ગુજરાત

gujarat

ETV Bharat / state

એનીટાઈમ-એનીવ્હેર, મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ : કચ્છી દાબેલી, જાણો દાબેલીનો રોચક ઈતિહાસ - Kutchi Dabeli - KUTCHI DABELI

કચ્છ માટે રોટી અને સમગ્ર દુનિયા માટે ડબલ રોટી કચ્છી દાબેલીની સફર ખરેખર રસપ્રદ છે. એક જમાનામાં માત્ર પાઉં અને મસાલાને દબાવીને ખવાતી દાબેલી આજે સમગ્ર કચ્છથી દેશદેશાવરમાં પહોંચી છે. જાણો કચ્છી દાબેલી યાત્રા અને બેજોડ સ્વાદનો ફોર્મ્યુલા

મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ : કચ્છી દાબેલીનો
મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ : કચ્છી દાબેલીનો (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:16 PM IST

કચ્છ : ગુજરાતીઓની મનગમતી વાનગીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ નામ ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ તેની સાથે સાથે ગુજરાતીઓ ચટપટુ ખાવાના તો જબરા શોખીન હોય જ છે. આવી જ એક વાનગી છે જે ન માત્ર કચ્છ, ગુજરાતી કે ભારત, પરંતુ દેશ વિદેશમાં વસતા દરેક સ્વાદ રસિકની અતિપ્રિય વાનગી છે, દાબેલી. દાબેલી નામ સાંભળીને દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી કે ગુજરાતી, દરેકના મોંમાં પાણી આવી જાય છે. જાણો દાબેલીનો રોચક ઈતિહાસ

એનીટાઈમ-એનીવ્હેર, મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ : કચ્છી દાબેલી (ETV Bharat Reporter)

મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ, કચ્છી દાબેલી :કચ્છની ઓરિજનલ દાબેલી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. વિદેશમાં વસતા લોકો તો કાચી દાબેલીના પણ ચાહક છે. દાબેલીને દેશી બર્ગર કહી શકાય. આમ તો કચ્છીઓ પૂરા ભારત અને દેશ વિદેશમાં વસે છે, જેથી કચ્છની દાબેલી ગુજરાતમાં અનેક જગ્યાએ મળી રહે છે. પરંતુ જે સ્વાદ કચ્છની દાબેલીમાં છે તે સ્વાદ અન્ય કોઈ પણ સ્થળે નથી મળતો. હવે તો લોકો ભારતના અન્ય રાજ્યોમાં પણ દાબેલી વહેંચતા થઈ ગયા છે. ખાસ કરીને મુંબઈમાં અનેક દાબેલીના ચાહકો છે.

ચટપટી ચીજોનો કોમ્બો :કચ્છની દાબેલીમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જેમકે બટાકા, ગરમ મસાલો, ડ્રાય ફ્રુટ, લીલી દ્રાક્ષ, ચેરી, ટુટીફ્રુટી, ટોપરાની ખમણ વગેરેનું મિશ્રણ કરીને પાઉંની વચ્ચે ભરવામાં આવે છે. તેમજ સાથે લસણની ચટણી અને ખજૂરની ખાટીમીઠી ચટણી પર નાખવામાં આવે છે. ત્યારબાદ ઉપરથી સેવ અને કાચી ડુંગળી પણ ભભરાવામાં આવે છે. કચ્છમાં પ્રથમ વખત જો કોઈ વ્યક્તિ આવે અને દાબેલી જોશે તો તેને બર્ગર જેવું લાગશે, તો કોઈને વડાપાઉ જેવું લાગશે. પરંતુ દાબેલીનો સ્વાદ તો એકદમ અલગ જ હોય છે. દાબેલી તો કચ્છી લોકોનું એનીટાઈમ, એનીવ્હેર મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.

દાબેલીના બેજોડ સ્વાદનો ફોર્મ્યુલા (ETV Bharat Reporter)

દાબેલીનો રોચક ઈતિહાસ :કચ્છી દાબેલીના ઇતિહાસની વાત કરવામાં આવે તો કચ્છના માંડવીના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌ પ્રથમવાર આ વાનગી બનાવી હતી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. કચ્છી દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે. આજથી 22 વર્ષ પહેલા દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે કચ્છી દાબેલીનો ભાવ અલગ-અલગ વેરાયટી મુજબ 15 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો છે.

દાબેલીના બેજોડ સ્વાદનો ફોર્મ્યુલા :કોઈ પણ કચ્છી કે ગુજરાતી વાનગી હોય, તેના સ્વાદમાં થોડી મીઠાશ તો હોય જ છે. દાબેલીની વિશેષતા પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, ઉપરાંત તેમાં નાખવામાં આવતી ચટણી કે જે દાબેલીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. તેમાં આંબલી, ખજૂર, લસણ અને લાલ મરચા સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. બાદમાં દાબેલી પર સેવ ભભરાવવામાં આવે છે, જેનાથી તે ક્રન્ચી લાગે છે. ઉપરાંત અમુક લોકો કાચી ડુંગળી પણ સાથે નખાવતા હોય છે, જેનો સ્વાદ પણ અનેરો હોય છે.

