ગુજરાત

gujarat

ભાવનગર મનપાનો લોલમલોલ વહીવટ, માલિકીની દુકાન છતાં રોડ પર ફેરીયા બનવા મજબૂર વેપારી - Bhavnagar Public Issue

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 9:38 PM IST

કોઈપણ કાયદો પ્રજાહિતમાં હોય છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પ્રજાનું અહિત થઈ રહ્યું છે. ભાવનગરમાં અનેક દુકાનદારો માલિકીની દુકાન ધરાવતા હોવા છતાં ફેરીયાની જેમ રોડ પર વેપાર કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ મનપાની નબળી કામગીરી છતી થઈ છે, જુઓ આ અહેવાલ

ભાવનગર મનપાનો લોલમલોલ વહીવટ
ભાવનગર મનપાનો લોલમલોલ વહીવટ (ETV Bharat Reporter)

ભાવનગર : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ભાવનગર મનપાનું ફાયર વિભાગ થોભવાનું નામ નથી લેતું. શહેરમાં નિયમાનુસાર દુકાનો સીલ કરવામાં આવી છે. જોકે બાદમાં તાત્કાલિક ફાયર NOC નહિ મળવાથી માલિકીની દુકાન હોવા છતાં વેપારીઓને રોડ પર ફેરીયા જેમ વ્યાપાર કરવો પડી રહ્યો છે. એક સપ્તાહ સુધી રોડ પર આવી ગયેલા વ્યાપારીઓમાં તંત્રની કામગીરી પ્રત્યે નારાજગી છે.

માલિકીની દુકાન છતાં રોડ પર ફેરીયા બનવા મજબૂર વેપારી (ETV Bharat Reporter)

લોલમલોલ વહીવટ :લાખો રૂપિયાના ખર્ચે માલિકીની દુકાન હોવા છતાં વ્યાપારીઓ રસ્તે બેસીને ધંધો કરવા મજબૂર થઈ ગયા છે. ભાવનગર મનપાનો લોલમલોલ વહીવટનું ઉદાહરણ ફાયર વિભાગની કામગીરી છે. ફાયર વિભાગની કામ કરવાની પદ્ધતિ ડફેરની જેમ છે. ફાયર વિભાગ પહેલા ક્યાં ધાડ પાડવી તેનું નિરીક્ષણ કરવા નીકળે અને પછી કામગીરી હાથ પર લેવાય છે. કારણ કે, શહેરમાં કેટલી બિલ્ડીંગો છે તેનો કોઈ આંકડો જ તંત્ર પાસે નથી.

ભાવનગરના વેપારીની વ્યથા :ભાવનગરના વાઘાવાડી રોડ પર શોભરાજ કોમ્પ્લેક્ષના દુકાનદાર રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, 25 જૂનના રોજ અમારી દુકાનને ફાયર સેફ્ટીના નિયમો અનુસાર સીલ માર્યા બાદ સાત દિવસથી અમારી દુકાન અને અમારું કોમ્પ્લેક્સ બંધ છે. અમે કમિશનર અને મેયરને રજૂઆત કરીએ તો તેમણે કહ્યું કે, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરો. અમે સહમત થયા અને હવે અમારી દુકાન ખુલવા જઈ રહી છે. પરંતુ આ દરમિયાન સતત સાત દિવસ અમે ધંધા વગર રહ્યા. વાઘાવાડી રોડ પર દુકાન હોવા છતાં અમે રોડ પર બેસીને વેપાર કરવા મજબૂર થઈ ગયા. સરકારમાં રજૂઆત કરીને યોગ્ય વિકલ્પ નીકળે તો સારું.

દુકાનો સીલ (ETV Bharat Reporter)

ફાયર વિભાગની કામગીરી :રાજકોટ અગ્નિકાંડ બાદ થયેલ કાર્યવાહી અંગે ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટની ત્રણ ટીમ ઇન્સ્પેકશન કર્યા બાદ વિઝીટ કરે છે. જે સિસ્ટમ બંધ હોય અને ફાયર સેફટી ન હોય તેવી 360 બિલ્ડીંગોને નોટિસ ઇશ્યુ કરી છે, જેમાં 89 બિલ્ડિંગ સીલ કરી છે. એમાં લગભગ 1,678 યુનિટોને બંધ કર્યા છે. તેઓ વર્ક ઓર્ડર, બોન્ડ અને અરજી રજૂ કરે તો ઇન્સ્ટોલેશન માટે ઓપન કરીએ છીએ, આવી 80 બિલ્ડીંગના સીલ ખોલી આપ્યા છે.

ફાયર NOC નિયમ શું ?ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે બિલ્ડીંગ સીલ કરીએ અથવા નોટિસ આપીએ એમાં આખી બિલ્ડીંગનું ઇન્સ્ટોલેશન કરી અને એનઓસી લેવાનું રહે છે. એમાં અમે કોઈ પાર્ટી NOC કોઈને આપી શકીએ એમ નથી. તમારે જે કંઈ પ્રોબ્લેમ હોય એ બિલ્ડીંગનો પ્રોબ્લેમ છે, એને મંજૂર કરવા માટે અને એગ્રી કરાવવા માટે એની જવાબદારી છે.

રોડ પર વ્યાપાર કરતા વેપારી (ETV Bharat Reporter)

તંત્રનો ન સમજાય એવો ખુલાસા :પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, નિયમોમાં સુધારા વધારા થતા હોય છે, 2023 માં જે નીતિ નિયમો ચેન્જ થયા છે. એમાં મિક્સ ઓક્યુપસી 9 મીટર કરતાં વધારે છે અને ઈન્સ્ટોલેશન પણ કરવાનું છે. સાથે જ ફાયર NOC પણ લેવાની છે, "એટલે અમારી આગળ પાકો આંકડો હોતો નથી". ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સ્થળ તપાસ કરે છે અને નિયમાનુસાર નોટિસ આપીએ છીએ. બાદમાં સમયાંતરે અમે સીલ કરીએ છીએ. મહાનગરપાલિકાનો રોલ છે તે, TDDP વિભાગનો છે, એ એને ખબર હશે. સરકારી બિલ્ડીંગોને નોટીસ આપેલ છે, સીલ કરેલ નથી.

  1. ભાડાની જમીન પર બન્યો ભાવનગરનો ફ્લાયઓવર ?, મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, થઈ જશે !
  2. ભાવનગરમાં એક તરફ વરસાદ તો એક તરફ કાળું પાણી, મનપાની ઘોર બેદરકારી આવી સામે

ABOUT THE AUTHOR

...view details