બારડોલી:બારડોલીના બાબેનમાં રહેતો યુ ટ્યુબર કોમેડિયન ફેનિલ દેસાઈ મોડી રાતે પોતાની કારમાં નશાયુક્ત હાલતમાં મિત્ર સાથે લટાર મારવા નીકળ્યો હતો. તેણે પોતાની કાર સર્પાકાર રીતે હંકારી હતી. પોલીસે ઈશારો કર્યા છતાં ઊભો ન રહ્યો અને કાર હંકારીને ભાગી છૂટ્યો હતો. જેને પગલે બારડોલી પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડયો હતો. ફેનિલ દેસાઈ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર દેખાઈ
આ બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર, બારડોલી ટાઉન પોલીસ રાત્રે બારડોલીના સુરતી નાકા વિસ્તારમાં લીનિયર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. તેવા સમયે તેઓને એક કાર સર્પાકાર રીતે ઝડપભેર આવતી જોવા મળી હતી. પોલીસે ઈશારો કરી કાર થોભાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગભરાયેલા ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા તેનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો.