જૂનાગઢ: છત્રપતિ શિવાજી મહારાજના પ્રતીક તરીકે ઓળખાતી શિવ જ્યોતનું સમગ્ર મહારાષ્ટ્ર અને મરાઠી પરિવારોમાં ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. પ્રત્યેક મરાઠી ઘરોમાં શિવ જ્યોતનું સ્થાપન અને પૂજન થતું હોય છે. તે પરંપરા મુજબ આજે જુનાગઢમાં રહેતા મરાઠી પરિવારોએ ભવનાથ મહાદેવ મંદિરથી શિવ જ્યોત પ્રજ્વલિત કરીને સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિભ્રમણ કરીને મહારાષ્ટ્ર જેવો માહોલ ઉભો કર્યો હતો.
Chhatrapati Shivaji Maharaj Jayanti 2024: શિવ જ્યોતના સ્થાપન સાથે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની જૂનાગઢમાં ઉજવણી
આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે. ત્યારે જૂનાગઢમાં પ્રથમ વખત શિવ જ્યોત યાત્રા કાઢીને મરાઠી પરિવારોએ જૂનાગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
Published : Feb 19, 2024, 7:55 PM IST
પ્રથમ વખત શિવ જ્યોતનું સ્થાપન:શિવાજી મહારાજના વિચારો સમગ્ર ભારત વર્ષમાં ફેલાય તે માટે પણ આજે પ્રથમ વખત શિવ જ્યોતનું સ્થાપન કરીને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ વખત શિવ જ્યોત સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિભ્રમણ કરીને રાજમહેલ કમ્પાઉન્ડમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે પહોંચી હતી. આજે દિવસ દરમિયાન શિવાજી મહારાજનું પૂજન અને શિવાજી મહારાજના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવી, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ગણાતા મરાઠા પરિવારોએ ખૂબ જ ઉત્સાહ સાથે સામેલ થઈને ઉજવણી કરી હતી.
મરાઠી પરિવારના લોકો માટે વિશેષ મહત્વ:જૂનાગઢ શહેરમાં પાછલા ઘણા વર્ષોથી મરાઠી પરિવારો સ્થાયી થયા છે. પ્રત્યેક મરાઠી પરિવાર છત્રપતિ શિવાજી મહારાજને ભગવાન સમકક્ષ માને છે. શિવાજી મહારાજ પ્રત્યેક મરાઠીના મનમાં વ્યાપેલા હોય છે. ત્યારે પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢમાં સ્થાયી થયેલા મરાઠી પરિવાર દ્વારા પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ પણ પારંપરિક મરાઠી પરિધાનમાં સજ્જ થઈને શિવાજી મહારાજની આરતી પણ કરી હતી. શિવાજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન અનેક પરાક્રમો કર્યા હતા. તેમની જયંતિના ભાગરૂપે તેમના પરાક્રમો અને શિવાજીની વીરતા પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાઈ રહી છે.