ગુજરાત

gujarat

આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય કમિશનરે આપ્યા જરૂરી સૂચનો, વિશેષ ફાયર મોકડ્રીલ યોજાશે - Fire safety

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 2:20 PM IST

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિને અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા વિવિધ સૂચનો આપી હતી.

આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે જરૂરી સૂચનો
આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે જરૂરી સૂચનો (ETV Bharat)

ગાંધીનગર : રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.

આરોગ્ય કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક :આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો અને તેની ચૂસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન આરોગ્ય કમિશ્નર દ્વારા જરૂરી સૂચનો આપ્યા હતા.

ફાયર સેફ્ટી મુદ્દે સૂચન :આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, આરોગ્ય સંસ્થાઓમાં રચના કરવામાં આવેલ ફાયર સેફ્ટી કમિટીને સમયાંતરે ફાયર સેફ્ટી ઓડિટ કરવી, ઇલેક્ટ્રીક લોડ મુજબ અનુરૂપ વાયરીંગ છે કે નહીં તેની ખાતરી કરવી અને પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટના સંકલનમાં રહી ઇલેક્ટ્રિકલ ઓડિટ કરાવવું જરૂરી છે. સાથે જ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ) અને SNCU (સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનિટ) વાયરીંગની ખાસ ચકાસણી કરવી.

દર્દીઓ માટેની વ્યવસ્થા :અશક્ત દર્દીઓ, ICU અને SNCU ના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્ચિત કરવું, ફાયર એક્ઝીટ સંકેત (પોસ્ટર) રાત્રીમાં પણ દેખાય તેવા હોવા જોઇએ. આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવુ તેના પોસ્ટર લગાવો તથા ફાયર સેફ્ટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી કરવી અને સમયસર રીન્યુ કરાવવા. તમામ જગ્યાઓ પર જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો ઇન્સ્ટોલ કરવા.

ફાયર મોકડ્રીલનું આયોજન :ફાયર NOC છે કે નહી તેની સમીક્ષા કરવી અને NOC સમયસર રીન્યુ કરાવવા. દર માસની 6 તારીખે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક કરવી. જેમાં આરોગ્ય સંસ્થાના તમામ સ્ટાફને ફાયર સેફટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા અને મોકડ્રીલમાં પણ સહભાગી કરવા. પાણીની ઉપલબ્ધતા અથવા પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી કરવી

આગ લાગે ત્યારે શું કરવું ?આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ પ્લાનની અમલવારી કરવી. આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તા કોઈપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઈએ અને ફાયર એક્ઝીટ દરવાજો બહારની તરફ ખુલે તેવા રાખવા. આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને પણ માહિતગાર કરવા.

વિવિધ વિભાગ સાથે સંકલન :આગના બનાવ સમયે તમામ સ્ટાફને પોતાને કરવાની થતી કામગીરી અંગે જાણકારી હોવી જરૂરી છે અને તે અંગે જરૂરી માર્ગદર્શન સંલગ્ન અધિકારીશ્રીએ નિયત કરવું. ફાયર સેફ્ટીના સાધનો જેવા કે સ્પ્રિંકલર, ફાયર એલાર્મ, સેન્સર, ફાયર સેફટી સીસ્ટમ વગેરે માટે પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ અને સંબંધિત ઝોનના ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.

  1. રાજકોટ ગ્રામ્યની 110 શાળા અને 16 હોસ્પિટલ સીલ કરવાનો આદેશ અપાયો : જાણો શુ છે કારણ
  2. ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી, માલિકો સામે નોંધાયો ગુનો

ABOUT THE AUTHOR

...view details