Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ગાંધીનગરઃ ચાંદીપુરા વાયરસને ડામવા માટે સરકાર પણ સક્રિય થઈ છે. સરકારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાઈ લેવલ મીટીંગ યોજી હતી. આ મિટિંગમાં જિલ્લા કલેકટર, મનપા કમિશનર, CDHO, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મીટીંગમાં ચાંદીપુરા વાયરસને નાથવા માટે રણનીતિ અંગે ચર્ચા થઈ હતી. ચાંદીપુરા વાયરસના સંક્રમણ ના લક્ષણો અને તેના ઈલાજ અંગે તબીબોએ જિલ્લા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
GBRCમાં રિપોર્ટ કરાશેઃ અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનું સેમ્પલ ટેસ્ટિંગ મહારાષ્ટ્રના પૂનામાં થતું હતું. શંકાસ્પદ કેસોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે ચાંદીપુરા વાયરસ સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર)માં શરૂ કરવામાં આવશે. જેથી શંકાસ્પદ કેસોનું ઝડપથી પરીક્ષણ થઈ શકશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર છંટકાવ માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવાની સૂચના આપી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બાળકોમાં સામાન્ય તાવના કિસ્સાને પણ ગંભીરતાથી લઈને તાત્કાલિક સારવાર આપવા માટે હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૂચના આપવામાં આવી છે. આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર અને નર્સિંગ સ્ટાફને ચાંદીપુરા વાયરસના સંક્રમણ અને લક્ષણ અંગે જરૂરી સુચના આપવા માટે અધિકારીઓને આદેશ કર્યો છે. હાલની રોગતાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી રીવ્યુ કરવામાં આવ્યો છે.
29માંથી 15 બાળદર્દીના મૃત્યુઃ રાજ્યમાં હાલમાં 29 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ જોવા મળ્યા છે. જેમાં 15 ના મોત થયા છે. મોટાભાગે 4 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ જોવા મળ્યું છે. ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 7 કેસ માંથી 1 જ કન્ફર્મ ચાંદીપુરા વાઇરસનો કેસ જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ ફેલાવતી રેતની માખી જ્યાં એનું ઘર બની રહે ત્યાં દવાનો છંટકાવ કરવા ટીમોને કામે લગાવી છે. આ માખીઓ ખાસ કરીને મકાનની દીવાલોની તિરાડમાં વસવાટ કરીને પોતાના ઈંડા મૂકે છે. આવી તિરાડો પુરવા માટે પણ અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ચાંદીપુરા વાયરસને નાખવા માટે તમામ જિલ્લામાં ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ આ માટે એક સઘન પ્રયાસ હાથ ધરશે અને એકપણ જગ્યા બાકી ન રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.
સાવચેતી ખૂબ જ જરુરીઃ આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ચાંદીપુરા રોગથી ડરવાની જરૂર નથી. 7 માંથી 1 જ કન્ફર્મ થયો છે અને એમાં પણ કોરોના કાળમાં ડર હતો કે ચેપ લાગશે એ રીતે આ ચેપી રોગ નથી પરંતુ, પ્રિકોશન રાખવાની ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. બાળકને તાવ આવે કે તરત જ પીએચસી કે સીએચસી અથવા શક્ય હોય તો નજીકની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી સારવાર કરાવે એ પ્રાથમિક તબક્કે ખૂબ જરૂર છે. જો સારવાર માટે લાંબો સમય લાગી જાય તો મૃત્યુઆંક વધવાની સંભાવના છે. હજુ પણ રાજ્યના તબીબો સાથે, આરોગ્ય વિભાગની ટીમ સાથે આ રોગમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે ? એ બાબતની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીશું. આ રોગને કાબુમાં લાવી શકાય એમ છે જેથી લોકો પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરે, મચ્છરદાનીનો ઉપયોગ કરે જેથી મચ્છર કરડી ન જાય. ઇમ્યુનિટી ઓછી હોય એવા લોકોને આ રોગ થાય છે. હાલમાં 29 દર્દીમાંથી 15 ના મોત થયા છે અને બાકીના સારવાર લઈ રહ્યા છે.
- ચાંદીપુરા વાયરસથી હાહાકાર! રાજ્યમાં સર્વેલેન્સની કામગીરી હાથ ધરાઈ - CHANDIPuRA VIRUS 2024
- જામનગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ, રાઘવજી પટેલે જીજી હોસ્પિટલમાં બોલાવી ઈમરજન્સી મીટીંગ - Chandipuram Virus 2024