વડોદરા :હાલમાં જ વડોદરા નજીક ગેસ લીક થયાનો બનાવ બન્યો છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ગેસ ટેન્કરમાંથી સાંકરડા નજીક ગેસ લીક થયો હતો, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી. ટેન્કરમાંથી એમોનિયા ખાલી થાય નહીં ત્યાં સુધી પાણી મારો શરૂ રાખ્યો હતો.
વડોદરા નજીક એમોનિયા ગેસ લીકેજ :આ અંગે મળતી માહિતી પ્રમાણે રણોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એમોનિયા ભરેલુ એક ટેન્કર બ્રિજ નીચેથી સાંકરડા તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ટેન્કરનો એક ભાગ બ્રિજ સાથે અથડાતા એમોનિયા ગેસ લીકેજ થવાની શરૂઆત થઇ હતી. ગેસ લીકેજ થવાનું શરૂ થતાં આસપાસમાં રહેતા અને પસાર થતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઈ હતી. ટેન્કરમાંથી ગેસ નીકળવાનું શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરા નજીક એમોનિયા ગેસ લીકેજ: એક્સપ્રેસ હાઈવે પર અફરાતફરી (ETV Bharat Gujarat) ફાયર વિભાગ દ્વારા રેપીડ એક્શન :સમગ્ર ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં વાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી. સમગ્ર બનાવ અંગે માહિતી મળતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ ઘટનાસ્થળે દોડી આવ્યા અને સમગ્ર સ્થિતિ જોતા જ મેજર કોલ જાહેર કરી વધુ પાણીની ટેન્કરો અને સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો છે. અઢી કલાકની કામગીરીમાં 25થી 30 ટેન્કર ભરી પાણીનો મારો ચલાવાયો અને સમગ્ર ઘટનાને થાળે પાડી હતી.
આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી :જાણવા મળતી માહિતી મુજબ બ્રિજના અંડરપાસમાં ભટકાતા ટેન્કર પરનો વાલ્વ તૂટી ગયો અને એમોનિયા ગેસ લીકેજ શરૂ થયો હતો. ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલક ટેન્કરને સર્વિસ રોડ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થવાના કારણે કોઇ ગંભીર ઘટના બની નથી. પરંતુ ઘટનાસ્થળેથી પાંચ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી.
હાઈવેનો વાહનવ્યવહાર બંધ રહ્યો :આ ઘટનાને પગલે નંદેસરી અને છાણી પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સલામતી અને કામગીરીમાં અડચણ ઉભી ન થાય તે માટે વડોદરા-અમદાવાદ તરફ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. સાથે જ સર્વિસ રોડ પણ બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
- વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ, વળતર માટે પરિજનોના વલખાં
- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત