સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર યુવા નેતા નિલેશ કુંભાણી પર કળશ ઢોળ્યો સુરત :ભારતીય જનતા પાર્ટીની સૌથી સેફ સીટોમાંથી એક ગણાતી સુરત લોકસભા બેઠક પર ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે પાટીદાર નેતા નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા છે. નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, એકવાર તેઓ કોર્પોરેટર પણ રહ્યા છે. નિલેશ કુંભાણી મૂળ રાજુલાના વતની છે.
સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર :સુરત લોકસભા બેઠક પર ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે યુવા પાટીદાર નેતા નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવ્યા છે. નિલેશ કુંભાણીની સીધી ટક્કર આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ સામે છે. કોંગ્રેસે તેમને ટિકિટ આપી સુરતમાં રહેતા પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રના લોકોના દિલ જીતવા માટે પ્રયત્ન કર્યો છે.
પાટીદાર યુવા નેતા :47 વર્ષીય નિલેશ કુંભાણી ત્યારે લાઈમલાઈટમાં આવ્યા જ્યારે સુરતમાં પાટીદાર અનામત આંદોલનની અસર સૌથી વધારે હતી. આ પાટીદાર યુવાન ત્યાં હાર્દિક પટેલ સહિત અન્ય નેતાઓ સાથે જોવા મળી રહ્યા હતા. ત્યારબાદ નિલેશ કુંભાણી જે રીતે પાટીદાર નેતા તરીકે લોકો વચ્ચે આવ્યા તેને જોતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા અને તેઓ ચૂંટણી પણ જીત્યા.
સુરતમાં અનેક પ્રશ્નો છે ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી અને સુરતમાં રહેતા રત્ન કલાકારોની કફોડી સ્થિતિ છે. તેઓ આપઘાત કરે છે, તેમની માટે કોઈ યોજના નથી. આ તમામ મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જઈશું. આ વખતે 1,50,000 મતની લીડ સાથે હું વિજય થઈશ. --નિલેશ કુંભાણી (કોંગ્રેસ ઉમેદવાર, સુરત લોકસભા બેઠક)
પૂર્વ વિધાનસભા ઉમેદવાર :વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી નિલેશ કુંભાણી પર વિશ્વાસ દાખવ્યો અને કામરેજ બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા. જોકે તેઓ ભાજપ સામે હારી ગયા હતા. નિલેશ કુંભાણીને ફરીથી કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસે તક આપી હતી. જો કે તેઓ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા હતા.
નિલેશ કુંભાણી :47 વર્ષીય નિલેશ કુંભાણીએ B.Com દ્વિતીય વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ખેડૂત પરિવારથી આવે છે અને સુરત શહેરમાં આવીને વસ્યા છે. તેઓ હાલ કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ રાજુલાના વતની છે અને બે વાર કોર્પોરેશન તેમજ એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
કોંગ્રેસ ઉમેદવારનો દાવો :જોકે હાલ કોંગ્રેસ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ નિલેશ કુંભાણીએ જણાવ્યું છે કે તેમને ટેલીફોનિક જ જાણકારી આપી ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવ્યા છે. નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, આ વખતે ઇન્ડિયા એલાયન્સ હોવાના કારણે આમ આદમી પાર્ટી પણ તેમના સમર્થનમાં છે. સુરત શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલીયાએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે.
- Loksabha Election 2024: સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સાથે ETV Bharatની ખાસ વાતચીત
- Loksabha Election 2024: નવસારી લોકસભા બેઠકમાં કૉંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપશે તેવી ચર્ચાને લીધે કાર્યકર્તાઓમાં મૂંઝવણ