ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ઇટાળવામાં દુઃખદ બનાવ : તળાવમાં ડૂબી રહેલી કિશોરીને બચાવવા જતા મહિલા પણ ડૂબી, બંનેના મોત - Surat accident

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઇટાળવા ગામે દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં તળાવમાં ડૂબી રહેલી એક કિશોરીને બચાવવા ગયેલી મહિલા પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. સ્થાનિકોએ શોધખોળ કરતા બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા.

સુરતના ઇટાળવામાં દુઃખદ બનાવ
સુરતના ઇટાળવામાં દુઃખદ બનાવ (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 4:50 PM IST

સુરત : પલસાણા તાલુકાનાં ઇટાળવા ગામે એક તળાવમાં ન્હાવા ગયેલી રહેલી કિશોરી ડૂબવા લાગી હતી. જોકે કિશોરીને બચાવવા ગયેલા દંપતી પૈકી મહિલા પણ ડૂબી ગઈ હતી. પતિ અન્ય બે બાળકોને બહાર કાઢી લાવ્યો હતો. પરંતુ તેની પત્ની અને અન્ય એક કિશોરીને બચાવી શક્યો ન હતો. મહિલા અને કિશોરીનું ડૂબી જવાથી મોત નીપજતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

તળાવમાં નહાતી કિશોરી ડૂબી :પલસાણા તાલુકાનાં ઇટાળવા ગામે ટાંકી ફળિયામાં રહેતા 44 વર્ષીય અનીતા અરવિંદભાઈ રાઠોડ મજૂરી કામ કરતી હતી. મંગળવારે બપોરના સમયે અનીતા તેમના પતિ અરવિંદ સાથે ગામના તળાવ પાસેથી પસાર થઈ રહી હતી. તળાવમાં પાદર ફળિયામાં રહેતી 13 વર્ષીય શારદા રવજીભાઈ રાઠોડ, 13 વર્ષીય માનસી ગોવિંદભાઈ રાઠોડ અને આયુષ ગોવિંદભાઈ રાઠોડ ગામના તળાવમાં ન્હાઈ રહ્યા હતા. આ દરમિયાન શારદા રાઠોડ તળાવના ઊંડા પાણીમાં નાહવા જતાં તે ડૂબવા લાગી હતી. આથી અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

કિશોરીને બચાવવા જતા જીવ ગુમાવ્યો :અનીતા અને તેમના પતિ અરવિંદ કિશોરીને બચાવવા તળાવમાં કૂદ્યા હતા. જોકે મહિલા પણ સંતુલન ન જાળવી શકતા ઊંડા પાણીમાં ગરક થઈ હતી. જ્યારે અરવિંદ રાઠોડે માનસી અને આયુષને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ ડૂબી ગયેલ શારદા અને અનીતાની શોધખોળ શરૂ કરી હતી. આખરે મોડી સાંજે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપ્યા હતા.

પોલીસ કાર્યવાહી :પોલીસે મૃતક અનીતાના પતિ અરવિંદની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ મિતેષભાઈએ જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતની ફરિયાદ લેવામાં આવી છે. સ્થાનિકોના નિવેદન લઈ આગળની તપાસ કરવામાં આવશે.

  1. પોઈચા પાસે મોટી કરૂણતા, નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો સહિત 8 ડૂબ્યા
  2. તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક શ્રમિકનું મોત, 2 ઘાયલ

ABOUT THE AUTHOR

...view details