બનાસકાંઠા: જિલ્લામાં LCBની ટીમે થરાદ અને ચિત્રાસણી બે અલગ અલગ જગ્યાએથી 8 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. તેની સાથે કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ થરાદ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે જપ્ત કરવામાં આવ્યો હતો. થરાદ ચાર રસ્તા નજીક LCBએ કાર્યવાહીમાં 2 લોકો ઝડપી લેવાયા હતા. જ્યારે બાલારામ નદીના રોડ પર ચાલકો ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા, તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
LCBએ દારુ ભરેલી ફોર્ચ્યુનર ઝડપી: બનાસકાંઠા LCBની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ચિત્રાસણી નજીક બાલારામ નદીના રોડ પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી લીધી હતી. આ ફોર્ચ્યુનર ગાડીમાંથી 76 પેટીઓમાં રાખેલા દારૂ બિયરની 2736 બોટલોમાં 3 લાખ 41 હજાર 280 દારૂ ઝડપાયો હતો. જો કે, LCBએ ફોર્ચ્યુનર ગાડી અને પાયલોટિંગ કરતી બ્રેઝા ગાડી સહિત 20 લાખ 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, તેમજ ગાડીઓ મૂકી નાસી જનારા ચાલકો સામે તાલુકા પોલીસ મથકે પ્રોહીબેશન હેઠળ કાર્યવાહી કરાઈ છે.
LCBએ 2 લોકોની અટકાયત કરી: જો કે, LCB દ્વારા થરાદના ચાર રસ્તા નજીક પણ બાતમીના આધારે નાકાબંધી કરી દારૂ ભરેલું બોલેરો પિકઅપ ડાલું ઝડપી લેવાયું હતું. પિકઅપ ડાલામાં રાખેલા 1493 દારૂની બોટલો જેની આશરે કિંમત 5 લાખ 52 હજાર 425નો દારૂ LCBએ ઝડપી લીધો હતો. જોકે બોલેરો પિકઅપ ડાલાના ચાલક સહિત સાંચોર રાજસ્થાનવાળા બે શખ્સોની પણ અટકાયત કરાઈ હતી. LCBની ટીમે પિકઅપ ડાલા અને દારૂ સહિત થરાદ પોલીસ મથકે 10 લાખ 56 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બુટલેગરો સામે કરાશે કાર્યવાહી: નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ LCB અને જિલ્લા પોલીસની સતર્કતાના કારણે તેમના કિમીયા નાકામ થતા હોય છે અને પોલીસ દ્વારા દારૂ ઝડપી બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક વાર બનાસકાંઠા LCBની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ફરી એકવાર લાખોનો દારૂ ઝડપી બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: