કોંગ્રેસ અગ્રણીએ આરોપ લગાવ્યો સુરત : સુરતના જિલ્લા વિકાસ અધિકારી આઈએએસ શિવાની ગોયલે ઉમરપાડા અને માંડવી તાલુકાના વિકાસ કામોની વિઝીટ દરમિયાન ભાજપના આગેવાનો સાથે ચૂંટણી પ્રચારનો ભાગ બની આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કોંગ્રેસના અગ્રણી દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનરને કરવામાં આવી છે. જોકે અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.
હું ફકત વિઝીટ માટે ગઈ હતી.જે મારા વિરૂદ્ધ ફરિયાદ થઈ છે એ મને ખબર નથી..શિવાની ગોયલ (જિલ્લા વિકાસ અધિકારી )
શાહબુદ્દીન મલેક દ્વારા ફરિયાદ :27 માર્ચે માંડવી, ઉમરપાડા, ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના ભાજપના અગ્રણી સાથેનાં ફોટોગ્રાફસ તથા જિલ્લા વિકાસ અધિકારીનાં X હેન્ડલ પરના ટિવટ ફોટોગ્રાફ સાથે આ ફરિયાદ રાજ્યના ચૂંટણી કમિશનરને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શાહબુદ્દીન મલેક દ્વારા કરવામાં આવી છે.
શું કરી ફરિયાદ : ઉપરોકત લેખિત ફરિયાદમાં તેમના જણાવ્યા અનુસાર, હાલ જયારે ચૂંટણી '૨૦૨૪નો માહોલ હોય ત્યારે સુરત ડીડીઓ શિવાની ગોયલ, કે જેઓ તારીખ 27 માર્ચે માંડવી અને ઉમરપાડા ખાતે વિકાસનાં કામો ચાલતા હતાં એવા સ્થળો કેવડી ઉમરપાડામાં ભાજપનાં રાજકીય આગેવાનો અને હોદ્દેદારોની સાથે જોવા મળેલ છે. વિશેષ જોઈએ તો સ્થળ પર ગ્રામજનો, સરકારી તંત્ર, ભાજપના આગેવાનો, વગેરેને સાથે રાખી સોશીયલ મિડીયા વગેરેમાં બહોળો પ્રચાર કરેલ અથવા પ્રચારનો ભાગ બનેલ છે. તેઓની આ વિઝીટ અંગે ભાજપનાં કાર્યકર્તાઓ સોશીયલ મિડીયામાં પોસ્ટ મૂકીને લાભ લઈ રહ્યાં છે. હાલમાં આદર્શ આચાર સંહિતા ચાલુ હોય ત્યારે જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીને આ પ્રકારે રાજકીય આગેવાનોને સાથે રાખીને વિકાસના કામોની વિઝીટ કરવાની ફરજ કોણે પાડી ? એ મોટો પ્રશ્ન છે.
કડક પગલાં લેવા માગણી : વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે ડીડીઓ શિવાની ગોયલ પરોક્ષ રીતે અલગ અલગ તાલુકામાં ભાજપના વિકાસના કાર્યોના સ્ટાર પ્રચારક બનીને પ્રચાર કરી રહ્યાં છે. ડી ડી ઓ ને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે. સરકારનાં પરિપત્ર મુજબ કર્મચારી / અધિકારીએ રાજકીય પક્ષનો પ્રચાર કરી શકે નહીં ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ કરી આચારસંહિતા ભંગ કરનારા સામે કડક પગલાં લેવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.
- Surat : ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જાણો કયા મુદ્દા આવરી લેવાયા
- Surat: સુરત જિલ્લામાં આચાર સંહિતાની અમલવારી, શહેરમાં ૩,૧૭૮ હોર્ડિંગ્સ અને પેઈન્ટીંગ દૂર કરાયા