સેલવાસ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના લાભ વિતરણ પણ કર્યા હતા. તેમજ 2370 કરોડના 49 વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો
શિવસેના ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી :આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં સંપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી. કલાબેને સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
2370 કરોડના વિકાસના 49 પ્રોજેક્ટનો શિલાન્યાસ : ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહની 2 દિવસીય મુલાકાત દરમ્યાન તેઓએ વિવિધ રાજકીય આગેવાનો સાથે દમણમાં બેઠક યોજી ચર્ચા કરી હતી. જે બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમમાં લાભાર્થી સંમેલનમાં આગામી લોકસભા ચૂંટણીને લઈ તેના ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકયું હતું. મોદી સરકારમાં કાશ્મીર કલમ 370, રામ મંદિર, વન પેંશન વન નેશન યોજના જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી વિકાસની ગાથા રજૂ કરી હતી. આગામી 2047 સુધીમાં ભાજપ સરકારનો ચંદ્ર પર માનવ અભિયાન, સ્પેસ સેન્ટર, ઓલમ્પિક હોસ્ટ જેવા આયામો સર કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. અમિત શાહે સેલવાસમાં દાદરા નગર હવેલી અને દમણ દિવના વિવિધ 2370 કરોડના વિકાસના 49 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.