ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ... - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે કમર કસી છે. જનસભા, લોકસંપર્ક અને પોસ્ટરોના માધ્યમથી પુરજોશથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. આ બધા વચ્ચે યુવાવર્ગ સહિતના અન્ય લોકોના મન સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. જુઓ રાજકીય પક્ષો સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે કરે છે ચૂંટણી પ્રચાર

મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા
મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 3:11 PM IST

ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ...

કચ્છ :લોકસભા સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રણનીતિઓ સાથે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં વિવિધ પક્ષના ઉમેદવાર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી પોતાના કાર્યક્રમોથી માંડીને યોજનાઓ તેમજ ગેરંટીઓ અંગે પ્રચાર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી પ્રચાર :ડિજિટલ ઇન્ડિયાના આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મની મદદથી અનેક જનજાગૃતિ કાર્યક્રમો પણ થતા હોય છે. ખાસ કરીને હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારી અને પ્રચાર ચાલી રહ્યો છે. તો રાજકીય પક્ષો અને ઉમેદવારો તેમની ટીમ સાથે પોતાના વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

  • ભાજપ સરકારની તાકાત સોશિયલ મીડિયા

વિનોદ ચાવડાની સોશિયલ મીડિયા ટીમ :કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો, ગામડે ગામડે થતી મુલાકાત અને સંવાદના ફોટો અને રિલ્સ, ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો કેટલા લોકોએ લાભ લીધો, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પોસ્ટર સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે.

જનતા સુધી પહોંચ્યો સરકારનો સંદેશ :નરેન્દ્ર મોદીની સરકાર અગાઉની અર્થવ્યવસ્થા અને હાલની અર્થવ્યવસ્થાની સરખામણી અને વિકાસને લગતા પોસ્ટર તેમજ ગ્રાફિક્સના માધ્યમથી લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવી રહ્યા છે. તો ક્યારેક લોકોને વધુ મતદાન થાય તે માટેની અપીલ કરતા તેમજ અન્ય સંદેશા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહ્યા છે.

ભાજપ સરકારની તાકાત સોશિયલ મીડિયા

વિનોદ ચાવડાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ :વિનોદ ચાવડાની ટીમ 10 વર્ષમાં તેમના સાંસદ સભ્ય તરીકેના કામ અંગે પણ પોસ્ટ કરવામાં આવી રહી છે. આમ, સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ખૂબ સારી રીતે લોકસભા ચૂંટણી અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી જાહેર થયા બાદ વિનોદ ચાવડાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 200 જેટલી પોસ્ટ કરવામાં આવી છે.

વર્ષ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે દેશમાં સોશિયલ મીડિયાનો સૌથી વધારે પહેલો પ્રયોગ થયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો સભા સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. કચ્છની અંદર પણ પ્રચાર સોશિયલ મીડિયાની કરવામાં આવી રહ્યો છે. મારી ટીમ દ્વારા દિન પ્રતિદિન કોઈપણ કાર્યક્રમ કે પ્રવાસનો પ્રચાર અથવા કોઈ મેસેજ આપવાનો હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. -- વિનોદ ચાવડા (ભાજપ ઉમેદવાર, કચ્છ લોકસભા બેઠક)

સરકારી યોજનાની માહિતી :ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા કરવામાં આવતી પોસ્ટમાં પણ કેન્દ્ર સરકારની યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વગેરે તેમજ ગુજરાત અને ભારતના લાભાર્થીઓની સંખ્યા દર્શાવાય છે.

વિકાસના કાર્યોનું ચેકલીસ્ટ :નરેન્દ્ર મોદી સરકારે જે ગેરંટી આપી હતી તે પૂરી કરી છે એટલે કે વિકાસનું ચેકલિસ્ટ પણ પોસ્ટ તરીકે શેર કરવામાં આવ્યું છે. જેમાં રામ મંદિર નિર્માણ, CAA નો અમલ, કલમ 370 નાબુદી, 5 લાખ સુધીની મફત સારવાર, ગરીબ કલ્યાણ, નારી સશક્તિકરણ, જરૂરિયાતમંદોને ઘરનું ઘર વગેરે જેવા વિકાસના કાર્યો અંગે માહિતી આપવામાં આવી રહી છે.

કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ
  • કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ

ચૂંટણી પ્રચાર કાર્યક્રમની જાહેરાત :કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને નવો ચહેરો કહી શકાય તેવા યુવા નેતા નિતેશ લાલણની ટીમ દ્વારા પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી પ્રચાર કરે છે. નિતેશ લાલણ જે ગામ કે વિસ્તારમાં પ્રચાર કરવા જવાના હોય તેનો પ્રવાસ કાર્યક્રમ એક પોસ્ટર સ્વરૂપે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. વિવિધ સ્થળની મુલાકાત દરમિયાનના ફોટો અને વીડિયો પણ પોસ્ટ કરવામાં આવતા હોય છે.

મારી સોશિયલ મીડિયા ટીમ દ્વારા વિવિધ પ્લેટફોર્મ પર દરરોજના પ્રવાસ તેમજ કાર્યક્રમો અને બેઠક અંગેની માહિતી પોસ્ટ કરવામાં આવે છે. કચ્છની જનતા વિવિધ સમસ્યાઓથી કંટાળી ચૂકી છે. ભાજપની જન વિરોધી નીતીઓથી કંટાળી ગઈ છે. પ્રજાએ પણ નક્કી કરી લીધું છે અને 7 મેની રાહ જોઈ રહ્યા છે. કચ્છમાંથી પરિવર્તનની લહેર શરૂ થશે, જે ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરીત થશે તેવો વિશ્વાસ છે. -- નિતેશ લાલણ (કોંગ્રેસ ઉમેદવાર, કચ્છ લોકસભા બેઠક)

મતદાર જાગૃતિ માટે પ્રયાસ : જો કોંગ્રેસની સરકાર ચુંટાઈ આવે તો ક્યાં કાર્યો કરવામાં આવશે તે અંગેની ગ્રાફિક્સ સાથેની પોસ્ટ પણ કરવામાં આવી રહી છે. મતદારો વધુને વધુ મતદાન કરે અને પરિવર્તન લાવે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થયા બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 85 જેટલી પોસ્ટ મોકલવામાં આવી છે.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અને અપીલ :કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાશે તેમજ તેમની સરકાર બનશે તો યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, હિસ્સેદારી ન્યાય, શ્રમિક ન્યાય આપવા આવશે તો સરકારી નોકરી, પેપર લીકમાંથી મુક્તિ, સામાજિક સુરક્ષા, યુવા રોશની વગેરે જેવી જાહેરાત તેમજ કેન્દ્ર સરકારની નવી ભરતીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત, ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક 1 લાખની સહાય, સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલય જેવી અનેક જાહેરાત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચાડવામાં આવે છે.

  1. સાંસદ વિનોદ ચાવડાએ કરેલા વિકાસકાર્યોના સરવૈયા સામે કચ્છ કોંગ્રેસના સવાલો - Loksabha Election 2024
  2. ડ્રગ્સ, નર્મદા નીર માટે ખેડૂતોના આંદોલન મુદ્દે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ શું કહ્યું ?

ABOUT THE AUTHOR

...view details