વિશ્વભરમાં દાબેલીનો દબદબો :ઉલ્લેખનીય છે કે, પહેલાં તો માટે એક સાદી દાબેલી જ મળતી હતી. પરંતુ હવે જૈન દાબેલી, જમ્બો દાબેલી, કેળાવાળી દાબેલી, ચોકલેટ દાબેલી, ચીઝ દાબેલી, ભેળવાળી દાબેલી, બટર દાબેલી, સેઝવાન દાબેલી, ગાર્લિક દાબેલી, મીની દાબેલી, સેન્ડવીચ દાબેલી, આઈસ્ક્રીમ દાબેલી વગેરે જેવી અવનવી આઇટમો દાબેલીના ચાહકોને મળી રહે છે. આમ આજે દાબેલીના ભાવ બદલ્યા છે, સ્વરૂપ બદલ્યા છે, પરંતુ તેના ચાહકોનો દાબેલી પ્રત્યેનો ક્રેઝ બરકરાર રહ્યો છે.

ચટપટી ચીજોનો કોમ્બો (ETV Bharat Reporter)

ગ્રાહકનું દિલ ખુશ કરી નાખે છે દિલખુશ દાબેલી :

વર્ષ 1985માં ખાવડામાં પોતાનો દિલખુશ દાબેલીનો ધંધો શરૂ કરનાર ધીરુભાઈ ચંદેએ જણાવ્યું કે, કચ્છમાં દાબેલીનો ખૂબ ક્રેઝ હતો. ખાવડામાં તે સમયે કોઈ દાબેલીવાળો નહતો, ત્યારે મેં દાબેલીનો ધંધો શરૂ કર્યો. ત્યારબાદ વર્ષ 1992માં ભુજ આવ્યા અને ત્યારથી દાબેલીનો ચસ્કો લોકોને લાગ્યો છે. ભુજમાં સૌપ્રથમ અમુલ બટરમાં દાબેલી બનાવવાની શરૂઆત કરી હતી. સાથે જ બોક્સમાં પાર્સલ કરી આપવાની સુવિધા પણ શરૂ કરી હતી.

આજે ધીરુભાઈ બટર દાબેલી, ચીઝ દાબેલી, ઝંબો દાબેલી, આઈસ્ક્રીમ દાબેલી અને કડક પોતે જાતે બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે. તેમાં પણ તેઓ જ્યારે દાબેલીને ગરમ કરવા શેકે, ત્યારે હવામાં દાબેલી ઉછાળીને શેકે છે, આમ અનોખી રીતે ગ્રાહકોને દાબેલી સર્વ કરે છે. લોકો ધીરુભાઈની દાબેલીના ચાહક છે અને ગ્રાહકનું દિલ ખુશ કરી નાખે છે. ધીરુભાઈની દાબેલી ખાવા લોકો દૂર દૂરથી આવે છે, સાથે જ ધીરુભાઈ દાબેલીનો મસાલો પણ જાતે બનાવે છે. ધીરુભાઈની દીકરીએ આઈસ્ક્રીમ દાબેલી બનાવવાનો વિચાર આપ્યો હતો.

ભાવ બદલાયા પણ સ્વાદ યથાવત :વર્ષ 1975માં દાબેલીનો ધંધો શરૂ કરનાર અને માંડવી દાબેલીથી પ્રખ્યાત તુલસીદાસ સેજપાલે જણાવ્યું કે, 1975માં દાબેલીની શરૂઆત કરી હતી. તે સમયે 30 પૈસાની એક દાબેલી વેચતા, જ્યારે આજે ભાવ 15 રૂપિયા છે. આજે પણ દાબેલીનો મસાલો, મસાલા સિંગ, ચટણી અને બટાકાની ભાજી તુલસીદાસ પોતાના હાથે બનાવે છે. જેથી વર્ષ 1975 થી આજ સુધી તેમની દાબેલીનો સ્વાદ એનો એ જ રહ્યો છે.

દાબેલી મસાલો :કચ્છી દાબેલી આમ તો હવે દરેક શહેરમાં મળી જાય છે. શેરીએ શેરીએ હવે દાબેલી વેચતા વેપારીઓની લારીઓ જોવા મળતી હોય છે. પરંતુ કચ્છની દાબેલીમાં જે સ્વાદ લોકોને મળે છે તે અન્ય જગ્યાએ નથી મળતો. કચ્છ ફરવા આવતા લોકો કચ્છી દાબેલીની મોજ તો માણે જ છે, સાથે સાથે તેનો મસાલો પણ પાર્સલ કરીને ઘરે દાબેલી બનાવવા માટે લઈ જતા હોય છે. દર વર્ષે લોકો કેટલી દાબેલી આરોગી જતાં હશે તેની તો કલ્પના જ ન કરી શકાય. પરંતુ અંદાજે વાર્ષિક કરોડો રૂપિયાની દાબેલી ખવાઈ જતી હોય છે.

  1. કચ્છની દાબેલી 1964થી આજે આઈસ્ક્રીમ દાબેલી સુધીની સફર
  2. જાણો કચ્છીઓના ફેવરિટ સ્ટ્રીટ ફૂડ દાબેલી વિશે

ABOUT THE AUTHOR

...view details