બનાસકાંઠા :મોટી બસ દુર્ઘટના થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આબુ રોડ-અંબાજી માર્ગ ઉપર યાત્રાળુ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની ઘટના બની છે. આ બસમાં 56 જેટલા યાત્રાળુઓ સવાર હતા. જોકે, કોઈપણ જાનહાની થયાના સમાચાર નથી. પરંતુ 42 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
56 યાત્રાળુઓ ભરેલી બસ નદીમાં ખાબકી (ETV Bharat Reporter) નદીમાં ખાબકી બસ :બસમાં સવાર યાત્રાળુઓ રણુજા ખાતે દર્શન કરીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અંબાજી-આબૂરોડ વચ્ચે લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. ઘટના બનતા જ તાત્કાલિક આબુરોડ રાજસ્થાનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ દ્વારા યાત્રાળુઓને સહી સલામત બહાર કાઢવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
56 યાત્રાળુઓ બસમાં સવાર :બસમાં સવાર તમામ લોકો દેરોલ ગામના હોવાની અત્યારે માહિતી મળી રહી છે. આ લોકો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા. જોકે, પરત આવતા સમયે અંબાજી અને આબુરોડ વચ્ચેના રસ્તે પસાર થતા સમયે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. બસમાંથી તાત્કાલિક યાત્રાળુઓને બહાર કાઢી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોઈ જાનહાની નહીં :આ ઘટનામાં 42 જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. જોકે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જ જાનહાની ન થઈ હોવાની પણ માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
12 યાત્રાળુ ઈજાગ્રસ્ત: આબુરોડ પોલીસ તેમજ 108 સહિતની આરોગ્ય વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 ની મદદથી તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આબુરોડ પોલીસે લક્ઝરી બસ નદીમાં ખાબકવાની આ સમગ્ર ઘટના મામલે તપાસ આરંભી છે.
- પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, 2 લોકોના મોત
- "મોતની સવારી" કરતા બાળકોના જીવ જાય તો કોની "જવાબદારી"