ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC ના વર્ગ 3-4ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરવા મહારેલીનું કર્યું આયોજન - AMC SANITATION WORKER

AMC ના કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા આજે કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરવામાં આવે તે મામલે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા  મહારેલીનું આયોજન
કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા મહારેલીનું આયોજન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 11:08 PM IST

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ગ ત્રણ અને ચારના સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા લોકો દ્વારા કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ સાથે મળીને એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ એ લાંબા સમયથી સફાઈ કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવા માટે અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, કમિશનર અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી તેમની સમસ્યાનું નિવારણ આવે તે હતું.

મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ રસ્તા પર ઉતરી આવ્યા: અમદાવાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા લોકો છેલ્લા લાંબા સમયથી પોતાની માંગણીઓને લઈને અસંતુષ્ટિ અનુભવી રહ્યા છે. વારંવાર અલગ અલગ વિભાગોમાં રજૂઆતો પણ કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મેયર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરવા પોતાની માંગણીઓ જણાવવા માટે મોટી સંખ્યામાં આ સફાઈ કર્મીઓ રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા.

કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા મહારેલીનું આયોજન (Etv Bharat Gujarat)

આ છે તેમની મુખ્ય માંગણીઓ:આ સફાઈ કર્મીઓની મુખ્ય માંગણીઓની વાત કરવામાં આવે તો તેઓ જણાવી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તેને સદંતર પણે રદ કરવામાં આવે અને જે તેમનો હક છે તે તેમને આપવામાં આવે. સાથે તેઓ એ પણ વાત કરી રહ્યા છે કે તેઓ જ્યારે નિવૃત્ત થાય અથવા અવસાન પામે તો તેના વારસામાં તેમના પરિવારમાંથી કોઈને નોકરી મળવી જોઈએ જે પ્રથા હાલ બંધ કરી દેવામાં આવી છે તે પ્રથા ફરી લાગુ કરવામાં આવે.

પહેલાના સમયમાં કેરી ગોટલા પ્રથા હતી: કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘના પ્રમુખ જયંતી મકવાણા જણાવે છે કે, 'પહેલાંના સમયમાં કેરી ગોટલા પ્રથા હતી. કોઈ સફાઈકર્મી બીમાર પડે કે રજા ઉપર જાય તો તેની જગ્યાએ તેના પરિવારમાંથી કોઈ વ્યક્તિ તેની ફરજ નિભાવે પરંતુ તે પ્રથા હાલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી છે આના કારણથી જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઘૂસી ગઈ છે.'

વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સાંભળતું નથી: કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘના મહામંત્રી નરેશ પરમાર ETV Bharat સાથે વાત કરતા જણાવે છે કે, 'લાંબા સમયથી આ સફાઈ કર્મીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં આવેદનપત્ર આપવા છતાં કોઈપણ વ્યક્તિ આ સફાઈ કર્મીઓની વાત સાંભળવા તૈયાર નથી.'

"વડાપ્રધાન સફાઈકર્મીના પગ ધુવે છે પરંતુ કોર્પોરેશન આમને પૂછતું પણ નથી" - નરેશ પરમાર (મહામંત્રી, કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘ)

સગા ભાઈ એક બીજાને અડવા તૈયાર નહતા ત્યારે અમે મળ-મુતર સાફ કર્યા છે: કેટલાક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે,'કોરોનાના કપરા સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ એકબીજાને અડવા માટે તૈયાર ન હોતું. સગો ભાઈ સગા ભાઈને અડતો ન હતો ત્યારે આ સફાઈકર્મીઓ દ્વારા કોઈ પણ પ્રકારની આનાકાની વગર સ્વચ્છતા રાખી લોકોના મળ-મૂત્ર સાફ કરી દેશને આ મહામારીમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે આજે આ સફાઈકર્મીઓ પોતાની હકની માંગણી કરી રહ્યા છે તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી.'

