પાટણ : પાટણ શહેરના વોર્ડ નંબર 7 અને 10માં વરસાદના પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલમાં ભૂગર્ભ ગટરનું પાણી છોડાતા તેમજ આ કેનાલની સફાઈ ન કરાતા કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેને લઈને આસપાસમાં રહેતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. આ બાબતને લઈને આજે સ્થાનિક લોકોએ ભારે હોબાળો બચાવી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
પાલિકાના સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ પાટણ શહેરના આનંદ સરોવરને જોડતી કેનલ બનાવવામાં આવી છે જે કેનાલ માત્રને માત્ર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હોવા છતાં આ કેનાલમાં ભૂગર્ભ ગટરનનું ગંદુ અને દૂષિત પાણી અવારનવાર છોડવામાં આવી રહ્યું છે. કેનાલમાં કચરાના ઢગ હોવા છતાં પલિકા તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી જેથી પાણી સાથે કચરો મળતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. કચરા અને પાણીને કારણે કેનાલમાં લીલના થર જામ્યા છે, તો મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે આસપાસમાં રહેતા વિસ્તારના લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે.
બીમારીઓ વધીમચ્છરોના કારણે વારંવાર લોકો બીમાર પણ થાય છે વિસ્તારના લોકોએ કેનાલની સાફસફાઈ કરવા અને ભૂગર્ભ ગટરનું પાણી ન છોડવા નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કેનાલની સફાઈ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે આજે વિસ્તારના રહીશોએ કેનલ પર પહોંચી નગરપાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચારો પોકારી દેખાવ કર્યા હતા.
લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણયનગરપાલિકા તંત્ર દ્વારા વેરાવો વધારવામાં આવે છે પરંતુ શહેરીજનોને જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા સ્વચ્છતાની સેવાઓ આપવામાં નગરપાલિકાના સત્તાધીશો ઉણા ઉતર્યા છે.જ્યાં સુધી કેનાલની સફાઈ નું કામ યોગ્ય રીતે નહીં થાય તો આગામી લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારના રહીશો કોઈ પણ પક્ષમાં મતદાન નહીં કરે તેવો પણ વિસ્તારના રહીશોએ નિર્ણય કર્યો છે.
નર્મદા કેનલનું પાણી ભરાઈ રહેતા સફાઈ થતી નથી આનંદ સરોવરની કેનાલમાં ધરોઈ ડેમ કે નર્મદા કેનલનું પાણી આવે છે. પાણી ભરાઈ રહેતું હોવાને કારણે કેનાલની યોગ્ય સફાઈ થતી નથી. તો બીજી તરફ ખુલ્લી કેનાલોમાં વિસ્તારના લોકો પોતાનો કચરો પણ નાખે છે. કેનાલની સફાઈ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી પાણી બંધ કરાવી કેનાલની સફાઈ કરવામાં આવશે. તો બીજી બાજુ વીજ કાપને કારણે પાટણ નગરપાલિકાના જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનો છે તે ઓવરફ્લો થાય છે અને તેનું પાણી પણ આ કેનાલમાં આવે છે. જેથી આ ડ્રેનેજના પાણી કેનાલમાં ન જાય તે માટે ભુગર્ભ ગટરના બાકી કામોમાં તેનો સમાવેશ કરાયો છે.
સ્વચ્છતા અભિયાન અભરાઇ પર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે અને તેઓ દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ભાજપની પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેને કારણે આ કેનાલ આજે ગંદકીથી ખદબદી રહી છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.