જૂનાગઢ : પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા વરિષ્ટ નાગરિકોમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તીનો સંચાર થાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન સમયાન્તરે કરવામાં આવે છે. જે મોટે ભાગે ઋતુ આધારિત પણ હોય છે. આજે સિનિયર સિટીઝન મંડળ દ્વારા મહિલા અને પુરુષો માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિનિયર સિટીઝન મંડળની આગવી પહેલ : જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા પાછલા ઘણા વર્ષોથી સિનિયર સિટીઝનોના ઉત્સાહમાં વધારો થાય અને બેઠાળા જીવનમાંથી તેઓ મુક્તિ મેળવે તે માટે તંદુરસ્તીને યોગ્ય એવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા કોઈપણ ખેલાડીને ઇનામ કે પારિતોષિક આપવામાં આવતું નથી, પરંતુ સૌને પ્રેરણા મળે અને જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નથી તેમને એક સંદેશો મળે તે માટે સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારની અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન : જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજે જૂનાગઢમાં મહિલા અને પુરુષો માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના 70 કરતાં વધુ મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો. આ સૌ ખેલાડીઓ યુવાનોને શરમાવે તે પ્રકારે સ્ફૂર્તિ સાથે ઝડપી ચાલ કરતા જોવા મળ્યા હતા.
વ્યાયામ અને કસરત જીવનનો ભાગ : ઝડપી ચાલી સ્પર્ધામાં ભાગ લેનાર સિનિયર સિટીઝન્સ ભાનુબેન પટેલ, ઉસ્માન સુમરા અને મગનભાઈ જોટાણીયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, જે રીતે આજના સમયમાં સશક્ત યુવાનો કસરત નથી કરતા, તેમને પ્રેરણા મળે તે માટે આ એક પ્રયાસ છે.

અમારા જેવા સિનિયર સિટીઝનો જો 80 વર્ષ કરતાં વધુ વયે પહોંચીને કસરતનું ઉદાહરણ પૂરું પાડતા હોય, તો યુવાનોએ અને ખાસ કરીને બેઠાડું જીવન જીવતા લોકોએ દૈનિક જીવનમાં કસરતને ભાગ બનાવવો જોઈએ. જેનાથી મન અને તન બંને તંદુરસ્ત રહે છે. સાથે સાથે વ્યાયામથી શરીરને અન્ય અનેક લાભો થતા હોય છે.

"યુવાનોને શરમાવતા સિનિયર સિટીઝન્સ"
જૂનાગઢના સ્પર્ધક ભાનુબેન પટેલ અને ઓસમાણ સુમરા અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે સિનિયર સિટીઝન માટે આયોજિત રમતોત્સવમાં ભાગ લઈને મેડલ પણ જીતી ચૂક્યા છે. ભાનુબેન પટેલ ભારતની બહાર રશિયા અને મલેશિયા જેવા દેશોમાં આયોજિત થયેલા ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યા છે. તો ઓસમાણ સુમરા રાષ્ટ્રીય કક્ષાએ સિનિયર સિટીઝન માટે આયોજીત રમત ગમત સ્પર્ધામાં ઝડપી ચાલ અને દોડમાં મેડલ મેળવી ચૂક્યા છે.