અમદાવાદ :ઈન્ડીયા ગઠબંધનના બે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં હાથ મિલાવ્યો છે. આપ-કોંગ્રેસના સંયુક્ત વિરોધ છતાં ભાજપ તમામ 26 લોકસભા બેઠક જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે, જ્યારે તેની મતગણતરી 4 જૂને થશે.
ગુજરાત મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ ચાર પ્રદેશોમાં વહેંચાયેલું છે. ત્યારે જોઈએ ક્યાં કઈ પાર્ટી અને ઉમેદવારનું વર્ચસ્વ વધારે છે..
સૌરાષ્ટ્ર અને કચ્છ :આ પ્રદેશની તમામ આઠ લોકસભા બેઠક લાંબા સમયથી ભાજપ પાસે છે. આ વખતે ભાજપનું ફોકસ પોરબંદર પર રહેશે, જ્યાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં તેમના કેબિનેટ સાથી પરષોત્તમ રૂપાલા નસીબ અજમાવશે. બંને મંત્રીઓ અત્યાર સુધી રાજ્યસભાના માર્ગે સંસદ પહોંચ્યા છે.
ઉત્તર ગુજરાત :આ પ્રદેશની સાત લોકસભા બેઠકમાંથી એક એવી ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ ભાજપના કદાવર નેતા અમિત શાહ કરે છે. તેમજ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદની બે બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપ પાર્ટી આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન એ છે કે તેણે 2004 અને 2009ની ચૂંટણીમાં આ પ્રદેશમાં સારું પ્રદર્શન કર્યું હતું.
મધ્ય ગુજરાત :આ પ્રદેશની છ બેઠકોમાં વડોદરા અને આદિવાસી પ્રભુત્વ ધરાવતી દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપ માટે 2014 અને 2019ના ક્લીન સ્વીપનું પુનરાવર્તન કરવા માટે આ પ્રદેશના આદિવાસી વિસ્તારો નિર્ણાયક બની રહેશે.
દક્ષિણ ગુજરાત : આ પ્રદેશની પાંચ બેઠકમાં ડાયમંડ પોલિશિંગ હબ સુરત, ભરૂચ અને નવસારીનો સમાવેશ થાય છે. જોકે ભાજપનું ફોકસ ભરૂચ પર રહેશે, કારણ કે ત્યાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને AAP પાર્ટીએ ઉમેદવાર મેદાને ઉતાર્યો છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ આ બેઠક પરથી ઘણી વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના મનસુખ વસાવા સામે ધારાસભ્ય અને આગામી આદિવાસી નેતા ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ નવસારીથી ચૂંટણી લડશે, આ બેઠક તેઓ અગાઉ રાજ્યના રેકોર્ડ માર્જિનથી જીતી ચૂક્યા છે.
ભાજપનો દાવો :જોકે ભાજપ ક્લીન સ્વીપ કરવા માટે એટલો આત્મવિશ્વાસ ધરાવે છે કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમના દરેક નિવેદનમાં એવો દાવો કરી રહ્યા છે કે ભાજપ પાર્ટીની નજર દરેક સીટ પર પાંચ લાખ મતના માર્જિનથી જીત પર છે.
આપ અને કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અલગ-અલગ લડી હતી. ત્યારે ભાજપને વિધાનસભાની 182 બેઠકોમાંથી રેકોર્ડ બ્રેકિંગ 156 બેઠકો મળી હતી. ત્યારે આગામી લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ ગુજરાતની 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે AAP ભરૂચ અને ભાવનગરમાંથી ઉમેદવાર મેદાને ઉતારશે.
કોંગ્રેસ-આપ ગઠબંધન :વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતની 26 બેઠકોમાંથી 11 બેઠક પર જીત મેળવી હતી, ત્યારે આ વખતે પણ કોંગ્રેસ 2009 ના પુનરાવર્તનની આશા રાખશે. બીજી તરફ AAP માટે તેના વિધાનસભા ચૂંટણી પ્રદર્શન પછી લોકસભા ચૂંટણીમાં એક પણ જીત મહત્વપૂર્ણ સાબિત થશે અને તેને વિરોધી પક્ષ તરીકે મજબૂત બનાવશે.
- Loksabha Election 2024: ઈન્ડિયા અલાયન્સે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી કરી, ભાજપ-કૉંગ્રેસ-આપની પ્રતિક્રિયા
- Loksabha Election : આ ચૂંટણીમાં "આપ"અમારી સાથે છે, અમે ભાજપનો ભ્રમ ભાંગીશું, અનંત પટેલ ઉવાચ્