નવા રૂપરંગમાં ખુલશે ઝવેરચંદ મેઘાણીની રચનાઓનો અમૂલ્ય ભંડાર (ETV Bharat Reporter) ભાવનગર : "આજ મને લાગ્યો કસુંબીનો રંગ" રટણ થતા જ કોઈપણ વ્યક્તિના માનસપટ પર ઝવેરચંદ મેઘાણીનું નામ આવે છે. ઝવેરચંદ મેઘાણી જેવા લેખક આજે પણ વાચકોના હૃદયમાં જીવે છે. ઝવેરચંદ મેઘાણીને જીવંત રાખવાનું કામ તેમના પરિવારે લોકમિલાપ ટ્રસ્ટ અંતર્ગત કર્યું હતું. પરંતુ ફરી પોરો ખાઈ લીધા બાદ મેઘાણી પરિવાર લોકમિલાપને પુનઃ શરૂ કરવા જઈ રહ્યો છે, જેથી શહેરને નવું લોકમિલાપ મળશે.
લોકમિલાપ ટ્રસ્ટ :ભાવનગર શહેરમાં ઝવેરચંદ મેઘાણીના પરિવાર દ્વારા લોકમિલાપ ટ્રસ્ટ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના રચનાઓની પુસ્તિકાઓનું વેચાણ થતું હતું. લાખો વાચકોના હૃદયમાં લોકમિલાપે સ્થાન મેળવ્યું હતું. મેઘાણી પરિવારની ભારે મહેનત લોકમિલાપને વિશ્વ પ્રખ્યાત કરવામાં રહી હતી. પરંતુ 2020 માં લોકમિલાપ કોરોના કાળમાં બંધ થઈ ગયું. ત્યારબાદ પુનઃ શરૂ કરવા માટે સમયકાળ નિશ્ચિત થયો નહીં. પરંતુ હવે ફરી મેઘાણી પરિવાર દ્વારા આપને નવા રૂપ રંગ સાથે પુનઃ સ્થાપિત કરવામાં આવનાર છે.
લોકમિલાપનો ઇતિહાસ :ભાવનગરના મેઘાણી પરિવારના યશ મેઘાણીએ જણાવ્યું હતું કે, લોકમિલાપ દાદાએ શરૂ કર્યું અને પછી પપ્પાએ સંભાળ્યું, હવે હું લોકમિલાપ ફરી વખત હું શરૂ કરવા જઈ રહ્યો છું. 1950 માં 26 જાન્યુઆરીએ લોકમિલાપ શરૂ કર્યું અને 70 વર્ષ સુધી લગભગ ચલાવ્યું. બધી જગ્યાએથી બહુ સરસ રિસ્પોન્સ મળ્યો અને પછી પપ્પાને એવું થયું કે હવે મારે રિટાયરમેન્ટ લેવું છે. ત્યારે એમને મને પૂછ્યું, પણ હું ત્યારે નોકરી કરતો હતો એટલે મેં ના પાડી કે ના મારે હવે આમાં આગળ નથી વધવું. તમે આટલા વર્ષો ઘણું કર્યું છે.
74 વર્ષની ગૌરવશાળી સફર :70 વર્ષ પછી 2020 માં અમે લોકમિલાપ બંધ કર્યું, ત્યારે લોકોને બહુ જ આઘાત લાગ્યો. કારણ કે આપણે પુસ્તક પ્રસારનું સારું કામ કરતા હતા. મારી પણ નોકરી છૂટી ગઈ હતી. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે ફરી વખત શું કરી શકીએ. પુસ્તકોની લાઇનમાં એટલે વોટ્સએપમાં અમે ગ્રુપ બનાવીને ત્યાં પુસ્તકોનું વેચાણ શરૂ કર્યું અને એનો બહુ જ સરસ આવકાર મળ્યો. કારણ કે લોકમિલાપ પેઢી આખી દુનિયામાં ફેલાયેલી છે.
નવા રૂપરંગમાં લોકમિલાપ : ગુજરાતી લોકોને ખાસ કરીને ખ્યાલ હતો કે સરસ પુસ્તકોનું કામ કરે છે. વોટ્સએપમાં સારો આવકાર મળ્યો પછી ધીમે ધીમે વેબસાઈટ બનાવી, પણ અંદર ક્યાંક એવું થતું કે સ્ટોર નથી, સ્ટોર હોય એની આખી જુદી મજા છે. તો અમારા ઘરની નજીકમાં અમને એક સરસ જગ્યા મળી ગઈ અને હવે ટૂંક સમયમાં પાછી પુસ્તકોની નાનકડી પણ સરસ વ્યવસ્થિત દુકાન આવી રહી છે.
ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના ચાહક:યશ મેઘાણીએ જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણી ગુજરી ગયાને કેટલા વર્ષો થયા, અત્યારે પણ નવા લેખકો સરસ લખે છે. પણ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો હજી પણ એટલા જ વંચાય છે. એટલે એ અમારી માટે બહુ આનંદની વાત છે. પણ પ્રકાશન અમે બંધ હાલ કર્યું છે, એટલે હવે પુસ્તક વેચાણ જ કરીએ છીએ. અમે બને એટલો એવો પ્રયત્ન કરીએ છીએ કે નવી પેઢીના બાળકો વધારે પુસ્તકો વાંચતા થાય, તો જ આગળની પેઢીમાં વધારે લોકો સુધી પહોંચશે.
લોકમિલાપની ચાહના :યશ મેઘાણીએ જણાવ્યું કે, 2020 માં ખૂબ વાચકો હતા પણ ત્યારે એવું થતું કે અમારી પાસે ખાલી સ્ટોર હતો. એટલે 100 પુસ્તકો વેચતા હોય તો 98 પુસ્તક ભાવનગરમાંથી વેચાય અને બે પુસ્તક કદાચ બહાર જાય. ઓનલાઈન કર્યા પછી ખ્યાલ આવ્યો કે ગુજરાતી પુસ્તકો લેવા વાળો વર્ગ બધે ફેલાયેલો છે. અમારે પંજાબ, બંગાળ અને દિલ્હીથી પણ પુસ્તકોના ઓર્ડર આવે છે. કોરોનામાં લોકો ઘરે બેઠા મોબાઈલ અને ટીવી જોવા કરતા કંઈક સારું કામ કરવા માટે પુસ્તકો તરફ વળ્યા. માટે હવે પહેલા કરતા વાચક વર્ગ વધ્યો છે.
- ભાવનગરમાં 222 રામ ચિત્રોનું પ્રદર્શન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કલાકારોની કલ્પના કેનવાસ પર છવાઈ
- કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલા અને સંત મોરારીબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાયા