બનાસકાંઠા :ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જોકે, કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજ તાલુકામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શિહોરી વિસ્તારના વેપારીઓએ એકત્ર થઈને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા કે પાટણ જિલ્લામાં સમાવેશ કરવા માંગ કરી છે.
કાંકરેજમાં વિરોધનો વંટોળ :કાંકરેજના શિહોરી વિસ્તારમાં વેપારીઓએ સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. શિહોરી વિસ્તારના લોકોએ કાંકરેજ તાલુકાને નવા જિલ્લા થરાદ-વાવમાં સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવીને કાંકરેજ શિહોરીના બજારો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.
શું છે જનતાની માંગ ?કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારના લોકોનું કહેવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે તે નિર્ણય પરત ખેંચે. કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં છે, તો તેને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવા માટે માંગ કરી છે. જો કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવો હોય તો નજીકમાં જ પાટણ જિલ્લામાં તેનો સમાવેશ કરવાની પણ તેમને માંગ કરી છે.