અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા દીપડાનું ઘટના સ્થળે મોત થયું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડીયા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે આવેલો છે. આ સોમનાથ નેશનલ હાઇવે પર સ્પીડમાં વાહનો ચાલતા હોય છે. જે દરમિયાન રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલા દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા દીપડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
દીપડાના મૃતદેહનો કબજો મેળવ્યો:આ ઘટનાની જાણ રાજુલા વન વિભાગના RFO તેમજ અન્ય વર્ણ કર્મચારીને થઈ હતી. જેથી વન વિભાગના મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ દીપડાના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. દીપડાના મૃતદેહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મધ્ય રાત્રે આ દીપડાનું મોત થતા વન વિભાગ દ્વારા વાહન ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.