કચ્છ: અવકાશમાં રહેલા તારા, ગ્રહો, નેબુલ્યા, નક્ષત્રો જાણવા જોવા અને તેના વિશે સમજવું અનેક લોકોને પસંદ હોય છે ત્યારે શું આપ જાણો છો માત્ર 30 રૂપિયાની અંદર તમે ચંદ્ર, ગુરુ, શનિ, નિહારિકા જેવા ગ્રહો અને તારાઓ તદ્દન નજીકથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જી હા, ભુજના રીજનલ સાયન્સ સેન્ટર (Bhuj Regional Science Center) ખાતે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં આપ દરરોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અવકાશ દર્શન કરી શકો છો. જાણો કંઈ રીતે નિહાળી શકાશે અવકાશ...
1 કરોડની કિંમતના ટેલિસ્કોપથી નિહાળો અવકાશીય પદાર્થો:
શિયાળામાં આકાશ ખુલ્લું અને ચોખ્ખું જોવા મળતું હોય છે ત્યારે આ સમય દરમિયાન ગ્રહો, નક્ષત્રો અને તારાઓને નિહાળવાની મજા પણ અલગ જ રહેતી હોય છે. ભુજના રિજનલ સાયન્સ સેન્ટર (BRSC) ખાતે ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી (Public Space Observatory) નું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પબ્લિક સ્પેસ ઓબઝર્વેટરીમાં અંદાજિત 1 કરોડથી વધુની કિંમતનું 24 ઇંચનું ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે.
ગ્રહો અંગેની તમામ રસપ્રદ માહિતી પણ મેળવો: 24 ઇંચના આ ટેલિસ્કોપથી નેબ્યુલા, ગ્રહો, નક્ષત્રો વગેરે જેવા અવકાશીય પદાર્થ જોઈ શકાય છે. તથા રિજનલ સાયન્સ સેન્ટર (BRSC) ના કર્મચારી દ્વારા ગ્રહો અંગેની તમામ રસપ્રદ માહિતી પણ આપવામાં આવી રહી છે. જે લોકો સ્ટાર ગેઝિંગમાં રસ ધરાવે છે તેવા લોકોમાં આ નવા ટેલિસ્કોપની મદદથી અવકાશ દર્શન કરીને વિશેષ રુચિ ઊભી થાય છે.
અવકાશીય સંશોધન વિશે રુચિ કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે ઓબ્ઝર્વેટરી શરૂ:
રિજનલ સાયન્સ સેન્ટર ભુજ (BRSC) ના ડાયરેક્ટર ડૉ. સુમિત વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એક અનોખી પહેલ છે જેમાં અવકાશ વિજ્ઞાન વિશે સામાન્ય લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધકો અવગત થઈ શકે તેમજ અવકાશીય સંશોધન વિશે રુચિ કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સ્પેસ ઓબ્ઝર્વેટરી શરૂ કરવામાં આવી છે.
ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી: ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ સર્વપ્રથમ પહેલ છે કે જ્યાં આવી સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં લોકો પણ લાભ લઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની ઓબ્ઝર્વેટરી ફકત સંશોધન માટે ઉપયોગમાં લેવાતી હોય છે અને જેતે સંસ્થા પૂરતી તે સીમિત હોય છે. પરંતુ આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીથી લોકો માટે તેમજ વિદ્યાર્થીઓ માટે ખગોળવિજ્ઞાનના દરવાજા ખુલી ગયા છે.
શિયાળામાં અવકાશ દર્શન બને છે સરળ: આ ઓબ્ઝર્વેટરીમાં 24 ઈંચના ડાયામીટરનું મીરર ધરાવતું ખાસ પ્રકારનું રિફ્લેક્ટિવ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપની અંદર 24 ઇંચ વ્યાસનો મીરર બેસાડવામાં આવ્યો છે. જેથી કરીને અવકાશના ખૂબ જ દૂરના ભાગો કે જેને ડીપ ફિલ્ડ કહેવામાં આવે છે તે ભાગો જોવા માટે આ ટેલિસ્કોપનો ઉપયોગ થઈ શકે છે અને સહેલાઈથી આ ભાગો નિહાળી શકાય છે. ખાસ કરીને ભુજનું વાતાવરણ સ્વચ્છ હોય છે જેથી ટેલિસ્કોપ દ્વારા અવકાશીય પદાર્થો જોઈ શકાય છે.
