતી કે, આખી ફરિયાદ ખોટી છે અને ગુરુકુળનો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ધર્મની મર્યાદાથી આ ગુરુકુળમાં મહિલા કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે. દલીલને ખાતર માની લેવામાં આવે તો પણ આ સહમતીથી બંધાયેલ શરીર સંભોગનો કિસ્સો છે, જે કોઈપણ રીતે પ્રથમ દર્શનીય કેસ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે.
સરકારી વકીલની દલીલ :તેની સામે સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, સમગ્ર ફરિયાદને વંચાણે લેતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં પાંચ વખત શરીર સંભોગ બાંધેલા છે. કાયદેસરના લગ્ન કરેલા નથી તે રીતે જાણતા હોવા છતાં ભોગ બનનારને સાથે શરીર સંબંધ બાંધેલો છે. આ મામલામાં પોલીસ તરફથી ભોગ બનનારે રજૂ કરેલ વીડિયો ક્લિપ જોતા શરીર સંબંધ હોય તે પ્રથમ દર્શનીય રીતે પુરવાર છે. વિશેષમાં સાધુ તરીકે સમાજ પર એક વિશેષ છાપ હોય છે, તેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમ છતાં આવું કૃત્ય કર્યું છે.
વિશેષ દલીલમાં સરકારી વકીલ કાર્તિકેય પારખે જણાવ્યું કે, અરજદારનું કૃત્ય તેનું વ્યક્તિગત છે. તેના કૃત્યથી ધર્મ સાથે જોડાયેલા સંપ્રદાયના તમામ લોકોને અસર થાય છે. અરજદારના આ કૃત્યને લીધે સમગ્ર સંપ્રદાયને જુદી રીતે જોવામાં આવે, તે વ્યાજબી નથી અને તે હળવાશથી લઈ શકાય નહીં. ભોગ બનનારનો મોબાઇલ પણ F.S.L. માં મોકલવામાં આવ્યો છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઇ આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં, કારણ કે સમાજ પર વિપરીત અસર પડે છે. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે બનાવના મૂળ સુધી પહોંચવા માટે પણ આરોપીના આગોતરા જામીન રદ થવા જરૂરી છે.
આ બાબતમાં બંને પક્ષોની દલીલોને સાંભળી અને ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપીના આગોતરા જામીન રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે.
- દુષ્કર્મના ફરાર આરોપી સ્વામી વિરુદ્ધ વોરંટ છૂટ્યું, જાણો સમગ્ર મામલો...
- લંપટ સ્વામીના આગોતરા જામીન મંજૂર, સંસ્થાના મેનેજરની અરજી ફગાવાઈ