વલસાડ-ડાંગ બેઠક પર ચૂંટણી પ્રચારનો પ્રારંભ દમણ :વાપીના VIA ઓડિટોરિયમમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભા ચૂંટણી 2024 ના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે સૌને પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પારડી-વાપી વિધાનસભાના ધારાસભ્ય અને નાણાંપ્રધાન દોઢ લાખની લીડ અપાવવાની ખાતરી આપી હતી.
વલસાડ-ડાંગમાં ભાજપનો ચૂંટણી પ્રચાર :લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે વલસાડ જિલ્લાના બદલે નવસારી-વાંસદાના યુવાન ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. ધવલ પટેલના નામની જાહેરાત બાદ વલસાડ ભાજપે જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં તેમનો ચૂંટણી પ્રચારલક્ષી પ્રવાસ શરૂ કર્યો છે. જે અંતર્ગત 15 માર્ચે ધવલ પટેલ વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ, રાજ્યના નાણાંપ્રધાન અને પારડી-વાપી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે વાપી આવ્યા હતા.
ભાજપ કાર્યકરો સાથે બેઠક :વાપીમાં અને ઉમરગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરવાને બદલે ધવલ પટેલે સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો વચ્ચે જઈ પોતાનો પરિચય આપવા સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. વાપીમાં VIA ઓડિટોરિયમમાં આયોજિત આ ચૂંટણી પ્રચાર કમ કાર્યકર બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધવલ પટેલે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કેવા વિકાસ કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો. આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ કાર્યકરો વતી તેમના મત વિસ્તારમાંથી દોઢ લાખ અને સંસદીય ક્ષેત્રમાંથી 5 લાખની લીડ અપાવી વિજયી બનાવવાની ખાતરી આપી હતી.
અનંત પટેલની ટિપ્પણી બાબતે વળતો જવાબ આપતા ધવલ પટેલે જણાવ્યું કે, જેમ ઘર છોડીને બાળકો શિક્ષણ લેવા બહાર જાય છે અને શિક્ષણ મળી ગયા બાદ તેઓ જેમ પરત પોતાના વતન આવે છે. તેમ હું પણ લોકોની સેવા માટે પરત વતન ફર્યો છું, હું અહીંનો સ્થાનિક જ છું. હું કોઈ બહારનો નથી.
ધવલ પટેલના ચૂંટણી વાયદા :ધવલ પટેલે જણાવ્યું હતું કે, પારડી-વાપી વિધાનસભા વિસ્તારના કાર્યકરોનો ઉત્સાહ જોતા તેઓ ચોક્કસ વલસાડ-ડાંગ લોકસભા સીટ 5 લાખની લીડથી જીતશે. MP બન્યા બાદ વાપીનું અત્યાર સુધીમાં જેટલું સારું ડેવલપમેન્ટ થયું છે, તેને વધુ સારી ગતિ આપશે, વધુ સારા ડેવલપમેન્ટ યોજના અને સ્કીમ લાવશે, નવી પોલીસી, નવી સ્કીમ લાવી ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનો વધુ વિકાસ કરશે.
તમામ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર :ધવલ પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચારમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાંપ્રધાન અને પારડી વાપી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ધવલ પટેલનું લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ બે દિવસમાં જ સાત વિધાનસભાનો પ્રવાસ પૂરો કરીને વાપી, પારડી અને ઉમરગામ વિધાનસભાનો પ્રવાસ પણ પૂર્ણ કર્યો છે. દરેક સ્થળે મંડળની મીટીંગ લેવામાં આવી છે. જેમાં કાર્યકર્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ધવલ પટેલનું સ્વાગત :ઉલ્લેખનીય છે કે, વાપી VIA ઓડિટોરિયમ ખાતે આયોજિત ભાજપની આ ચૂંટણી પ્રચાર લક્ષી બેઠકમાં વલસાડ જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પાલિકા વિસ્તારના તમામ સભ્યો, નોટિફાઇડ વિસ્તારના ચેરમેન સહિત ભાજપના કાર્યકરો, શહેર, તાલુકા પંચાયતના પ્રમુખ, કાર્યકર્તા, સંગઠનના હોદ્દેદારો વિવિધ સમિતિ મંડળોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે તમામે લોકસભા ઉમેદવાર ધવલ પટેલનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.
- Loksabha Election 2024: ભાજપના ઉમેદવાર લાલુ પટેલે દમણમાં ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા
- Lok Sabha 2024: વલસાડ-ડાંગ બેઠક પર કોઈ સક્ષમ ઉમેદવાર ભાજપને ન મળતાં દિલ્હીથી ચૂંટણીમાં ઉમેદવાર લાવવો પડ્યો - અનંત પટેલ