વાપી:છેલ્લા એક અઠવાડિયાથી વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવાની લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બુધવારે કેબિનેટ બેઠકમાં મળેલી મંજૂરી બાદ વાપી નગરપાલિકાને ઓફિશિયલી મહાનગરપાલિકા જાહેર કરવાની જાહેરાત થતા જ અનેક લોકોએ તેને આવકાર આપ્યો છે. જ્યારે પાલિકાના સમાવવામાં આવનારા 11 ગામના લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો છે.
11 ગામોના લોકોમાં મહાનગરપાલિકામાં સમાવવા સામે વિરોધ
11 ગામોમાં મહાનગરપાલિકામાં સમાવવા સામે અગાઉથી જ વિરોધ હતો તો, વાપીને મહાનગરપાલિકાની જાહેરાત થતાની સાથે જ મોડી રાત્રે મોરાઈ ગ્રામ પંચાયતમાં 2000 વધુ લોકોનું ટોળું ગ્રામ પંચાયતની બહાર વિરોધ કરતા આખી રાત બેસી રહ્યું હતું. લોકોએ જણાવ્યું કે, 'જીવ જશે તો વાંધો નથી, પરંતુ મહાનગરપાલિકામાં અમારું ગામ અમે સમાવા નહીં દઈએ વિરોધ ચાલુ રાખીશું.'
નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ જાહેરાતને આવકાર આપ્યો
વાપી મહાનગરપાલિકાની જાહેરાત થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ છે. ત્યારે નગરપાલિકાના વિપક્ષના સભ્યો ખાસ કરીને કોંગ્રેસી સભ્યો દ્વારા ઉપરોક્ત જાહેરાતને આવકાર આપવામાં આવ્યો છે. વિપક્ષના સભ્ય ખંડુભાઈ પટેલના જણાવ્યા અનુસાર અગાઉ, નગરપાલિકામાં જ્યાં ઓછી ગ્રાન્ટ અને ઓછું ફંડ આવતું હતું જેને લઇને અનેક વિકાસના કામો રૂંધાઈ રહ્યા હતા. જે હવે મહાનગરપાલિકા બનતા સાથે દરેક વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતોનો સર્વાંગી વિકાસ થશે.
નોટિફાઇડ એરિયાને મહાનગરપાલિકામાં સમાવવા અંગે લોકોની માંગ
વાપી GIDCમાં આવેલા નોટિફાઇડ વિસ્તારને વાપી મહાનગરપાલિકામાં સમાવવામાં આવે એવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. કારણ કે વાપીના ડુંગરા ચણોદ છીરી અને છરવાડા જેવા ગામોની બોર્ડર નોટિફાઇડ વિસ્તારની કેટલાક ક્ષેત્રને અડીને આવેલી છે. જો આ તમામ ગામોને સમાવી લેવામાં આવ્યા હોય તો નોટિફાઇડ વિસ્તારને પણ તેમાં સમાવવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે.