સુરતઃગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવતા વરઘોડા મામલે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. સુરતના એડવોકેટ આર.ડી. મેંદપરાએ આ મુદ્દે માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરી હતી. જેમાં આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
અરજીમાં મુખ્ય મુદ્દો એ હતો કે, જ્યાં સુધી કોર્ટમાં આરોપો પુરવાર ન થાય, ત્યાં સુધી આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવો અને મીડિયા સમક્ષ રિકન્સ્ટ્રક્શન કરવું યોગ્ય નથી. વિશેષમાં, આરોપીની વીડિયોગ્રાફી કરીને ઓળખ જાહેર કરવી એ ગેરકાયદેસર છે.
માનવ અધિકાર પંચની મોટી કાર્યવાહી (Etv Bharat Gujarat) માનવ અધિકાર પંચે આ મામલે સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે, આ અહેવાલ કમિશનરે પોતાની સહીથી જ રજૂ કરવાનો રહેશે અને તાબાના અધિકારીઓનો અહેવાલ માન્ય રખાશે નહીં. જો નિયત સમયમર્યાદામાં અહેવાલ રજૂ નહીં થાય તો આયોગ કાયદેસરની આગળની કાર્યવાહી કરશે.
માનવ અધિકાર પંચની મોટી કાર્યવાહી (Etv Bharat Gujarat) ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા લોકોને આ વરઘોડા પ્રથાથી વાંધો છે, પરંતુ સામાન્ય નાગરિકોને હેરાન કરનારા ટપોરીઓના વરઘોડા કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલીસે જાહેરમાં કાઢેલા વરઘોડાઓને લઈને હવે માનવ અધિકાર પંચ મેદાને આવ્યું છે. આ મામલામાં કોર્ટમાંથી આરોપો પુરવાર ના થાય ત્યાં સુધી ના વરઘોડો કાઢવો કે ના રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહીને મીડિયામાં પ્રદર્શીત કરવી તેને લઈને અયોગ્યતાઓ હોવાની વાત કરવામાં આવી છે. હવે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું, સાથે જ અત્યાર સુધી થયેલા આવા વીડિયો અને પ્રદર્શનો મામલે શું થશે તેના પર પણ મીટ મંડાશે.
- મહુવા યાર્ડના તંત્રએ ખેડૂતો માટે કર્યો નિર્ણયઃ વેપારી-એજન્ટોની ભાગબટાઈ બંધ કરવા મીઠી ભાષામાં લખ્યો પત્ર
- અમદાવાદમાં હવે નકલી ઘી પકડાયું! ડબ્બાના સ્ટીકર પર સ્પેલિંગમાં ભૂલ દેખાઈ ને શંકા ગઈ