દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના ઝાબિયાં ગામે જંગલી પશુઓથી મકાઈના પાકને બચાવવા માટે બનાવવામાં આવેલી ઈલેકટ્રીક વાડ પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દાહોદ પોલીસે ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવકનો મૃતદેહ મળ્યો : ગત રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઝાબિયા ગામે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં કરતા જાણવા મળ્યું હતું કે, યુવક બે દિવસ અગાઉ ગુમ થયો હતો તથા તેની બાઈક પણ નજીકમાં મળી આવી હતી. યુવકનો મૃતદેહ મળી આવતા શંકા કુશંકાઓએ સ્થાન લીધું હતું.
હત્યા કે અકસ્માત ?જંગલી પશુઓથી ખેતરમાં પાકને બચાવવા માટે ઈલેક્ટ્રીક વાડ હતી, તેની પાસેથી યુવકનો મૃતદેહ મળતા યુવકનું મોત કરંટ લાગવાથી થયું છે, કે આ મામલો હત્યાનો છે તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે યુવકનો મૃતદેહ તપાસ સાથે અર્થે પ્રથમ દેવગઢ બારિયા સરકારી દવાખાને મોકલ્યો. બાદમાં વધુ તપાસ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોણ છે મૃતક ?પોલીસે મૃતકના વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવક દેવગઢ બારિયા તાલુકાના ડુખળી ગામના ઘાટી ફળીયાનો દિનેશભાઈ બળવંતભાઈ પટેલ છે. મૃતકના મોટાભાઈ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવક બે દિવસ અગાઉ ગુમ થયો હતો. હાલ આ અંગેની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
- દાહોદમાં ક્રિપ્ટો કરન્સીના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર 2 ઝડપાયા
- દાહોદ વનવિભાગના ઉચ્ચ અધિકારીએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો