ગાંધીનગર : ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ યુવા મોરચાની પ્રદેશની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ જિલ્લા અને મહાનગરના અધ્યક્ષ, પ્રભારી અને પ્રદેશના પદાધિકારી ઉપસ્થિત હતાં. ચૂંટણી પ્રબંધન સમિતિના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા મોરચા દ્વારા જે કાર્યક્રમમાં કરવામાં આવશે તે કાર્યક્રમ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
યુવા કાર્યકર્તાઓને કાર્યક્રમ આપવામાં આવ્યો: ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું કે "યુથ ચલા બૂથ" કાર્યક્રમ અંતર્ગત યુવા મોરચા દ્વારા બે તબક્કામાં બુથમાં કાર્યક્રમ કરવા માટે યુવા મોરચાના કાર્યકરો કામે લાગશે. બુથ સુધી પહોંચવા માટે યુવા કાર્યકર્તાઓને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એક એક પેજ ઉપર યુવાનોને જવાબદારી સોંપવામાં આવશે.
પાટીલે કર્યું માઇક્રો પ્લાનિંગ : ગુજરાતની 26 લોકસભા સીટ પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા માટે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે માઇક્રો પ્લાનિંગ કર્યું છે. મતદાનની ટકાવારી વધારવા માટે ભારતીય જનતા પાર્ટી ખાસ રણનીતિ બનાવી છે. એક એક પેજ ઉપર 35 વર્ષથી ઓછી વયના મતદારોને મતદાન મથક સુધી લાવવાની જવાબદારી યુવા મોરચાના કાર્યકરોને સોંપવામાં આવશે.
મોટરસાયકલ રેલીનું આયોજન : આગામી તારીખ 1 થી 10 એપ્રિલ સુધી યુવા મોરચાના કાર્યકરો દરેક પેજમાં 35 વર્ષથી ઓછા ઉંમરના યુવા મતદારોની લિસ્ટ બનાવશે. બીજા તબક્કામાં તા.18 થી 30 એપ્રિલ સુધી યુથ ચલા બૂથ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ કામો કરશે. તા. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભાજપ યુવા મોરચા દ્વારા દરેક મંડળમાં ભવ્ય મોટરસાયકલ રેલીનું આયોજન કર્યું છે. આ મોટરસાયકલ રેલીમાં દરેક યુવા કાર્યકર્તા જોડાશે. દરેક મંડળમાં 1,000થી વધુ મોટરસાયકલ રેલી થશે. બે તબક્કામાં યુથ ચલા બુથ કાર્યક્રમ યોજાશે.
શક્તિ કેન્દ્ર ઉપર યુવા સંયોજક : ગત નવેમ્બર ડિસેમ્બરમાં મંડલ સશક્તિકરણ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા દરેક શક્તિ કેન્દ્ર ઉપર યુવા સંયોજક બનાવવામાં આવ્યા છે. નમો નવ મતદાતા સંમેલનમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદાતાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 11.25 લાખ રજીસ્ટ્રેશન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો નવ મતદાતા સંમેલનને સંબોધન કરતા જણાવ્યું કે આ પ્રકારનું સંમેલન ઇતિહાસમાં પ્રથમ વાર થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ માધ્યમથી તેમણે 50 લાખ કરતાં વધુ નવા મતદાતાઓને સંબોધન કર્યું હતું.
નમો યુવા ચોપાલ કાર્યક્રમ : ગુજરાતમાં પણ 425 સંમેલન એક જ દિવસમાં થયા હતા. ભાજપ યુવા મોરચા દ્વારા નવા મતદાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 12764 શક્તિ કેન્દ્રો પર યુવા સહયોજક દ્વારા નમો યુવા ચોપાલના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. નમો યુવા ચોપાલના સૌથી વધુ કાર્યક્રમ કરનાર રાજ્યમાં ગુજરાતનો પ્રથમ ક્રમ આવ્યો છે.
- કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ થવા મુદ્દે ઉહાપોહ પર ગુજરાત ભાજપની પ્રતિક્રિયા, ' ભાજપે નહીં આઈટીએ સીલ કર્યા છે ' - Gujarat BJP Reaction
- Loksabha Election 2024: મતદાન જાગૃતિ માટે 'મત આપશે મહેસાણા' કાર્યક્રમ કરશે વહીવટી તંત્ર, જાણો અન્ય આયોજનો વિશે