ચાંદોદ: વડોદરાના સરવૈયા પરિવારમાં વૃદ્ધ માતાનું નિધન થતા તેમના અસ્થિ વિસર્જન માટે પુત્ર સહિત પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન કરતા સમયે અચાનક પુત્રનો પગ લપસ્યો હતો અને જોતજોતામાં તે પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. પિતાને પાણીના પ્રવાહમાં તણાતા જોતા બચાવવા પુત્રએ પણ છલાંગ લગાવી હતી. પરંતુ તે પણ ડૂબવા લાગતા સ્થળ ઉપર હાજર લોકોએ તેને બચાવી લીધો હતો. સમગ્ર મામલે જાણ થતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પગ લપસતા નદીના ઊંડા પ્રવાહમાં તણાયા
વડોદરાના આજવા રોડ ખાતે આવેલી માધવ નગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ સરવૈયાના માતા સવિતાબેન સરવૈયાનું તાજેતરમાં નિધન થયું હતું. મૃતક માતાના અસ્થિ વિસર્જન અર્થે પુત્ર પરિવારજનો સાથે યાત્રાધામ ચાંદોદ ખાતે ગુરુવારે સવારે કારમાં આવી પહોંચ્યા હતા. ચાંદોદના માળી કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન અર્થે તેઓ પહોંચ્યા હતા. દરમિયાન ધનસુખભાઈ સરવૈયાનો એકાએક પગ લપસી પડતા તે નદીના ઊંડા પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.