અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. શહેરમાં બોપલ વિસ્તારમાં બે, જ્યારે ચાંદખેડા, નહેરૂનગર, કાગડાપીઠ સહિતના વિસ્તારમાં એક-એક હત્યાના બનાવ સામે આવ્યા છે. ક્યાંક વાહન ધીમે ચલાવવા જેવી બાબતે ત્યાં ક્યાંક વીડિયોમાં કમેન્ટ કરવા જેવી બાબતે હત્યાના બનાવો બન્યા છે. દિવાળી બાદ 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીના 10 દિવસમાં જ રાજ્યમાં હત્યાના 5 બનાવો બન્યા છે. તો બીજી તરફ પોલીસ કમિશનરનું કહેવું છે કે, રાજ્યમાં ક્રાઈમ રેટ નીચે આવ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કેવા કેવા હત્યાના બનાવો બન્યા વાંચો આ અહેવાલમાં...
અમદાવાદ શહેર પોલીસ કમિશનર (ETV Bharat Graphic) કાગડાપીઠમાં યુવકની હત્યા
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં પણ જયંત પંડિતનગર પાસે તલવારના ઘા ઝિંકીને યુવકની હત્યા કરી નાખવાની ઘટના બની હતી. ઘટનાને અંજામ આપીને 3 લોકો ફરાર થઈ ગયા હતા. જે બાદ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થઈ ગયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ હુમલાની ઘટનાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
બોપલમાં MICAના વિદ્યાર્થીની હત્યા
બોપલમાં માઈકાના MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની કાર ધીમી ચલાવવા જેવી બાબતે ઠપકો આપવા હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાનો આરોપી બીજુ કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ ખુલ્યું છે. આરોપી વિરેન્દ્રસિંહની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આરોપી પોલીસકર્મીની પુછપરછ બાદ ઘટનાને લઈને સામે આવેલી માહિતી મીડિયાને જણાવી હતી.
બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલ (ETV Bharat Gujarat) બોપલમાં NRIની હત્યા
શહેરના બોપલ પોલીસ સ્ટેશનની હદમાં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા જમીન દલાલ NRI દીપક પટેલની હત્યા કરાયેલી લાશ મળી હતી. શહેરના ગોધાવી-મણીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક માથામાં પથ્થરના ઘા ઝિંકીને તેમની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસની તપાસમાં મૃતકના ધંધાકીય પાર્ટનર પર જ હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે.
ચાંદખેડામાં ગેંગવારમાં એક વ્યક્તિની હત્યા
ગત 13 નવેમ્બરના રોજ સવારે 11:15 વાગ્યા આસપાસ શહેરના મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ પાર્ક કોમ્પલેક્ષની સામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને ઝગડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા સરદારજી ગોપાલ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એક સમાજના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર મહિલા વિશે કોમેન્ટ કરવા જેવી બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં સામ સામે પક્ષમાં મારામારી થતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 1 વ્યક્તિનું મોત થઈ ગયું હતું.
ચાંદખેડામાં હત્યાના બનાવમાં પકડાયેલા આરોપી (ETV Bharat Gujarat) નહેરૂનગરમાં ફાયરિંગમાં શાકભાજી વિક્રેતાની હત્યા
શહેરના નહેરુનગર વિસ્તારમાં ગત 16 નવેમ્બરના રાત્રે શાકભાજીના વેપારી પર બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત થઈ ગયું હતું. ફાયરિંગની સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ખાસ વાત એ છે કે આ પહેલા 14 ઓક્ટોબરે પણ વેપારી પર હુમલો કરાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકના ભત્રીજાએ જ 25 લાખમાં વેપારીની હત્યાની સોપારી આપી હતી.
અમદાવાદમાં ક્રાઈમ રેટ વિશે પોલીસ કમિશનરે શું કહ્યું?
જોકે હત્યાના આ બનાવો છતાં અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે, 2024ના 10 મહિનામાં 73 હત્યાના બનાવ બન્યા છે. પાછલા વર્ષે 10 મહિનામાં 97 હતા. હત્યાના બનાવમાં 24.7 ટકાનો ઘટાડો થયો છે. આવી જ રીતે હત્યાના પ્રયાસના હાલ 74 કેસ છે, પાછલા વર્ષે 92 કેસ હતા. આમ 19.5 ટકાનો ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ક્રમિનિલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, સાયબર ક્રાઈમમાં થોડો વધારો થયો છે, બાકી ક્રાઈમ કાબૂમાં છે.
આ પણ વાંચો:
- ખ્યાતિ હોસ્પિટલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈઃ પોલીસ કમિશનર
- ભેજાબાજોની તિકડમ: 15 દિવસમાં બનાવી નાખી ટોકિઝમાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં છાપ્યું CP-JCPનું નામ