વડોદરા: તાજેતરમાં વડોદરા શહેરમાં માનવસર્જિત પૂરની પરિસ્થિતિ બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાની વડોદરા મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી હતી. જેથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ હતી. હાલ વિપક્ષના રડારમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા છે. નામજોગ આરોપોનું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વધુ એક વખત કોંગ્રેસી આગેવાન વિનુ પટેલના પુત્ર સંદિપ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.
VMC ની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન: આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંદિપ પટેલે સનસનાટીભર્યા આરોપ મૂકતા જણાવ્યું હતું કે, સમામાં (ભાજપના વોર્ડ નં - 3 ના કોર્પોરેટર) પરાક્રમસિંહ જાડેજાનો જે સર્વે નંબરમાં બંગલો આવેલો છે. તેમાં સરકારના કાયદા મુજબ 40 ટકા કપાત કરવી પડે. જેટલી રજા ચીઠ્ઠી વડોદરા પાલિકામાં ઇશ્યુ થાય છે. તેનું વેરિફિકેશન કરીને કપાત કરવામાં આવે છે. તેમની જમીન માત્ર રોડ લાઇનમાં કપાઇ છે. વડોદરા પાલિકાએ યોગ્ય કપાત વગર કુલ બાંધકામને મંજુરી આપી છે. તેમની જમીનમાં યોગ્ય કપાત કરવામાં આવી નથી. તેમણે પાલિકાને રૂ. 25 કરોડનો ચૂનો ચોપડ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખામાં કોણે શું ભ્રષ્ટાચાર કર્યો છે ? તે હાલ અકબંધ છે. પણ પાલિકાની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન પહોંચ્યું તેનું શું!
એક જ સર્વે નંબરમાં કપાત કરી છે:વધુમાં સંદિપ પટેલે જણાવ્યું કે, પરાક્રમસિંહની જમીનમાં 40 ટકાનું કપાત થયું નથી. શું તેનો લાભ ખેડુતોને મળશે ખરો ! આજદિન સુધી જેની જગ્યા કપાતમાં ગઇ છે. તે ખેડુતોને પાછી મળશે? હરણીમાં વુડાના પ્લાનમાં જમીનોમાં કપાત બતાવે છે. 2 સર્વે નંબરની કપાત રોડ લાઇન અંગે જાહેરનામા વગર બદલી નાંખવામાં આવી છે. 2 સર્વે નંબરમાંથી રોડ જાય છે. તેની જગ્યાએ ખાલી 1 જ સર્વે નંબરમાં કપાત કરી છે રોડલાઇન આખી બદલી નાંખવામાં આવી છે. એટલે પરાક્રમસિંહના બંગલાની સામેની તરફ રોડલાઇન ખસી છે. તેનાથી (ભાજપના પૂર્વ કોર્પોરેટર) લલિત રાજ, (ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી) રાજેન્દ્ર ત્રિવેદીને તેનો ફાયદો થયો છે. જેથી મારી જગ્યાએ કુલ કપાત વધ્યું છે. આજે પણ વુડાના નક્શામાં 2 સરવે નંબરમાં જ રોડલાઇન દર્શાવાઇ છે.