ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં MBA વિદ્યાર્થીની હત્યાનો મામલો, પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો, 450 CCTV ફંફોળ્યા - AHMEDABAD MBA STUDENT MURDER

અમદાવાદના બોપલમાં MBA વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે.

MBA વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો
MBA વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 5:33 PM IST

અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. સોમવારની રાતે બોપલ વિસ્તારમાં કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા કાર ચાલકે વિદ્યાર્થીને છરીના ઘા ઝિંક્યા હતાં અને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તેનો મિત્ર અને એક મહિલાએ 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેની કારમાં લોહીથી લથપથ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય મૃતક વિદ્યાર્થીનું નામ પ્રિયાંશુ જૈન હતું અને તે MICA કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાશી હતો અને શેલાની હોસ્ટેલમાં રહેતો હતો. મૃતક વિદ્યાર્થીના હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવીને આગળની તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના:

રવિવારની રાતે મૃતક પિયાંશુ અને તેનો મિત્ર બુલેટ પર બોપલ ફાયર સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલક સાથે ચાર રસ્તા પર ટર્ન લેવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મામલો બિચકતા કાર ચાલકે છરી વડે વિદ્યાર્થી પ્રિયાશું પર હુમલો કર્યો હતો જેમાં પ્રિયાંશુને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોડી રાતે મૃત્યું થયું હતું.

મિત્રએ આરોપીનું કર્યુ વર્ણન

મૃતકના પ્રિયાંશુના મિત્રના જણાવ્યા અનુસાર પ્રિયાંશુ પર ચાકુથી હુમલો કરનાર શખ્સ કાળા કલરની કારમાં આવ્યો હતો અને તેણે બંને કાનમાં કડી પહેરી હતી, માથા પર જીણા વાળ અને આશરે 5 ફુટ 10 ઈંચ જેટલી હાઈટ ધરાવતો હતો. ફરિયાદના આધારે બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે, જોકે, હજી સુધી અજાણ્યા કાર ચાલકની પોલીસ ઓળખ કરી શકી નથી. વધુમાં બોપલ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીનો સ્કેચ જાહેર કરીને આ વ્યક્તિ કે તેના જેવા દેખાતા વ્યક્તિ વિશે કોઈપણ પ્રકારની માહિતી મળે તો બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.

પોલીસ લાગી આરોપીની તપાસમાં: આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ટી. ગોહિલ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે "શેલામાં આવેલી માઇકા કોલેજમાં MBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 23 વર્ષીય યુવક પ્રિયાંશુ જૈન રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. આ બાબતે અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી ઘટના કેવી રીતે બની હતી તે બાબતે ઘટના સ્થળના આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

પોલીસે 400થી 450 CCTVની કરી તપાસ

''અમે 400 થી 450 સીસીટીવી કેમેરાની તપાસ પણ કરી છે, પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબની કોઈ કાર હજુ સુધી અમને મળી આવેલ નથી'' - બી. ટી. ગોહિલ, PI, બોપલ પોલીસ સ્ટેશન

મૃતકના પરિવાર અને મિત્રોમાં શોક:

23 વર્ષીય પ્રિયાશું જૈનના પિતા પંકજ જૈન મેરઠમાં એક વ્યવસાયી છે. સંતાનમાં તેમને એક દિકરો પ્રિયાશું અને એક દિકરી છે આમ પ્રિયાંશુ તેમનો એક માત્ર દિકરો હતો. પ્રિયાંશુ અમદાવાદની માઈકા કોલેજમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના આકસ્મિક મોતથી તેના પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ ગયાં છે. પ્રિયાંશુના પરિવારજનો અને મિત્રોએ આરોપીને વહેલી તકે ઝડપવામાં આવે અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

  1. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતથી ઉહાપોહ, લોકોએ કરી તોડફોડ
  2. વડોદરામાં કોયલી નજીક રિફાઇનરી બ્લાસ્ટમાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details