Corrected Dall-Kirkham ટેકનોલોજીથી બનેલું છે ટેલિસ્કોપ: આ ટેલિસ્કોપ દ્વારા ચંદ્રને ખુબ જ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. આ સિવાય શુક્ર ગ્રહ, ગુરુ ગ્રહ, શનિ ગ્રહ અને તેના વલયો અને ચંદ્રમાઓ નિહાળી શકાય છે. આ સિવાય ગેલેક્સી (Galaxy) પણ આ ટેલિસ્કોપ દ્વારા સરળતાથી નિહાળી શકાય છે. આ ટેલિસ્કોપ Corrected Dall-Kirkham ટેકનોલોજીથી બનેલું છે જેની મદદથી અવકાશીય પદાર્થો ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ટિકિટ માત્ર 30 રૂપિયામાં, દરરોજ સાંજે 6 થી 9 ના સમયગાળામાં નિહાળી શકાશે અવકાશ:
ભુજના રિજનલ સાયન્સ સેન્ટર (BRSC) ખાતે ખગોળ વિજ્ઞાન માળવા માટેનો સમય દરરોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો રાખવમાં આવે છે, તથા તેની ટિકિટ સેન્ટર પર ઉબલબ્ધ રહેશે. આ અવકાશ દર્શન માણવા માટેની ટિકિટ માત્ર 30 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. જો શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે આની ટિકિટ માત્ર 20 રૂપિયા જેટલી જ રાખવામાં આવી છે. ઉપરાંત 10 વર્ષથી નીચેના તમામ બાળકો માટે આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીની મુલાકાત લેવી તેમજ અવકાશ દર્શન કરવું તદ્દન નિઃશુલ્ક છે. આ ઓબ્ઝર્વેટરીમાં અવકાશી પદાર્થોને નિહાળવા પૂરતું નહીં પરંતુ અવકાશીય પદાર્થ વિશે માહિતી તથા ટેલિસ્કોપ વિશે પ્રાથમિક જ્ઞાન મેળવવા વગેરે જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી રહી છે.
અવકાશ દર્શન કરવા ઈચ્છતા લોકોએ એક વાર જરૂરથી મુલાકાત લેવી:
આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી (PSO) ભુજમાંથી આકાશી પદાર્થો કંઈ રીતે નિહાળી શકાય તે ઉપર દર્શાવેલ દૃશ્યોમાં આપ જોઈ શકો છો. જેમાં નિહારિકા કે અંતરીક્ષમાં વાયુઓ તથા ધુળકણોનું વાદળ કે ધુમ્મસના સ્વરૂપે ફેલાયેલ હોય છે અને કલરફુલ દેખાય છે. તો અમાસના સમયે ખૂબ સારી રીતે અહીંથી અવકાશ દર્શન કરી શકાય છે.
આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી (PSO) ને શરૂ કરીને 1 અઠવાડિયા જેટલો સમય થયો છે. અત્યાર સુધીમાં 500થી પણ વધુ લોકોએ તેનો લાભ લીધો છે. આ ટેલિસ્કોપમાંથી ચંદ્ર અને શનિ ગ્રહ ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને ચંદ્રની સપાટી પરની ઝીણવટભર્યા દ્ર્શ્યો પણ જોવા મળે છે. ગુરુ ગ્રહ અને તેની આસપાસના તારાઓ પણ અહીંથી નિહાળી શકાય છે. ઉપરાંત અવકાશ દર્શન કરવા ઈચ્છતા લોકોએ એક વાર જરૂરથી આ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી (PSO) ની મુલાકાત લેવી જોઈએ.
આ પણ વાંચો: