બનાસ નદીના કાંઠે સ્થિત બાલારામ મહાદેવ મંદિર (ETV Bharat Reporter) બનાસકાંઠા :અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલી છે બાલારામ નદી. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ નદી બનાસકાંઠાની શાન છે અને આ જ નદીના કિનારે આવેલું છે, બાલારામ મહાદેવનું પ્રાચીન મંદિર. ખૂબ જ પૌરાણિક એવા મંદિરમાં દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જિલ્લા સહિત આંતર જિલ્લા અને રાજ્યભરમાંથી અહીં ભક્તો આવીને મનોકામના માંગે છે.
ભક્તોની અતૂટ આસ્થા (ETV Bharat Reporter) બાલારામ મહાદેવનો રસપ્રદ ઈતિહાસ :કહેવાય છે કે. કપરા દુષ્કાળના સમયમાં લોકોને પાણી ન મળતા પોતાના જ બાળકોનું લોહી પી જતા હતા. તે સમયે એક મુસાફર પરિવાર પાણીની શોધમાં પોતાના બાળકો સાથે આ સ્થળે આવી પહોંચ્યો અને પોતાના બાળકોને આ સ્થળે ઘનઘોર જંગલમાં મુકીને જતો રહ્યો. નાના બાળકો અહીં પાણી માટે ટળવળતા હતા ત્યારે મહાદેવ ભોળાનાથે બાળકના સ્વરૂપમાં આવીને આ બાળકોને પાણી પીવડાવ્યું અને તેમને જીવતદાન આપ્યું.
શિવલિંગ પર અવિરત અભિષેક (ETV Bharat Reporter) શિવલિંગ પર અવિરત અભિષેક :બસ તે જ દિવસે અહી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ્યું અને તેમાંથી પાણીની ધારા સતત વહ્યા કરે છે. આ પાણી ક્યાંથી અને કેવી રીતે આવે છે તે રહસ્ય કોઈ જ શોધી શક્યું નથી. ભગવાન મહાદેવ બાળ સ્વરૂપમાં આવતા આ જગ્યાનું નામ બાલારામ પડ્યું. બાલારામમાં આવેલ શિવલિંગ પર સતત ચોવીસ કલાક અવિરત જળનો અભિષેક થાય છે.
ભક્તોની અતૂટ આસ્થા:બાલારામ મહાદેવ મંદિરના પૂજારી ગોવિંદભાઈ ભટ્ટે જણાવ્યું કે, બાલારામ મંદિર બહુ પ્રાચીન છે. અહીં ભગવાન શંકર ખુદ બાળ સ્વરૂપમાં પ્રગટ થયા અને અહીં ટળવળતા બાળકોને જમીનમાંથી પાણી નીકાળીને પીવડાયુ હતું. તેથી આ સ્થળનું નામ બાલારામ પડ્યું. અહીં શિવલિંગ પર અવિરત પાણીની ધારા વહે છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને મનોકામના માંગે છે. મહાદેવ તેમની ઈચ્છા પૂરી કરે છે.
સંતાન પ્રાપ્તિ થતી હોવાની આસ્થા :શ્રાવણ માસ દરમિયાન ભક્તો અહીં આવીને મહાદેવના શિવલિંગ અને પોઠીયા પર બીલીપત્ર ચઢાવે છે. કહેવાય છે કે અહીં ભગવાને બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હોવાથી સંતાન વિનાના દંપતીને અહીં માનતા માનવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં અહીં મહાદેવના વાહન સમાન પોઠીયાના કાનમાં બોલવાથી પણ મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે.
255 કિલોનો ઘંટ :બાલારામ મહાદેવના પરચા જગવિખ્યાત છે. અનેક ભક્તોના દુઃખ મહાદેવે દૂર કર્યા હોવાથી લોકોને મહાદેવ પર અતૂટ આસ્થા છે. એક ભક્ત દ્વારા આ મંદિરને 255 કિલોનો ઘંટ અર્પણ કરવામાં આવ્યો, જે ઘંટના અવાજથી આજુબાજુનું વાતાવરણ મંત્રમુગ્ધ બની જાય છે. કપરા જળ સંકટ અને દુષ્કાળમાં પણ ગૌમુખમાંથી અવિરત પાણી વહેતું રહે છે.
બાલારામ નદીમાં સ્નાનનો મહિમા :બાળ શિવના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થતા હોવાની આસ્થાના લીધે લોકો મોટી સંખ્યામાં બાધા અને આંખડી પણ રાખે છે. બાલારામ નદીમાં સ્નાન સાથે પૂજાનો પણ વિશેષ મહિમા છે. રમણીય સ્થળ હોવાના કારણે બાલારામ મહાદેવમાં પિકનિક મનાવવા પણ વરસે દહાડે લોકો આવે છે. દર વર્ષે લાખો ભક્તો ચમત્કારી બાલારામ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
- પાંડવોએ સ્થાપેલ ગંગેશ્વર મહાદેવનો ઈતિહાસ, સાગર કરે છે મહાદેવનો અભિષેક
- અખંડ જ્યોત અને ઘીના અખૂટ ભંડારનું ધની, ખેડાનું કામનાથ મહાદેવ મંદિર