"કોરોનામાં નકરૂ ગંદુ કામ કર્યું અમને શું મળ્યું ? કશું જ નહિ... ત્યારે બધા કોન્ટ્રાક્ટ વાળા ક્યા ગયા હતા? મોતમાં અમે બધું કામકાજ કરતા હતા." - કોકિલાબેન સોલંકી (AMC, સફાઈકર્મી)

"અમે કોરોનાથી ડર્યા નહતા ત્યારે આ છોટાહાથી વાળા કોઈ નતા દેખાયા, હવે દેખાય છે." - દક્ષાબેન રાવલ (AMC, સફાઈકર્મી)

અમારું બધું બંધ કરી દીધું, બોનસ પણ બંધ કરી દીધું:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ સફાઈકર્મી તરીકે કામ કરતા ભાનુબેન વાઘેલા ETV Bharat સાથે વાત કરતા જણાવે છે કે, "કેટલા વર્ષોથી રજૂઆતો કરી છે, અમારું બોનસ પણ બંધ કરી દીધું છે, બધું બંધ કરી છે અમારું..."

AMCના સફાઈ કર્મચારી ગેનીબેન મકવાણા જણાવે છે કે,"કોરોનાના ટાઈમે કોન્ટ્રાક્ટ ક્યાં ગયું હતું કે અત્યારે કોન્ટ્રાક્ટ લાવી દીધો છે ? ગટરમાં ઉતારવા માટે કેમ અમારા સમાજને બોલાવે છે ? ત્યાં અન્ય સમાજને બોલાવવા હતા ને ..."

પોતાની સમસ્યા જણાવતા અને રુદન કરતા રામીબેન નામના વૃદ્ધ મહિલા ETV Bharat સાથે વાત કરતા આ સફાઈ કર્મીઓની વેદના અને સમસ્યા જણાવે છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ આ કામ કરવા તૈયાર ન હતું ત્યારે માત્ર અમારો સમાજ હતો કે જે સફાઈ કરતો હતો. વધુમાં તેઓ જણાવે છે કે "ટોપલે ગુ ઉપાડીને અમે ભર્યું છે, સારું કામ આવ્યું તો કોન્ટ્રાક્ટ યાદ આવ્યો"

રામીબેને એ પણ જણાવ્યું કે "કૂતરું મરી જાય કે બલાડું મરી જાય તો પણ એમને તરત બોલાવવા આવે ત્યારે કોઈપણ કોન્ટ્રાક્ટવાળો વ્યક્તિ તો આવતો નથી."

કોર્પોરેશનના ગેટ બંધ કરી ભીડને અંદર પ્રવેશતા રોકી દેવામાં આવી:જ્યારે આ બધા લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવા પોતાની સમસ્યા જણાવવા પહોંચ્યા હતા. ત્યારે અગાઉથી જ કોર્પોરેશન બિલ્ડિંગના તમામ દરવાજાઓ બંધ કરી આ લોકોને બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. આ જોઈને કર્ણાવતી મહાનગરપાલિકા મજદૂર સંઘના પ્રમુખ જયંતીભાઈ મકવાણા ETV Bharat સાથે વાત કરતા જણાવે છે કે "આજે અમારો આત્મા દુખ્યો છે, એવા તો અમે કેવા છીએ કે અમારા આવવાના સમાચાર સાંભળી કૉર્પોરેશનના દરવાજા બંધ કરી દે છે."

મેયર, કમિશનર કોઈ હાજર ન હતું ડે. કમિશનરને આવેદન અપાયું: થોડા સમય બાદ અંદરથી પરમિશન મળતા ચારથી પાંચ વ્યક્તિઓને અંદર મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા. કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર કોઈ વ્યક્તિ હાજર નથી તેવી માહિતી તેમને આપવામાં આવી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ સાથે તેમની મુલાકાત થઈ હતી અને તેમને આવેદનપત્ર આ લોકો દ્વારા આપવામાં આવ્યું હતું. જોકે આ આવેદનપત્ર મળ્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ મીડિયા સામે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે તૈયાર ન હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આ વખતે શું ખાસ હશે? એન્ટ્રી માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન
  2. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને મળ્યો ‘GI ટેગ’

ABOUT THE AUTHOR

...view details