વલસાડ : રજવાડા વખતના ધરમપુર નજીકમાં આવેલ ભેંસદરા ગામમાં લાવરી નદીના કિનારે સ્મશાન ભૂમિ આવેલ છે. જ્યાં 20 થી વધુ જાતિ અને સમાજના લોકો અંતિમ વિધિ માટે આવે છે. જોકે લાવરી નદીમાં બે તરફથી પાણી વહેતા વચ્ચે ટાપુ જેવી જગ્યા સર્જાય છે, આ ટાપુ પર જ સ્મશાન ભૂમિ આવેલી છે. જ્યારે પણ કોઈને અંતિમ વિધિ કરવી હોય, તો નદી વચ્ચોવચ આવેલી સ્મશાન ભૂમિ સુધી પહોંચવા નદીના પાણીમાં ઊતરવું પડે છે.
નદી વચ્ચેથી નનામી લઈ જવા મજબૂર :ભેંસદરા ગામે એક મહિલાનું નિધન થયું હતું, તેની અંતિમવિધિ કરવા ગામના લોકો જોડાયા હતા. જોકે આ મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ભૂમિ સુધી નનામી લઈ જવા ડાઘુઓને જીવ જોખમે મૂકવો પડ્યો હતો. અહીં લોકોને નનામીને લાવરી નદીના ધસમસતા પ્રવાહમાંથી ઉતારીને સામે છેડે આવેલા સ્મશાન ભૂમિમાં લઈ જવાની ફરજ પડી હતી. જે બાદ પણ ખુલ્લી જગ્યામાં અંતિમવિધિ કરી હતી. સદનસીબે વરસાદ ઓછો હોવાને કારણે અંતિમવિધિ માટે કોઈ મુશ્કેલી પડી નહીં.
નદી વચ્ચેથી નનામી લઈ જવા મજબૂર નાગરિક (ETV Bharat Reporter) અનેક સમાજ વચ્ચે એક સ્મશાન :ભેંસદરા ગામે લાવરી નદીના કિનારે આવેલ સ્મશાન ભુમીનો અંતિમ વિધિ માટે અનેક સમાજના લોકો ઉપયોગ કરે છે. જેમાં કુકણા સમાજ, ઢોળ્યા પટેલ સમાજ, વારલી સમાજ, આદિમ જૂથ સહિત અનેક સમાજના લોકો મૃતકોની અંતિમવિધિ માટે વર્ષોથી એટલે કે રાજા રજવાડાના સમયથી આ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરે છે.
જાત મહેનત જિંદાબાદ :આ સ્મશાન ભૂમિની સ્થિતિ પણ કફોડી છે. આ સ્મશાન ભૂમિને વિકસાવવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં નવું મકાન બને તેમજ આસપાસના વિસ્તારમાં લોકોને બેસવા માટે બાંકડા મુકવામાં આવે, વૃક્ષારોપણ કરવામાં આવે અને નદીના વહેતા પાણીમાંથી લોકોને આવવું ન પડે તે માટે અહીં એક લોખંડનો બ્રિજ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભેંસદરા ગામના લોકોની સમસ્યા (ETV Bharat Reporter) જવાબદારીમાંથી ભાગે છે સરકાર !આ પ્રકારની વ્યવસ્થા માટે સ્થાનિક અગ્રણીઓએ હાલ એક જાહેર મીટીંગ કરી ગ્રામજનોએ ભેગા મળી સ્મશાનભૂમિ વિકસાવવા માટેની કામગીરી હાથ ધરી છે. પરંતુ સરકારના કેટલાક અટપટા નિયમો અને વહીવટી તંત્રની ઢીલી નીતિના કારણે આ સ્મશાન ભૂમિને વિકસાવવા માટે સ્થાનિક લોકોના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે. વહીવટી તંત્ર ઉપરોક્ત બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
નદી વચ્ચે સ્થિત સ્મશાન :થોડા વર્ષો પહેલા નદીનો પ્રવાહ એક તરફથી વહેતો હતો, જેથી સ્મશાન ભૂમિ એક તરફ જ હતી. ત્યારે લોકોને મુશ્કેલી પડતી ન હતી, પરંતુ નદીનું વહેણ થોડા સમય પહેલા બદલાતા નદી બંને બાજુથી વહેતી થઈ છે. એટલે કે સ્મશાન ભૂમિ જમીનની બંને બાજુથી નદી વહે છે. સ્મશાન ભૂમિ નદી વચ્ચે ટાપુ જેમ સ્થિત છે. જેથી લોકોને જ્યારે પણ અંતિમવિધિ કરવી હોય ત્યારે નદીના પાણીમાં ઉતરીને જવાની ફરજ પડે છે.
નદી વચ્ચે સ્થિત સ્મશાન (ETV Bharat Reporter) આખરે તંત્ર જાગ્યું...મહિલાના મોત બાદ તેની નનામી નદીના પાણીમાંથી ઉતારીને લઈ જવાની આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ સમસ્યા બહાર લાવવા સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. જેની જાણ ધરમપુરના મામલતદારને થતા તેઓ સમગ્ર હકીકત જાણવા માટે સ્થળ મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
- ગ્રામીણ વિકાસની વાસ્તવિકતા : વરસતા વરસાદમાં કરી અંતિમવિધી, ગ્રાન્ટ પાસ થઈ પણ ગઈ ક્યાં ?
- ભારે વરસાદના કારણે ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાઓના 33 રસ્તાઓ બંધ