અમરેલી :વરસાદના કહેરથી અમરેલી જિલ્લામાં ખેતીપાકોને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય તેમ છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખેતીપાકો વરસાદના કારણે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે, જેના પગલે પશુઓ માટે ઘાસચારો પણ ના રહે તેવી વિકટ સ્થિતિ નિર્માણ પામી છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ETV Bharat ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે નજરે પડ્યો નષ્ટ થઈ ગયેલો પાક...
વરસાદથી પાકને વ્યાપક નુકસાન :અતિ ભારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ શું છે તે જાણવા ETV Bharat ટીમ ખેડૂત સાથે ટ્રેક્ટર દ્વારા વાડી ખેતરે જવા નીકળી. ખેતીપાકની સ્થિતિ પર નજર કરી તો જોવા મળ્યો 45 વિઘામાં સાવ નષ્ટ થઈ ગયેલો મગફળીનો પાક. તો 10 વિઘામાં સોયાબીનનો પાક પાણીમાં પલળી જતા નષ્ટ થયા છે. કપાસના પાકમાં જીંડવા પણ ફાલ આવીને નીચે ખરી પડ્યા છે.
ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું (Etv Bharat Gujarat) પશુઓ માટેનો ઘાસચારો નષ્ટ :આ સાથે જ પશુઓ માટેનો ઘાસચારો પણ સાવ નષ્ટ થઈ ગયો હતો. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ ખેડૂતો કરી રહ્યા છે. મગફળીના પાથરા વરસાદી પાણીમાં વાડી ખેતરમાંથી બહાર કાઢી રાખ્યા બાદ વરસાદી કહેરમાં ખેતીપાકોને વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે.
ખેતમજૂરોની વિકટ સ્થિતિ :એક તરફ સારા વરસાદ બાદ ખેડૂતોને આ વર્ષે સારો નફો થવાની શક્યતા હતી. ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી હતી. પણ છેલ્લા 15 દિવસથી પડી રહેલા વરસાદે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જૂટવી લીધો છે. બહારથી ખેત મજૂરી માટે આવતા પરપ્રાંતીય મજૂરો માત્ર ખેતી પાક પર નિર્ભર હોવાથી પણ પાછોતરા વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે.
સર્વે સાથે સહાયની માંગણી :અમરેલી જિલ્લામાં ખેતીપાકો માટે વરસાદી આફત કહેર બનીને ત્રાટકી છે. પાકને થયેલું વ્યાપક નુકસાન બાબરા સાથે આખા અમરેલી જિલ્લામાં જોવા મળ્યું છે. સ્થાનિક ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સર્વે સાથે સહાયની માંગણી કરી રહ્યા છે. સરકાર હવે અમરેલી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક સહાય કરે તેવી આશા બાંધીને બેઠા છે.
- ચોમાસું ખેડૂતોને રડાવી ગયું, અમરેલી પંથકમાં ખેતીપાકનો સોથ વાળ્યો
- ધોધમાર વરસાદે કર્યું ખેડૂતોનું મોટું નુકસાન: અમરેલીમાં ખેતીપાક નિષ્ફળ