અમદાવાદ : પ્રિ-મોન્સુન તૈયારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થા માટેની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ પછી આરોગ્ય, વીજળી તથા પાણી પુરવઠો તાત્કાલિક મળી રહે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
પૂર પહેલાં પાળ બાંધી :પ્રિ-મોન્સુન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર તથા રાહત બચાવ કામગીરી માટે આગોતરું આયોજન કરી શક્ય તેટલી ઝડપથી કામગીરી થાય તે મુદ્દે જરૂરી સૂચનો કર્યા હતા.
ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ અમદાવાદ કાર્યરત છે. આ ઉપરાંત ખાસ કરીને આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર સ્થળ પર પણ જરૂરી તૈયારી કરવા સૂચન કરવામાં આવ્યા છે. -- પ્રવીણા ડી.કે. (અમદાવાદ જિલ્લા કલેકટર)
તમામ વિભાગોને સૂચન :આ ઉપરાંત કલેકટર દ્વારા જે-તે સંબંધિત વિભાગના અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પૂર્વ તૈયારી સાથે એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી.પ્રજાજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા ઉપરાંત આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ફાયરબ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી હતી. તમામ તાલુકાના પ્રાંત અધિકારી તથા મામલતદારને સ્થાનિક લેવલે આગોતરું આયોજન કરી પ્રિ-મોન્સૂન પ્લાન બનાવવા સૂચન કર્યા હતા.
કોણ કોણ હાજર રહ્યા ? આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા જે-તે સંબંધિત વિભાગના અધિકારીઓ, ડિઝાસ્ટર વિભાગ મામલતદાર, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- "પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ" : ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ
- AMC દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી શરૂ. 110 સ્થળ પર કામગીરી થઇ પૂર્ણ - AMC Pre Monsoon