વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા, રોડ રસ્તા પાણીમાં ધોવાયા (Etv Bharat Gujarat) બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિરામ બાદ એક કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ના હોવાના કારણે સ્થાનિક લોકોએ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા દસ વર્ષથી ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ આ રજૂઆતો આજદિન સુધી અધ્ધરતાલ જ રહી છે. આજેય આ વિસ્તારના બાળકોને દર ચોમાસે શાળાએ મોકલવું પડે મુશ્કેલ બને છે અને વરસાદ આવતા આખી રાત લોકો ઉજાગરો કરે તેવી સ્થિતિ ઊભી થતી હોય છે ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી પણ પાણીમાં ખરાબ થાય છે અને સ્થાનિકોને આખી રાત પાણીમાં બેસીને જ વિતાવી પડે છે અને કોઈ કામ હોય તો પણ પાણીમાં ચાલીને જવું પડે છે.
પાણીના નિકાલની માત્ર વાતો જ કરવામાં આવે છે: જો કે બીજી તરફ પાલનપુરના ગઠામણ પાટીયા વિસ્તારમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી હાઇવે નજીક જ વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે 50થી વધુ ગામોને જોડતો આ માર્ગ બંધ થઈ જાય તેવી સ્થિતી ઉભી થાય છે. આ બાબતે પાલનપુર નગરપાલિકા દ્વારા પાણી નિકાલની વર્ષોથી વ્યવસ્થા કરવામાં આવતી હોવાની વાતો તો થઈ રહી છે પરંતુ આજે આ પરિસ્થિતિ જૈસે થે જેવી જ જોવા મળી રહી છે. ગઠામણ પાટીયા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી માટે સ્થાનિક લોકોએ અનેક વાર ઉગ્ર રજૂઆતો પણ કરી છે પરંતુ આ રજૂઆતોને તંત્રએ જાણે આજ દિન સુધી કોઈ જ ધ્યાને ના લીધી હોય તેવા દ્રશ્યો આ વરસાદમાં પણ જોવા મળ્યા હતા.
જોકે અંબાજી હાઈવેની વાત કરવામાં આવે તો અંબાજી હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા. જો કે ત્રણ ઇંચ વરસાદમાં પણ ઘૂંટણ સમા પાણી અંબાજી હાઈવે ઉપર ભરાઈ ગયા હતા. જેના કારણે ટુ વ્હીલર વાહનો આ પાણીમાં જ બંધ થઈ ગયા હતા જોકે મોટા વાહનો પણ મહામુસીબતે આ પાણીમાંથી પસાર થતા દ્રશ્યો સામે આવ્યા છે.
આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે જેમાં હજારો ભાવિ ભક્તો આ રોડ પરથી પસાર થાય છે. ત્યારે જો ચોમાસામાં આ જ પરિસ્થિતિ રહી તો ભાવિ ભક્તોને પણ મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિ હાલ તો અહીંયા જોવા મળી રહી છે. વાહન ચાલકોની સ્થાનિક લોકોની માંગ છે કે આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે નહીં તો વધુ વરસાદ પડે તો આ માર્ગ બંધ થાય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.
મહત્વનું એ છે કે દર ચોમાસા પહેલા તંત્ર પ્રીમોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને તમામ નીચાણવાળા વિસ્તાર તેમજ રોડ રસ્તા પરથી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા અને સાફ-સફાઈને કામો હાથ ધરી સબ સલામતના દાવા કરે છે પરંતુ જો ત્રણ ઇંચ વરસાદમાં પાલનપુરની આ હાલત પાલનપુરની થતી હોય તો વધુ વરસાદ પડે તો પાલનપુરના નગરજનોની શું હાલત થાય તે કલ્પના કરવી પણ બહાર છે.
આ પણ વાંચો
- ભારે વરસાદે મીઠા ઉદ્યોગના હાલ કર્યા 'બેહાલ', મચ્છુ 3 ડેમનું પાણી મીઠાના અગરો પર ફરી વળ્યું - morabi rain fall update
- સામાન્ય વરસાદમાં જ મહેસાણા "પાણી પાણી": ઢીંચણ સમા પાણી બન્યા માથાનો દુખાવો, જુઓ દ્રશ્યો... - mahesana rain update