દમણ: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બુધવારે ભરતીના સમયે દરિયો તોફાની બન્યો હતો. દરિયાકાંઠે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સાંજના સમયે ભરતી વખતે ઉછળતા મોજાનું પાણી દરિયા કિનારે બનાવેલ સુંદર નમો પથ પર ફરી વળ્યું હતું. ભારે પવન સાથે ઉછળતા મોજાની થાપટે નમો પથ પર લગાડેલી ટાઇલ્સને ઉખાડી નાખી હતી. તો, બીચને સમાંતર બનાવેલ માટીના ઢોળાવનું પણ ધોવાણ થયું હતું. જેને કારણે સુંદર બીચ બદસુરત બનેલો જોવા મળ્યો હતો.
દમણના દરિયાનું રોદ્ર સ્વરુપ, મહાકાય મોજાઓએ બીચની સુંદરતા બગાડી - sea of daman
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે બનેલા સુંદર બીચની સહેલગાહ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે, આ ચોમાસામાં ભારે વરસાદ અને દરિયો તોફાની બનતા ઉછળેલા મહાકાય મોજાએ આ સુંદર બીચને ભારે નુકસાન પહોંચાડ્યું છે., જાણો સમગ્ર અહેવાલ... Beach of Daman
Published : Jul 25, 2024, 1:09 PM IST
દરિયાના પાણી સાથે રેતી પણ રસ્તા પર આવી ગઈ હતી. આ અદભુત નજારો જોનારા પ્રવાસીઓમાં રોમાંચનો અનુભવ થતો જોવા મળ્યો હતો. નમો પથ પર દરિયાના ઘૂંટણ સમાં પાણીમાં સહેલાણીઓ છબછબિયાં કરતા જોવા મળ્યા હતાં. જો કે ભારે નુકસાન કરનારા આ દરિયાના મોજાથી દૂર રહેવા પ્રશાસને સહેલાણીઓને અપીલ કરી હતી. તેમજ પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતું. ઊંચા મોજાની થાપટમાં રસ્તા પર આવી ઢગ થયેલ રેતીને હટાવવાની અને પાણીના નિકાલની કામગીરી પ્રશાસનના કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, દમણમાં દેવકાબીચના નમોપથ ઉપર ઊંચા મોજા અને દરિયાના પાણીમાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોજા જોવા માટે સહેલાણીઓની ભીડ ઉમટી હતી. મોટી ભરતીના કારણે નમો પથ ઉપર ટાઇલ્સ તૂટી ગઈ હતી. વીજ કેબલો તૂટી ગયા હતાં. પાણી સાથે રેતી રોડ ઉપર જોવા મળી હતી.